Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:42:14 PM IST
 

તમારુ બાળક પિઅર પ્રેશરનો ભોગ બને તે પહેલાં... (સાંપ્રત)

May 11, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1404
Rate: 0
Rating:
Bookmark The Article

સાંપ્રત - રીના બ્રહ્મભટ્ટ

શતાયુ હજુ સાડા ત્રણ વર્ષનો છે અને ઘરમાં એકનું એક સંતાન હોવાથી તે ઘરનો લાડકો દીકરો છે. તેથી જ ઘરના તમામ લોકો મોટાભાગે તેની તમામ માગણીઓ પૂરી કરતા તેમ છતાં તેની બાજુમાં રહેતો અલભ્ય જે કંઈ પણ ચીજ લાવે તેવી જ ચીજ તેને લાવી આપવામાં ન આવે ત્યાં સુધી તેની જીદ ઘરમાં ચાલુ રહેતી. અલભ્યના પપ્પાએ તેને લાલ કલરની કાર રમવા માટે લાવી આપી કે તુરંત જ શતાયુએ પણ ઘરમાં ઝઘડો ચાલુ કરી દીધો કે તેને તેના જેવી જ કાર જોઈએ છે. શતાયુ પાસે ઓલરેડી ડઝન કરતાં પણ વધુ નાની- મોટી રંગબેરંગી કારો હતી તેમ છતાં તેના પપ્પાએ અલભ્ય જેવી જ કાર તેને શોધીને લાવી આપવી પડી. અને તેવું નથી કે, શતાયુએ આ એક માગણી બાબતે જ જીદ કરી હોય, તે તેના જેવડા કોઈ પણ બાળકના રમકડા જોતો કે, તુરંત જ તેના ચહેરાના હાવ-ભાવ બદલાઈ જતા અને તે આવા જ રમકડા માટે ઘરમાં ઝઘડા ચાલુ કરી દેતો. જો કે, શતાયુના માત-પિતા તેમજ પરિવારના લોકો માનતા કે, આજના આધુનિક યુગના બાળકો આવા જ હોવાના. અને તેમની વાતમાં થોડો દમ પણ છે.

આઈટી યુગના પ્રભાવે આપણી જિંદગી સમૂળગી બદલવાનું કામ કર્યું છે. આપણે એક અતિ પ્રભાવી બૌદ્ધિક યુગમાં જીવી રહ્યા છે. અને તેને કારણે કદાચ આપણા બાળકો પણ પ્રી-મેચ્યોર થઈ ગયા છે. આધુનિક યુગના પ્રભાવને કારણે બાળકોની બુદ્ધિ તેના સમય કરતાં ખૂબ ઝડપથી વિકસી જાય છે અને કેટલીકવાર આપણે ચોકી જઈએ તે પ્રકારનું બીહેવિયર કરતાં તેઓ માલૂમ પડે છે. વિશેષમાં ત્રણ-ચાર વર્ષનું બાળક એક જવાબદાર વ્યક્તિ તરીકે તો વર્તતુ જ હોય છે પરંતુ તેનામાં પણ કમ્પેરીઝમ કે કોમ્પીટિશનની ભાવના ખીલવા લાગે છે અને તેથી તે કેટલીકવાર તેની અપેક્ષા ન સંતોષાય તો નાની ઉંમરથી જ પિયર પ્રેશર અનુભવવા લાગે છે. આમ તો આજના આધુનિક અને કોમ્પીટીટીવ યુગમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તો આવું પ્રેશર અનુભવતા જ હોય છે અને તેને કારણે તેઓ ચોરી, જૂઠ્ઠું બોલવું, જીદ કરવીથી પણ આગળ આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી બેસે છે. આપણે માનીએ કે ન માનીએ પરંતુ આજના બાળકોમાં બૌદ્ધિકતાની સાથે સાથે એકબીજાથી ચડિયાતા અને શ્રેષ્ઠ દેખાવવાની માનસિક્તા પણ નાની કે પ્રિમેચ્યોર ઉંમરે જ પાંગરવા લાગી છે.

વિશેષમાં આ અંગે જર્મની સ્થિત મેક્સ પ્લૈક ઈન્સ્ટિટયૂટ ફોર ઈવોલ્યુશનરી એન્થ્રોપોલોજીના રિસર્ચર ડેનિયર બી.એમ.હોન અને એમ. ટોમસૈલોને પ્રી સ્કૂલ જતાં બાળકોમાં પ્રી પિઅર પ્રેશર હોવાનું રિસર્ચ કર્યું છે અને તેને ૨૦૧૧માં ચાઈલ્ડ ડેવલપમેન્ટ બુકના રૂપમાં પ્રકાશિત કરી છે. આ બુક મુજબ બાળકોમાં પ્રી સ્કૂલના દિવસોમાં જ પિઅર્સ પ્રત્યે સંવેદનશીલતા પેદા થવા લાગે છે. તેવામાં કોઈ પણ બાળક ગમે તેટલું સમજદાર હોય તો પણ ૩ બાળકોની આગળ જતાં જ તેનો ફેસલો અને પરફોર્મન્સ બદલી નાંખે છે. હોન અને ટૈમસેલોએ ૨૦૦૨માં પ્રકાશિત આર બેનર્જીની બુક ચિલ્ડ્રન્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સેલ્ફ પેઝન્ટેશનલ બિહેવીઅરનો હવાલો આપીને કહ્યું છે કે, બાળકો ૮ વર્ષ બાદ જ પિઅર પ્રેશરને સમજવા લાગે છે અને તેને અનુરૂપ તેની જાતને ઢાળવા લાગે છે. પરંતુ આજના યુગમાં આ બાબતમાં પણ પ્રીમેચ્યોરિટી જણાય છે. વળી પિઅર પ્રેશર પ્રત્યે સંવેદનશીલતાના મામલે છોકરો કે છોકરી બંને બરાબર હોય છે. તેમણે અધ્યનના નિષ્કર્ષમાં કહ્યું છે કે, બાળકોના વિકાસ પર ન ફક્ત મોટાઓના વ્યવહાર (સન્માન, ડર અને સજા)ની અસર પડે છે પરંતુ તેના હમઉમ્ર સાથીઓના સામાજિક દબાણનો સામનો પણ તેમના પર અસર કરે છે.

આ અંગે એક નિષ્ણાત ચાઈલ્ડ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર, ટેક્નોલોજીના કારણે આજે બાળકો સુધી પહોંચતી સૂચનાઓ અને તેના એક્સપોઝરનો દાયરો વધી ગયો છે. તેઓ અઢી વર્ષના થાય ત્યાં સુધીમાં જ સ્કૂલમાં જતા થઈ જાય છે. જેને કારણે તેમનામાં સામાજિકરણ અને ભાવનાઓનો વિકાસ અગાઉની તુલનાએ ખૂબ ઝડપથી થઈ જાય છે. જેને કારણે આપણા પેરેન્ટસ જે ફોર્મ્યુલાથી આપણને મોટા કરતા હતા તે અત્યારે કામ આવી શકતી નથી. કેમ કે, અત્યારે સ્થિતિ અને સિચ્યુએશન ખૂબ ઝડપથી બદલાઈ ચુકી છે. આ સિવાય યુનિર્વિસટી ઓફ શ્યૂરેના પ્રોફેસર ડો. હેલન કોવીએ પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, આજના માહોલમાં ઘણા નાના બાળકોને પણ એસિવર્ટનેસ શીખવવાની જરૂર છે. જેથી તેઓ જે સમજે છે અને મહેસૂસ કરે છે તે દર્શાવવામાં આત્મવિશ્વાસથી ભરપુર રહી શકે. તો અન્ય એક ન્યૂરો સાયકોલોજિસ્ટના જણાવ્યા મુજબ, આજના વાતાવરણમાં એસિવર્ટનેસ એટલે કે, ગુસ્સાને બિલકુલ શાંત રાખીને કોઈ મુદ્દા પર શાંત ચિત્તે વિચારવું અને જે તે સમસ્યાને દૂર કરવી તે કલા બચપણથી જ બાળકને શીખવવી જોઈએ તો બાળક આજના કોમ્પીટીશન અને તણાવભર્યા માહોલમાં પણ તેની જાતને શાંત ચિત્ત રાખી દરેક પ્રકારની પરિસ્થિતિમાં તેની જાતને ટેકલ કરી શકે.

આ સિવાય અન્ય એક ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના જણાવ્યા અનુસાર, આજના યુગમાં બાળકને એકદમ કોઈ પણ ચીજ માટે ના પાડી દેવાને બદલે ખુદ શાંત રહીને તેની વાત શાંતિથી સાંભળવી જોઈએ. જો કે, આ ડોક્ટરના મતે, ૩-૪ વર્ષના કોઈ પણ બાળકની કોઈ જિદભરી ડિમાન્ડને પિઅર પ્રેશર કહી શકાય નહીં. તેમના મતે, આ પ્રોસેસ તે બાળકના બ્રેઈનના વિકાસનો સંકેત છે. આ પ્રકારની ડિમાન્ડ તેનાથી વિશેષ તો ર્લિનંગ કે કોપી કહી શકાય. પિઅર પ્રેશરની શરૂઆત તો ખરા અર્થમાં કિશોરાવસ્થા પછી જ થતી હોય છે.

વિશેષમાં આ મુદ્દે વધુમાં તેમ જ કહી શકાય કે, આજના યુગના બાળકો તે ખરેખર જ એડવાન્સ છે અને આપણા કરતાં અનેકગણા ચડિયાતા છે અને તેની સામે પેરેન્ટસની પણ પોતાના બાળકો સામે વધુ પડતા અપેક્ષિત અને પઝેસીવ બન્યા છે અને તેમના આવા અભિગમને કારણે જ આજના બાળકો સમય કરતાં ઝડપી મોટા તો થઈ જ જાય છે પરંતુ પિઅર પ્રેશરથી લઈને પોતાની જાતને વધુ આંકવી કે ઓછી આંકવી અને તેને કારણે માનસિક રીતે પડી ભાંગવું કે સ્ટ્રેસમાં જીવવું જેવા બનાવો બને છે. અને તેનાથી પણ વિશેષ તો બાળકો આટલી કુમળી ઉંમરે આત્મહત્યા કરી બેસે છે કે પછી ઘર છોડીને ભાગી જાય છે અને આ સ્થિતિ માટે બાળકો કે તેમની માનસિકતા નહીં પરંતુ પેરેન્ટસ પોતે જ જવાબદાર હોય છે. તેથી એટલું યાદ રાખો કે, બાળક તે એક તેવો કુમળો છોડ છે કે, જેનું જતન ચોક્કસપણે કરો પરંતુ તેના વિકાસ માટે તેના પર બોજ ન લાદશો. તેને તેની રીતે પાંગરવા દો. તે એક દિવસ ચોક્કસ ઘટાટોપ અને વિકસિત વૃક્ષ બનવાનું છે તે ન ભૂલશો આખરે કુદરતનો પોતાનો પણ એક કરિશ્મા હોય છે અને દુનિયામાં જન્મ લેનાર દરેકને જીવન જીવવા તે એક આગવી ભેટ આપે જ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com