વાર્તા – પી.પી.મહેતા
રિસેપ્શન પૂરું થયું.
માંડવો જાણે ખાલીખમ્મ !
કપાળે સૌભાગ્ય ટીલડી, સેંથીમાં સિંદુર, કાજળ આંજી ભોળી આંખો, માએ હેતથી સજાવેલા શણગારથી શોભતો લાવણ્યખચિત દેહ અને આશાભર્યું અંતર, અવિનાશને સથવારે અંગના બનીને કેસર ધીમે પગલે ચાલી રહેલ છે.
હવે પાંચ મિનિટમાં તો એ પિયરવાટ છોડી સાસરવાસમાં સમાઈ જશે. કમળા એની માંએ સવારથી જ નિશ્ચય કરી રાખ્યો હતો કે કેસરની વિદાય વેળાએ પોચટ નહિં બને, હસતું મોં રાખશે, આંસુનું એક ટીપું નહિ પાડે. પણ , જોગ વિજોગના સંગમસ્થાનને વખોટીને અવિનાશ સાથે ફૂલે ફાલી નવી કેડિલેકમાં બેસતા પહેલાં 'પપ્પા !મમ્મી ! જાઉં છું.' એટલું કહી કેસરે માવતર સામે મીટ માંડી અને એ ભાંગી પડી. મિલન અને વિરહના વલોણામાંથી નીપજતાં આનંદ અને વેદનાના આંસુથી એની આંખો છલકાઈ ગઈ. કેસરે માની છાતીમાં મોં છુપાવી એણે મોકળે મને રડી દીધું.
દીકરીને વળાવીને મધુસૂદન અને કમળાબહેન ઘરે પહોંચ્યા. હીંચકે બેઠા. બંનેને વાતો કરવી છે પણ બેમાંથી કોઈના મોઢામાંથી શબ્દો નીકળતા નથી. બંને કેસરના વિચારોમાં ખોવાયેલા છે. આખો ઓરડો કેસરની સ્મૃતિઓથી છલકાય છે. છાજલી પર એના પુસ્તકો, ડ્રેસિંગ ટેબલ પર એનો પાઉડર, મેકઅપ બોક્સ, કાંસકો, હેરપીનો, લેડીઝ રૂમાલ, નેઈલ પોલીશ, વળગણિયે એની સાડી અને ગાઉન. અરિસા પર આંગળીઓના ધાબાના નિશાન, કાચના કબાટમાં જાળવી રાખેલી વિવિધ ઢિંગલીઓ અને રમકડાં. છેવટે કમળાબહેનથી ન રહેવાયું તેમણે પતિના ખભે માથું ઢાળી ધ્રૂસકે ચડી ગયા. મધુસૂદન પત્નીને વાંસે અને માથે હાથ ફેરવતા રહ્યા, પછી ઊભા થઈ પાણી લઈ આવ્યો. તેના ગળે પણ ડૂમો ભરાઈ આવ્યો. એને થયું કેસરની બધી ચીજો હવે સમેટીને કબાટમાં મૂકી દેવી જોઈએ. વિચાર આવતાની સાથે જ તેની નજર ખૂણામાં પડેલા એક જૂના કબાટ તરફ ગઈ. ત્યાં એની સ્મરણશક્તિ ઊભરી આવી કારણ કે આજે પેલું કબાટ ૨૫ વરસથી બંધ છે ! કારણ કે ૨૫ વરસ પહેલાં હિંચકે બેસી, એને ખભે માથું મૂકી કમળાબહેન આમ જ ધ્રુસકે ચડેલાં.
વેણુકા ! કેસર કરતાં મોટી
પાંચેક વરસથી થઈ ત્યારે એક દિવસ અચાનક નિશાળેથી તાવ લઈને આવી. ટાઈફોઈડ લઈને સાત દિવસ... ચૌદ દિવસ... એકવીસ દિવસ! એ વખતે ટાઈફોઈડ વિષમજવર લેખાતો. બાવીસમે દિવસે ઈસ્પિતાલમાં, ગ્લુકોઝના બાટલા, દવાઓ ટીકડાઓ, ઈંજેક્શનો, લોહી ચડાવવાનું નર્સો, ડોક્ટરો, ઉજાગરા, દોડધામ, વલોપાત, બેહોશી, રાડિયો અનેપાત, કોમ્પ્લીકેશનો, મેનીનજાઈટીસ અને મો..ત!
ગુલાબ કળી કરમાઈ ગઈ. વેણુકાનું ચેતનહીન હાડપિંજર ખાટલામાં પડયું છે કોણ કોને સાંત્વન દે ?
મધુસૂદન કમળાબહેનને કહે છે, 'એકબીજાની ઓથે જિંદગી આખી રડવાનું છે. આંસુને સાચવી રાખજે. શબની સામે જોઈ નરી અસહાયતાથી કમળાબહેન પૂછે છે આને બાંધીને લઈ જવી પડશે ને ? મારાથી એ કેમ ખમાશે? પત્નીના ઓશિયાળાપણાને પંપાળતા મધુસૂદન કહે છે, 'ના નહિ બાંધીએ આપણે એને એમ્બ્યુલન્સમાં લઈ જઈશું.
કમળાબહેને અગરબતી પેટાવી, ઘીનો દીવો કર્યો, દીકરીના દેહને નવરાવી,એના જન્મદિવસ માટે સીવડાવેલાં નવા નકોર ઘાઘરી- પોલકું પહેરાવી, કપાળે ચાંદલો કર્યો શબને ફૂલથી શણગાર્યું પછી એમ્બ્યુલન્સ આવી. છેલ્લી વિદાય અને ક્રિમેટોરિયમની ભઠ્ઠીમાં બધું સાફ થઈ ગયું.
ઘરે આવી વરવહુ હિંચકા પર બેઠાં. વેણુકાની એંધાણીઓ વેરવિખેર પડી છે. ચોકના ટુકડા, ભાગેલી પેન્સિલો, પાટી, પેન, દફતર, બાળવાર્તાના પુસ્તકો, લખોટીઓ, નાના બટુકડાં બૂટ-મોજાં, વળગણી પર લટકતો રેઈનકોટ, લંચ બોક્સ, દવાની શીશીઓ, અને ખૂણામાં નાની ખાટલી પર સુવડાવેલી ઢીંગલી.
મધુસૂદનને સૂઝી આવ્યું કે આ બધી એંધાણીઓ તો કમળાબહેનને કચરી નાખશે અને વારંવાર વેણુકાની યાદ દેવડાવશે. આથી મધુસૂદન કમળાને સમજાવી થોડીકવાર માટે પડોશીને ઘરે મૂકી આવ્યા. પછી પેલો કબાટ ખોલીને, એક પછી એક એમ બધી ચીજો સમેટીને કબાટમાં ગોઠવી દીધી. કબાટ બંધ કરી, તાળું વાંસીને ચાવી તિજોરીમાં મૂકી દીધી. પછી એ કબાટ કદી ખૂલ્યું નહીં.
બે વર્ષ પછી કેસરનો જન્મ થયો. ઘર પાછું ગુંજી ઊઠયું અને આજે ? આજે પાછું બધું સૂમસામ ! આજે પાછી એકબીજાની ઓથ ! મધુસૂદને ઊભા થઈ કેસરની ચીજો સમેટવા માંડી. કમળાબહેને એને રોક્યો. કહે, અરે, અરે ? આ શું કરો છો ? રહેવા દો જેમનું છે તેમ કાલે, કેસર આવીને બધું લઈ જશે. એક ઢીંગલી આપણે રાખશું.
પળવાર મધુસૂદન થંભી ગયો. પછી એણે તિજોરી ખોલી જૂની ચાવી કાઢી. કબાટ ખોલ્યો એમાંથી વેણુકાની યાદમાં રાખેલી ઢીંગલી બહાર કાઢી અને કાચના કબાટમાં કેસરની ઢીંગલીની જોડાજોડ ધીમેથી ગોઠવી દીધી.