Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 01:31:28 AM IST
 

પ્રેમમાં છો કે વ્હેમમાં? (યુથ વર્લ્ડ)

May 11, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2272
Rate: 5.0
Rating:
Bookmark The Article

યુથવર્લ્ડ - આરતી ઓઝા

તેણે થોડાં સંકોચ સાથે જવાબ આપ્યો કે, “પ્રેમલગ્ન તો કર્યાં છે, પરંતુ All is not well between us.”

ઑફિસમાં બપોરના સમયે ભોજન- વિશ્રાંતિનાં સમયમાં થોડાં હળવા મૂડમાં હતી ત્યાં જ હું જ્યારે કૉલેજમાં અધ્યાપક હતી ત્યારે મારી ભારે મસ્તીખોર વિદ્યાર્થિની રહી ચૂકેલી પ્રતિક્ષાએ રૂમમાં પ્રવેશ કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેનો કોઈ સંપર્ક ન હતો. માત્ર તેવા સમાચાર સાંભળ્યા હતા તેણે માતાપિતાની ધરાર અસંમતિથી પ્રેમલગ્ન કર્યાં હતા. સમયના બદલાવ સાથે જેમ અનેક નામો આપણી યાદીમાં પાછળ ધકેલાતા જાય છે. તેમ પ્રતિક્ષા પણ મારી યાદીમાં છેક છેવાડે હતી.

લાંબાગાળાના અંતર પછી આમ એક દિવસ અચાનક બપોરના સમયે તેને પ્રગટ થયેલ જોઈને મને થોડું આશ્ચર્ય થયું. વિદ્યાર્થીકાળ દરમિયાન હતી તેના કરતાં અત્યારે પ્રતિક્ષા થોડી પીઢ લાગી રહી હતી. થોડા સમયની અનૌપચારિક વાતચીત બાદ મેં તેમના હવેના પરિવાર એટલે કે તેના સાસરા પક્ષના ખબર અંતર પૂછયા. પતિની નોકરી, પરિવારના સદસ્યોનો સ્વભાવ, તેઓ બંને પોતાના બાળક વિષે ક્યારે પ્લાન કરે છે? જેવા સહજ પ્રશ્નો પૂછતાંની સાથે જ તેના ચહેરાની રેખા બદલાવા લાગી.

થોડા સમયની અવઢવ બાદ તેણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે, “કદાચ અમે છૂટાછેડા લેવા વિશે વિચારીએ છીએ! મને તેની વાત સાંભળીને લગભગ આંચકો જ લાગ્યો. મેં વળતો જ પ્રશ્ન કર્યો કે, “તે તો પ્રેમલગ્ન કર્યાં છે ને? તેણે થોડાં સંકોચ સાથે જવાબ આપ્યો કે, “પ્રેમલગ્ન તો કર્યાં છે, પરંતુ All is not well between us.”

વાતચીતને આગળ વધારતા પ્રતિક્ષાએ પોતાને થયેલ પ્રેમ અને હવેના તેના લગ્નજીવન સંદર્ભે કરેલ આત્મનિવેદન તથા થોડા વખત પહેલાં નવસારી ખાતે બનેલ ધૃતિ પટેલની કથિત આત્મહત્યા જેવા બનાવો જે પ્રકારે સમાજમાં વધી રહ્યા છે. તે જોતાં યુવા દોસ્તો તેમાં પણ ખાસ કરીને યુવાનીની દહેલીજ પર પ્રથમ પગ મૂકવાથી રોમાંચિત થઈ રહેલ સખીઓને મારે સીધો જ પ્રશ્ન કરવો છે કે ટુ મિનિટ નુડલ્સની જેમ ઝટપટ થઈ જતો પ્રેમ અને એટલી જ ઝડપથી થતાં પ્રેમલગ્નો અને પછીથી વણસતી પરિસ્થિતિ વિશે એક વખત ફરીથી વિચાર કરવાની આવશ્યકતા આપણને નથી લાગતી?

યુવાનો અને યુવતીઓ સાથે નિખાલસ વાતચીત કરવાની ટેવ હોવાના કારણે મને એવું લાગે છે કે કૉલેજ કેમ્પસમાં એવી માન્યતા છે કે આજકાલની યુવાપેઢી પાસે બે-ત્રણ વસ્તુ હોવી અનિવાર્ય છે. અનિવાર્ય વસ્તુઓના આ લિસ્ટમાં એક અત્યંત અગત્યની વસ્તુ એટલે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનું નામ છે. હજુ તો યુવાઅવસ્થામાં પગ મૂક્યો ન મૂક્યો ત્યાં તો એકાદ પ્રેમ પ્રકરણ ચાલુ ન થઈ જાય તો યુવક કે યુવતીને પોતાના પર જાણે શંકા ઉપજવા લાગે છે કે મારામાં કંઈ ખોટ હશે? કેમ મારામાં કોઈ રસ લેતું નથી?

કૉલેજ કેમ્પસમાં પ્રેમીપંખીડાઓ વચ્ચે love, break-up & patch-up ચાલ્યા જ કરે છે. યુવા અવસ્થા આવતાની સાથે આવી પ્રેમઊર્મીઓ મનમા ઊઠવી બહુ સહજ છે. પણ તેની સાથે સાથે સારાં નરસાનો ભેદ પારખતા આવડવો, વ્યક્તિઓની યોગ્ય ઓળખ થવી પણ એટલી જ જરૂરી છે એવું નથી લાગતું? દોસ્તો જિંદગી શું ખરેખર એક કોલ્ડ ડ્રિન્કસની બોટલમાંથી બે સ્ટ્રો વડે ઠંડું પીણું પીવા જેટલી સરળ છે?

બે મિત્રોને જેમ નિખાલસ રીતે વાત કરીએ તો દોસ્તો પ્રેમ થવા વિષે મનમાં કોઈ જ સંકોચની લાગણી અનુભવવા જેવી નથી. પ્રેમ થવો એ તો મારે મન માનવજીવનની સર્વશ્રેષ્ઠ ઘટના છે. પ્રત્યેક ધર્મના સૂફી, સંત, મહંત કે કોઈ પણ સંપ્રદાયનો મૂળભૂત અને અંતિમ સંદેશ તો એ જ છે કે પ્રત્યેકને પ્રેમ કરો. પરંતુ દોસ્તો પ્રેમ કરતાં પહેલાં ક્યારેય શાંતિથી પ્રેમ એટલે શું તેનો વિચાર કર્યો છે? શાયરાના અંદાજનો જવાબ નથી જોઈતો, પરંતુ પ્રેમમાં ઊંધેકાંધ પડતાં પહેલાં માત્ર એટલું તો જાણી લો કે સામેના પાત્રમાં એવી કઈ વસ્તુ છે જેને તમે પ્રેમ કરો છો?

યુવાવસ્થા અને ચંચળ મનઃ સ્થિતિના કારણે મિત્રો મોટેભાગે આપણે પ્રેમમાં નહીં પ્રેમના વ્હેમમાં હોઈએ છીએ. એક વાત બરાબર સમજી લેજો કે પહેલી નજરનો પ્રેમ કે made for each other જેવા રૂપકડાં વાક્યો ફિલ્મી સંવાદો તરીકે સારાં લાગે. વાસ્તવિક જિંદગીમાં હું એવું નથી માનતી કે કોઈ વ્યક્તિને કોઈ સાથે પહેલીવાર મળ્યે જ પ્રેમ થઈ જાય. પ્રેમ એ ધીમે ધીમે અને સમજપૂર્વક આગળ વધતી પ્રક્રિયા છે. જેમાં ક્યારેય ઓટ ન હોય. હા, સામેનાની મર્યાદાને પણ આપણે એટલી જ સહજતાથી સ્વીકારતા થઈએ અને તેને તેમાંથી બહાર લાવવાનાં પ્રયાસો કરીએ તો એ સાચો પ્રેમ અને આવા પ્રેમ માટે ક્યારેય Valentine day ના બેનરો લઈને ફરવાની જરૂર નથી પડતી.

આજની યુવાપેઢી જેને પ્રેમ ગણે છે એ તે મોટેભાગે વિજાતીય પાત્ર માટે થતું શારીરિક આકર્ષણ હોય છે. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ શારીરિક આકર્ષણ ઓછું થતું જાય છે. અને સામેના પાત્રની, સ્વભાવની, આર્થિક, પારિવારિક ઉછેરની સમજણ શક્તિની મર્યાદાઓ ધ્યાનમાં આવતી જાય છે. અને આપણને લાગે છે કે આપણી સાથે પ્રેમમાં દગો થયો છે! વાસ્તવમાં આ સમયે બંને પાત્રોએ વિચાર કરવાની આવશ્યકતા છે કે શું આપણે એક બીજાને સમજવાની યોગ્ય તક કે સમય આપ્યો હતો? શું પ્રેમ એટલે સામે મળેલ કે સંપર્કમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ જાય એવી ફાલતું ઘટના છે?

સખીઓએ એવું સાંભળ્યું છે અને આપણાંમાંથી ઘણાંએ એવું અનુભવ્યું પણ હશે કે યુવાનો કે પુરુષજાતિ દિલફેંક હોય છે. સાધારણ રીતે યુવતીઓ પ્રેમ કરે છે. ત્યારે દિલથી કે લાગણીઓના એક અલગ જ સ્તરથી પ્રેમ કરે છે જ્યારે પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે ઇન્વોલ્વ હોય ત્યારે ભાગ્યે જ લાગણીના આ સ્તર સુધી પહોંચે છે. તેથી સ્ત્રીની લાગણીને હંમેશા ઠેસ જ પહોંચે છે.

પુરુષ માટે પ્રેમ એ કદાચ ટાઈમપાસ કે એક જોડી કપડાં નથી ગમતા તો અન્ય જોડી કપડાં બદલવા જેવી સહજ પ્રક્રિયા હશે. પણ બહેનો માટે તે આત્મા સાથે જોડાયેલ ઘટના છે. આ સંજોગોમાં મને પ્રશ્ન એ થાય છે કે પુરુષ કરતાં વધારે સ્પષ્ટતાથી કે ઝીણવટપૂર્વક કોઈ પણ વિષય અંગે વિચારી શકતી સ્ત્રી પ્રેમની બાબતમાં કેમ પોતાની લાગણીઓને અન્યના હાથનું રમકડું બનાવી દે છે?

જેટલી મક્કમતાથી અને અનેક અડચણો વચ્ચે પણ જે પ્રકારે ભારતીય મહિલાઓએ વિભિન્ન ક્ષેત્રોમાં પોતાની ઓળખ પોતાની કોઠાસૂઝથી ઊભી કરી છે. એટલી જ કોઠાસૂઝથી અને સ્વસ્થતા પ્રેમ અને લગ્ન સંબંધોમાં પણ કેળવવી પડશે. અન્યથા સ્ત્રી સ્વભાવથી જ લાગણીપ્રધાન હોવાના કારણે તેણે વધારે ને વધારે સહન કરવું પડશે.

પ્રેમસંબંધોના સંદર્ભમાં એક ખૂબ જ સુંદર વાક્ય જીવનભર યાદ રાખવાની આવશ્યકતા છે. “If someone ask you whom you want to be with for your entire life? you should simply say someone who can understand that I am not perfect.”

દોસ્તો આવો અર્ધનારી નટેશ્વરની જેમ એકમેકની સાથે મળીને પૂર્ણતા તરફ ગતિ કરીએ. બાકી તો દોસ્તો એક સુંદર કાવ્ય પંક્તિની જેમ.

'હૈયાના ઝાડને મૂળિયા અનેક,
એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.'
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com