એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
આસામ, મણિપુર અને મેઘાલયના કોંગ્રેસી મુખ્યપ્રધાનોે પાંચમી મેની સભામાં નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (એનસીટીસી) સામે વિરોધ કર્યા બાદ હવે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનોએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (સુધારણા) ખરડા સામે વિરોધ વ્યક્ત કર્યો છે, આ ઉપરાંત છત્તીસગઢ અને ગુજરાતે પણ તેનો વિરોધ કર્યો છે. સરહદની સુરક્ષા કરનાર આ કેન્દ્રીય એજન્સીને આંતરિક વિસ્તારમાં પણ શોધ, ઝડતી, ધરપકડ અને જપ્તીના અધિકારો આપવાની જોગવાઈ હોવાથી ઉક્ત રાજ્યોએ તેનો વિરોધ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, સ્થાનિક પોલીસનાં કામકાજ સાથે ઘર્ષણ થઈ શકે છે. અગાઉ ગુજરાત, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસા, પંજાબ, છત્તીસગઢ અને બિહારના મુખ્યપ્રધાનોએ એનસીટીસીનો વિરોધ કર્યો છે. આ સંજોગોમાં આકરા કાયદાનો અમલ ક્યારે થશે એવો સવાલ ઊભો થયો છે. વાસ્તવમાં ભારતમાં જ્યારે પણ કેન્દ્ર અને રાજ્યોમાં અલગ અલગ પક્ષની સરકારો હોય ત્યારે પરસ્પર વિરોધી વલણ અપનાવવાની વાત ઘણી જ સામાન્ય બની જાય છે. મોટાભાગે રાજકીય કારણોસર જ રાજ્ય સરકારો કેન્દ્રની યોજનાઓનો વિરોધ કરે છે. ક્યારેક કેન્દ્ર સરકાર વિરોધ પક્ષની સરકારને ભીડવવા માટે અમુક જોગવાઈઓ દાખલ કરે છે, જો કે, એનસીટીસી અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના ખરડાનો સવાલ છે ત્યાં સુધી ફક્ત રાજ્યોને ભીડવવાના ઇરાદે જોગવાઈ કરવામાં આવી હોવાનું દેખાતું નથી.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યંત ભયંકર કહી શકાય એ રીતે આતંકવાદી હુમલો થયા પછી અમેરિકાની જેમ જ અહીં પણ આકરો કાયદો ઘડવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધી ગયું. પી. ચિદમ્બરમે ૨૦૦૮માં શિવરાજ પાટિલ પાસે કેન્દ્રીય ગૃહપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યો એ જ સમયે તેમણે એનસીટીસી જેવો કડક કાયદો આવવાના અણસાર આપી દીધા હતા. આતંકવાદ જેવી આંતરરાષ્ટ્રીય સમસ્યા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણે જ પ્રયાસ થવા જોઈએ એ ભૂમિકાને લક્ષમાં રાખીને અમેરિકાના એનસીટીસી કાયદાની જેમ જ ભારતમાં પણ આવો કાયદો ઘડવા માટે તૈયારીઓ શરૂ કરાઈ. અત્યારે કોંગ્રેસ સિવાયનાં અનેક રાજ્યોના મુખ્યપ્રધાનોએ એવી દલીલ કરી છે કે, એનસીટીસી હેઠળ કેન્દ્રીય એજન્સીઓને અમર્યાદ સત્તાઓ આપવામાં આવી હોવાથી તે કાયદાનો વિરોધ કરવો અનિવાર્ય છે.
કયા પક્ષે કયા કાયદાનો વિરોધ કરીએ એ વાતને એક વખત બાજુએ રાખી દઈએ તો સૌથી પહેલો મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે, શું આતંકવાદ અને વિદેશીઓની ઘૂસણખોરી જેવાં દૂષણોની સામે લડવા માટે કોઈ કાયદો ન હોવો જોઈએ ? કોઈ પણ પક્ષ કાયદાની જરૂરિયાતને અવગણી શકે નહીં. અત્યારના કાયદા અપૂરતા સાબિત થતા હોય તો નવા જમાનાની નવી સમસ્યાઓ સામે લડવા માટે નવા કાયદાની જરૂર પડવાની એ વાત ર્નિિવવાદ છે, વળી, જે સરકાર અમેરિકાના ઈશારે નાચતી હોય તેની પાસે બીજી અપેક્ષા પણ રાખી શકાય નહીં. આતંકવાદને પોષણ આપે એવું વાતાવરણ સર્જનાર અમેરિકા અને તેના ઇશારે ચાલનાર દેશોએ પછીથી તે જ દૂષણ તેમના પર હાવી થઈ જાય ત્યારે તેને માત કરવા માટે આકરા કાયદા ઘડવા પડે છે. એનસીટીસી એ આ જ બાબતનું ઉદાહરણ છે, આમ છતાં, આતંકવાદને નાથવાના તેના ઉદ્દેશને અનુલક્ષીને એનસીટીસી લાવવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં.
જે રીતે કેન્દ્ર સરકાર અમેરિકાનું અનુકરણ કરવાની ભૂલ કરે છે એવી જ રીતે રાજ્યોમાં સ્થાનિક હિતોને પ્રાધાન્ય આપીને સત્તા પર આવેલા રાજકીય પક્ષો પોતે પણ સ્વાર્થી રાજકારણને લીધે કેટલીક બાબતો પરત્વે દુર્લક્ષ કરે છે, તેમાં સૌથી પહેલાં તો તેઓ પોલીસતંત્રને પોતાનાં હિતોની રક્ષા કરવા માટે જ વાપરે છે. રાજ્યની જનતાની સલામતી કરતાં રાજ્યના રાજકારણીઓની સલામતી અને તેમની વોટબેંકની સલામતી માટે સ્થાનિક પોલીસનો ભરપૂર પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવે છે, આથી જ જ્યારે પણ કડક કેન્દ્રીય કાયદાનો અમલ કરવાનો આવે ત્યારે રાજ્યોમાંથી તેનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. કોમી રમખાણોને ચેતવવાનાં કે દબાવવાનાં હોય, રાજકારણીઓનાં કૌભાંડોને ચગાવવાનાં કે છાવરવાનાં હોય, જનતાના અવાજને દબાવવાનો હોય કે સ્થાપિત હિતોના અવાજને બુલંદ બનાવવાનો હોય, રાજ્યોમાં પોલીસતંત્રનો પ્રચંડ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, આથી જ તેઓ આતંકવાદી હુમલા જેવાં જોખમોને વેળાસર નિવારી શકતા નથી. મુંબઈમાં ટ્રેનથી માંડીને બસ અને રેલવે સ્ટેશનથી માંડીને બજારો, વેપારી કેન્દ્રો અને ફાઇવસ્ટાર હોટેલ સુધી તમામ સ્થળોએ આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારનું સલામતી તંત્ર તેને અટકાવી શક્યું હોત તો કેન્દ્રીય કાયદાનો વિચાર કરવાની જ જરૂર નહોતી પણ તેમ થયું નહીં. મુંબઈના ૨૬/૧૧ના હુમલા વખતે પોલીસ કંઈ કરી ન શકી, ઊલટાનું તેના અધિકારીઓ અને હવાલદારો મોતના મુખમાં હોમાયા ત્યાર બાદ કેન્દ્રીય સલામતી એજન્સીઓએ બાજી સંભાળીને આતંકવાદીઓને ઠાર કર્યા અને તેમાંથી અજમલ કસાબ ઝડપાયો. એ વખતનો તમાશો દુનિયા આખીએ જોયો. આવા હુમલાઓને ખાળવા માટે ક્યાં સુધી રાજ્ય સરકારો પર આધાર રાખવો ? ૧૯૯૩ના મુંબઈના બોમ્બ ધડાકાઓ વખતે પણ સ્થાનિક પોલીસતંત્ર ષડયંત્રને પકડી શક્યું ન હતું. ઈશાનનાં રાજ્યોનો નક્સલવાદ પણ સ્થાનિક રાજકારણનું જ પરિણામ છે. નક્સલવાદીઓ મનફાવે ત્યારે સરકારી અધિકારી કે અન્યોને ઉઠાવી જવા જેટલી દાદાગીરી ધરાવે છે. આ બંને સમસ્યાઓ આખા દેશની છે એ હકીકતને કોઈ ઠુકરાવી શકે નહીં. આથી જ કેન્દ્રીય કાયદાની આવશ્યકતા ઊભી થાય છે.
જ્યારે કોમી રમખાણોનો સવાલ આવે છે ત્યારે એક યા બીજી રાજ્ય સરકાર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શંકાની સોય તકાય જ છે. કોમી રમખાણોને ક્યાં સુધી ચગવા દેવાં અને પછી ક્યારે દબાવી દેવાં એ નક્કી કરવાનું કામ રાજકારણીઓ કરતા હોય છે અને તેમાં તેઓ પોલીસતંત્રનો સાથ લે છે. પોલીસો સ્થાનિક રાજકારણીઓની સિક્યોરિટી સાચવવા ઉપરાંત તેમનાં ઘરની રખેવાળી, તેમના પરિવારજનોની સેવાથી માંડીને તેમનાં કાળાં કામો પર પડદા પાડવા માટેનાં કાર્યો ઘણી સિફતથી પાર પાડતા હોય છે. આવામાં તેમને દેશના દુશ્મનો નજરે ચડતા નથી.
ભારતનાં જે જે રાજ્યોમાં વિદેશીઓની ઘૂસણખોરી ચાલે છે તેના માટે પણ સ્થાનિક રાજકારણ જ જવાબદાર હોય છે. નેપાળથી થતી મનુષ્યોની હેરાફેરી હોય, મુંબઈ, પશ્ચિમ બંગાળ, આસામમાં થતી બાંગલાદેશીઓની ઘૂસણખોરી હોય, ઈશાનનાં રાજ્યોમાં વકરતો જતો નક્સલવાદ હોય કે પછી કાશ્મીરમાં પાકિસ્તાનીઓનો છૂપો પ્રવેશ હોય, એ તમામ સમસ્યાઓ માટે સ્થાનિક રાજકીય પક્ષો જ જવાબદાર હોય છે, આથી તેમનું કહ્યું ગણકાર્યા વગર કેન્દ્રીય કાયદાઓને કડક બનાવવાની કામગીરીને ક્યાંય અટકવા દેવી જોઈએ નહીં. કાયદો-વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહિયારી જવાબદારી છે, તેમાંથી એક પણ જગ્યાએ છીંડાં રહી જાય તે ચાલે નહીં. પ્રાદેશિક પક્ષોના ઉદયે તેમાં ઘણાં છીંડાં પાડી દીધાં છે અને કેન્દ્ર સરકારે તેના તરફ આંખ આડા કાન પણ કર્યા છે. અત્યારે અમેરિકાનાં દબાણ હેઠળ આવીને જ કાયદા ઘડાઈ રહ્યા છે.
આથી ટૂંકમાં એટલું જ કહેવાનું કે, ભારતમાં જે રીતે રાજ્યોના રાજકારણીઓની વગ વધી છે તેને જોતાં આગામી દિવસોમાં સલામતીનો સવાલ વધારે ગૂંચવણભર્યો બનવાનો છે, જો તેઓ કેન્દ્રનાં કામકાજમાં અવરોધ નાખતા હોય તો જનતાએ પણ આ વિષયે પોતાનો મત માંડવો જોઈએ. આખરે દેશની સલામતીનો સવાલ છે અને તે જનતાને સ્પર્શે છે તેથી આ બાબતે જનમત લેવામાં કશું ખોટું નથી.