પર્વ વિશેષ - તૃપ્તિ ભટ્ટ
મોક્ષદાયીની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશહરા(દશેરા). ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે. પતિત પાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે. પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ, સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી પણ ર્ઘાિમક દૃષ્ટિએ પણ તેની મહત્તા અનેરી છે. ગંગાની મહત્તાનું પ્રમાણ વાલ્મીકિનાં કાવ્ય, બુદ્ધ-મહાવીરના વિહાર અને કબીરની વાણી, તુલસીની રચના વગેરેમાં જોવા મળે છે.
જીવમાત્રના કલ્યાણ હેતુ જેઠ વદ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતર થયું. ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. તુલસીદાસે ગંગા નદીને કિનારે જ એક કુટિર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી. તુલસીદાસના ગંગાપ્રેમને લીધે જ બનારસના ગંગાઘાટને તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે. ભતૃહરિ, આદિશંકરાચાર્ય, કવિ રહીમે પણ ગંગાનું ગુણગાન કર્યું છે. કવિ કાલિદાસે લખ્યું છે કે, 'ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય.' રઘુવંશમ્માં નદીના અલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે. બાણભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાઈ છે. શ્રીમદ ભગવદ્ પુરાણ, મહાભારત, રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે.
ગંગા અવતરણની કથા
ગંગા અવતરણનો ઉદ્દેશ જ માનવજાતના ઉદ્ધાર માટે થયો હતો. અયોધ્યાના રાજા સગરે એક વાર અશ્વમેઘ યજ્ઞાનું આયોજન કર્યું હતું અને ઘોડાને ભમ્રણ કરવા માટે છોડી દીધો. ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના ૬૦ હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઇન્દ્રદેવે એક ષડ્યંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેઘના ઘોડાને પકડાવીને કપિલમનિના આશ્રમમાં બાંધી દીધો. ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતાં શોધતાં કપિલમુનિના આશ્રમમાં પહોંચે છે, રાજા ઇન્દ્રએ આ ૬૦ હજાર પુત્રોને બાળીને ભષ્મ કરી નાખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અશુંમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યો. તે અશ્વની શોધમાં કપિલમુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેઘના ઘોડાને ત્યાં ચરતો જોયો. તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભષ્મ થઈ ગયા છે. કપિલ મુનિએ કહ્યું કે પતિત પાવની મોક્ષદાયિની ગંગા જ આ ૬૦ હજાર પુત્રોનો ઉદ્ધાર કરી શકશે.
અંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું, પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યાર બાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યાર બાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાનો પ્રવાહ એટલો વેગીલો હતો કે જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીનું પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્ધારક ન બની શકે ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી, તેથી શિવને ગંગાધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે. ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે, તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તેમાં પણ ગંગા દશહરાના પર્વ પર તો ગંગાના સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે.
કેવી રીતે કરશો ગંગા માતાનું પૂજન?
સ્વચ્છ, પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામાં કે અન્ય પવિત્ર નદીમાં ડૂબકી લગાવો, પછી પિતૃતર્પણ કરો અને ઘી લગાવેલ કાળા તલ નદીના જળમાં અર્પણ કરો. ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગા માતાની મૂર્તિનું ષોડસોપચારે પૂજન કરો, ત્યાર બાદ સૂર્ય, શિવ, બ્રહ્મા, રાજા ભગીરથનું પણ ષોડસોપચારે પૂજન કરો. પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંક દસ રાખવો. આ રીતે દસ દીપક, દસ ફૂલ, દસ નૈવેદ્ય, દસ પાન, દસ બ્રાહ્મણને દાન આપો. તેમાં પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોળ મુઠ્ઠી તલ દાનમાં આપવાથી વધારે લાભ થાય છે. તદુપરાંત લોટમાંથી કે માટીમાંથી માછલી બનાવીને તેને જળમાં પ્રવાહિત કરી દેવાનું પણ વિધાન છે. પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દો. ધર્મગ્રંથો અનુસાર ગંગાદશેરાના દિવસે જે વ્યક્તિ વિધિવિધાન સાથે અને ભાવપૂર્વક ગંગા માતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષના અધિકારી બને છે. મનુષ્યને મુક્તિ અપાવનાર ગંગા અતુલ્ય અને અણમોલ છે.