ગુરજ્ઞાન - જિનલ પટેલ
આચાર્ય રામાનુજને એક યુવકે કહ્યું કે, 'હું પરમાત્માને મેળવવા માગું છું, માટે મારું માર્ગદર્શન કરો.' આચાર્ય રામાનુજે સ્મિત સાથે પૂછયું, 'હું તારું માર્ગદર્શન કરું તે પહેલાં મને કહે કે તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે?' યુવકે કહ્યું, 'મહારાજ, આપ કેવી વાત કરી રહ્યા છો.
મેં તો આજ સુધી કોઈની સામે આંખ ઉઠાવીને પણ નથી જોયું. હું તો ખૂબ જ સીધો-સાદો છું, બાળપણથી જ મારામાં ધાર્મિક સંસ્કાર છે. હું તો પરમાત્માને પામવા માગું છું. હું અન્ય યુવકો જેવો નથી.'
આચાર્ય રામાનુજે ફરીથી પૂછયું, 'ફરીથી યાદ કર, વીતેલા દિવસોને યાદ કરીને મને કહે કે શું તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે?' આચાર્યની વાત માનીને તે યુવકે ફરીથી થોડી વાર વિચાર્યું અને નિશ્ચયપૂર્વક કહ્યું, 'ના, હું દાવા સાથે કહું છું કે મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી.' આચાર્ય નિરાશ થઈને બોલ્યા, 'તો હું હવે તમારી કોઈ મદદ કરી શકું તેમ નથી, કારણ કે જેણે ક્યારેય સંસારમાં કોઈને પ્રેમ નથી કર્યો, તે પરમાત્માને શું પ્રેમ કરવાનો? જો તારી અંદર પ્રેમના તણખા હશે તો હું તેને આગમાં બદલી શકતો. જોકે તારા જવાબ પર મને વિશ્વાસ નથી, કારણ કે જો જીવનમાં તેં કોઈને પ્રેમ ન કર્યો હોય તો આજે જીવી ન રહ્યો હોત. હજુ સુધી તારું જે જીવન ચાલી રહ્યું છે, તે એ જ વાતનું પ્રમાણ છે કે ક્યારેક ને ક્યારેક તેં કોઈને પ્રેમ કર્યો હશે. પ્રેમ તો એવી વસ્તુ છે જે વહેંચવાથી વધે છે અને આપવાથી મળે છે. માગશો નહીં, મેળવો.'
તે યુવક આચાર્યના કહેવાનો આશય સમજી ગયો અને તેમના પગમાં પડી ગયો.