રાજકોટ 11, મે
- ગુજરાતી ફિલ્મોના કોમેડીકિંગ રમેશ મહેતાનું 78 વર્ષની ઉંમરે નિધન
- રમેશ મહેતાની અંતિમ યાત્રા દરમિયાન રામ ધૂનને બદલે તેમના ડાયલોગ્સની ધૂન વગાડવામાં આવી
ગુજરાતી ફિલ્મોના માધ્યમથી દેશ વિદેશના કરોડો લોકોમાં લોક ચાહના મેળવનાર ગુજરાતી કોમેડીકિંગ અને જાણીતા હાસ્યકલાકાર ઓહોહોહો...હો ફેમ રમેશ મહેતાનું આજે વહેલી સવારે રાજકોટ ખાતે લાંબી બિમારી બાદ નિધન થયું છે.
સૌરાષ્ટ્રના નવાગામમાં જન્મેલા રમેશ મહેતાએ અત્યાર સુધીમાં તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓને અનેક એવોર્ડ મળ્યા છે. ઉપરાંત તેઓ ગુજરાતી તખ્તના પણ લોકપ્રિય કલાકાર હતા. મુંબઇ ખાતે તેમના અનેક નાટ્ય પ્રયોગો પણ રજૂ થયા છે.
આજે સવારે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા નિકળી ત્યારે તેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો જોડાયા હતા. જેમાં ગુજરાતી ફિલ્મના અનેક કલાકારો પણ જોડાયા હતા જેમાં અમર કુમાર જાડેજા, અશોક પટેલ, અનિલ ખંભાયતા, ભરત યાજ્ઞિક તેમજ પરિવારજનો હતા. તેઓએ દર્શાવેલી અંતિમ ઇચ્છા અનુસાર તેમની સ્મશાન યાત્રામાં પણ ધૂનના બદલે તેમના ડાયલોગ વગાડવામાં આવ્યા હતા.
સદગત રમેશ મહેતા છેલ્લા કેટલાંક સમયથી બિમારીથી પીડાતા હતા. જેના કારણે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે આઠ વાગ્યે પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેઓએ હાસ્ય કલાકાર ઉપરાંત પટકથાનું લેખન પણ કર્યું છે. રમેશ મહેતાના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતે કદી ન પુરી શકાય તેવી હાસ્ય અભિનેતા અને મહાન કલાકારની ખોટ પડી છે.
તેરા મૌડ આયે તો મુડ જાના, મેં ચલતા રહુંગા... રમેશ મહેતાની આગવી અદા જુઓ વિડિઓમાં
ગુજરાતી ફિલ્મોમાં આગવી હાસ્યશૈલીથી દર્શકોને હસાવનાર રમેશ મહેતાનું નિધન