વિશેષ - વંદિતા દવે
“દેવ હાજર ન રહી શકે ઘર ઘર મહીં
મા સ્વરૂપે જન્મ લે જીવતર મહીં.”
માની મહાનતાને ભૂલી બેઠેલા, ભૌતિકતાના રંગોમાં ખોવાઈ ગયેલા ત્યાંના સંતાનો 'આ દિવસે' માને યાદ કરે છે, વહાલ કરે છે અને ભેટ-સોગાદો આપી 'મધર્સ ડે' ઉજવ્યાની ખુશી મનાવે છે ! પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો યુગોથી મા પૂજાતી આવી છે. પહેલાંના ઋષિ-મુનિઓ 'માતૃદેવો ભવ'નું સૂત્ર આપી જીવનમાં માતાનું સ્થાન દેવસમાન છે એ આપણને ખૂબ સારી રીતે સમજાવી ગયેલા, જે સૂત્રને આપણે યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. ઉપર જે અનંત છે એને 'આકાશ' કહે છે અને નીચે જે અનંત છે એને 'માતા' કહે છે. એ વાત ભારતીય સંસ્કૃતિની છોળોમાં ઉછરેલું સંતાન ખૂબ સારી રીતે જાણે જ છે. છતાંય 'મધર્સ ડે'ના દિવસને એક ઉત્સવ તરીકે કે એક ઉત્તમ પર્વ તરીકે ભારતનો નાગરિક હોંશભેર ઉજવે છે.
એક હિન્દી ફિલ્મના ગીતની પંક્તિ યાદ આવે છે
“ઉસકો નહીં દેખા હમને કભી
પર ઉસકી જરૂરત ક્યા હોગી
એ મા તેરી સૂરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી.”
વેદમંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો થયો છે. તેને અનુસરીને આજે પણ આપણે 'માતૃદેવો ભવ' એ સૂત્રને ભૂલી શક્યા નથી. સંસારનાં કોઈ સગાં કદી માની તોલે ન આવી શકે, એ એક નરી વાસ્તવિકતા છે. જગતની કોઈપણ મહાન વિભૂતિઓની જીવન ઝરમરને જોતાં માલૂમ થશે કે, તેની પ્રેરણાની પહેલી સરવાણી તેની માતા જ હોય છે. પ્રેમ અને વાસ્તલ્યની જીવંત પ્રતિમા એ માતા... હૈયાનાં હેત પાઈ સંતાન માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરતી એ માતા... મૂંગા આશિષ આપી સંતાનનું સદા ભલું ચાહતી એ માતા... ધરતી સમું ધૈર્ય ધરાવતી, ચંદ્રમા સમી શીતળતા વહાવતી, ઝરણાં સમી મીઠાશ પીરસતી એ માતા.. દિશાહીન બાળકની આંગળી પકડી તેને સાચી દિશા બતાવતી એ માતા... પ્રેમ અને માધુર્યની મહેકથી બાળકના જીવનને મહેકાવતી એ માતા... ખરેખર, સંસારનો સર્વશ્રેષ્ઠ સંબંધ એ માતા અને બાળકનો સંબંધ. માણસના જીવનના દરેક તબક્કે બધું ઘટતું રહે છે, જતું રહે છે, ઓસરતું રહે છે... પછી એ બાળપણ હોય, યૌવન હોય, સુખ હોય કે શાંતિ હોય, પરંતુ માતાનો પ્રેમ કદી ઘટતો નથી, કદી ઓસરતો નથી, બલકે વધતો જ રહે છે.
“માતા જેવી કોઈ છાયા નથી
માતા જેવું કોઈ કવચ નથી
માતા જેવી કોઈ ગતિ નથી
માતા જેવી કોઈ પરબ નથી.”
માતાના વાત્સલ્યયુક્ત અશ્રુમાં ગંગાની પવિત્રતા છે અને એના અજોડ પ્રેમમાં હિમાલયનું બળ છે. મા એ વૃક્ષની ઠંડી છાયા છે. મા એ ખારા સમુદ્ર વચ્ચે મીઠી વીરડી સમાન છે. કહેવત છે ને, “નદી સમાન વહે કોણ ? મા સમાન બીજું કોણ ?” જે દેહમાંથી દેહ આપે છે, જીવમાંથી જીવ આપે છે, દીવાની જેમ પ્રકાશ આપે છે, અપેક્ષા વગર પારાવાર પ્રેમ આપે છે એ માનો અર્થ જોડણીકોશમાં નહીં, જીવનકોશમાં જોવાનો હોય છે.
“જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.” 'જનની' એ શબ્દ બોલવામાં કદાચ ખૂબ સહેલો લાગે છે, પણ એ પાત્ર અદા કરવાનું એટલું જ કપરું છે હો. માતૃત્વ વગરની સ્ત્રી અધૂરી છે તો સ્ત્રી વગરનું માતૃત્વ અશક્ય છે. મા એ તો ઈશ્વરની અનમોલ ભેટ છે. માનો પ્રેમ જગતનો સૌથી સાચો અને સૌથી શ્રેષ્ઠ પ્રેમ છે. તેના આશીર્વાદમાં એટલી શક્તિ છે કે ખુદ ઈશ્વરે પણ ઝૂકવું પડે ! માનો ત્યાગ, માનું વાત્સલ્ય, માનું માધુર્ય એ તો સંતાનના જીવનની અદ્વિતીય મૂડી છે.
“ધરતી પે ઈશ્વર કી તલાશ હૈ
માલિક તેરા બંદા કિતના નિરાશ હૈ
ક્યું ઢૂંઢતા હૈ ઈન્સાન ઈશ્વર કો
જબ કી ઈશ્વર કે દૂસરે રૂપ મેં
મા સાક્ષાત્ હૈ.”
જન્મદાત્રી માતા માનવજાતની સંસ્કારધાત્રી પણ છે. દરેક બાળકને સંસ્કારોનાં બીજ એની મા તરફથી જ વધારે મળતા હોય છે. કહેવાયું છે કે, બાળકના ઘડતરમાં, ચણતરમાં અને સંસ્કાર સિંચનમાં માનો ફાળો સવિશેષ હોય છે. કહેવત છે ને, “સો શિક્ષક સમી એક માતા.” શ્રી રામ, શ્રીકૃષ્ણ, પાંચ પાંડવ, કર્ણ, શિવાજી કે રામકૃષ્ણ પરમહંસ... આ બધાં જ મહાન પાત્રોના જીવનનો મજબૂત પાયો એના જીવનનો આધારસ્તંભ એની મા થકી જ નખાયો છે ને ? માતા એ માત્ર જનની જ નથી, પણ સઘળાં અસ્તિત્વોનું પ્રારંભિક રૂપ છે. એ અનંત સૌંદર્ય અને પારાવાર પ્રેમથી પૂર્ણ છે.
માતાનાં ચરણોમાં જ સાચું સ્વર્ગ છે. અજોડ શક્તિસ્રોત વહાવનારી વિશ્વધાત્રી જનની વિશે એવું પણ કહેવાયું છે કે, કદાચ ઈશ્વરે પોતાનો કાર્યભાર હળવો કરવા માટે માતાનું સર્જન કર્યું છે.
સહનશીલતાને આદત બનાવી, સંજોગો સામે બાથ ભીડી, પોતાના સંતાનને ભરપૂર સંઘર્ષો સાથે ઉછેરનારી, ખૂબ કોમળ છતાં દૃઢ મનોબળવાળી હે મા તને શત્ શત્ પ્રણામ.
“ભૂલો ભલે બીજું બધું
મા-બાપને ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એનાં
એને વિસરશો નહીં.”