નવી દિલ્હી 10, મે
એરલેસ- મેક્સિસ મુદ્દે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બે વાગ્યા સુધી અને ત્યારબાદ ચાર વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. બીજેપીનો આરોપ છે કે ગૃહ મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ આ ડીલમાં સામેલ છે. જો કે, ચિદમ્બરમે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે તેમના અને તેમના પરિવારના કોઇ પણ સભ્યની એરસેલ અથવા મેક્સિસમાં કોઇ ભાગીદારી નથી. તેમ છતાં બીજેપીનો હોબાળો યથાવત રહ્યો હતો. તેના પર નાણામંત્રી પ્રણવ મુખરજી ગુસ્સે થઇ ગયા હતા.
2006માં થયેલા એરસેલ-મેક્સિસ ડીલના મામલાને સીનિયર બીજેપી સભ્ય યશવંત સિંહાએ ઉઠાવ્યો હતો અને ચિદમ્બરમનું નામ લીધા વગર કહ્યું કે તત્કાલિન નાણામંત્રીના પુત્ર કથિત રીતે આમાં સામેલ છે. સિન્હાએ આરોપ લગાવ્યો કે તત્કાલિન નાણામંત્રીના પુત્રને મેક્સિસથી 5 ટકા શેર મળ્યા હતા. સિન્હાએ નાણામંત્રી પ્રણવ મુખરજી પાસે આ અંગે નિવેદનની માંગણી કરતા તેને પ્રથમ દ્રષ્ટિએ એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને કહ્યું કે સરકારને તેના પર પરદો ન નાખવો જોઇએ.
ત્યારબાદ બીજેપી સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી ચિદમ્બરમે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા પરંતુ બીજેપી સભ્ય તેમની વાત સાંભળવા માટે તૈયાર નહતા. ચિદમ્બરમે કહ્યું કે, આ દુર્ભાગ્યપુર્ણ છે કે સંસદનો ઉપયોગ કોઇ નાગરિક પર આરોપ લગાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેઓએ બીજેપીને પડકારતા કહ્યું કે વિપક્ષી પાર્ટી જવાબ સાંભળવાથી ડરી રહી છે તેથી તેઓને જવાબ નથી આપવામાં આવતા.
બીજેપી સભ્ય આ ગંભીર વાત છતાં શાંત ન થયા અને તેઓ નાણા મંત્રી પ્રણવ મુખરજી પાસે આ મામલે જવાબ માંગતા રહ્યા. તેના પર પ્રણવ મુખરજીને ગુસ્સો આવી ગયો અને તેઓએ કહ્યું કે વિપક્ષી દળને એક જ વાત વારંવાર ન કરવી જોઇએ. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મુખરજીનો ગુસ્સો શાંત કરવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં સદનની કાર્યવાહી ફરીથી શરૂ થયા બાદ મુખરજીએ પોતાના વ્યવહાર માટે સદનની માફી માંગી હતી.