Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 12:46:40 AM IST
 

મા વિના સૂનો સંસાર (મંથન)

May 11, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 5183
Rate: 3.6
Rating:
Bookmark The Article

મંથન - શાંડિલ્યા
મધર્સ ડે વિશેષ

મા ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે. માનવજાતિની ઉત્પત્તિ, પોષણ અને સિંચન માટે તેણે નારી જાતિને પસંદ કરી તેના દિલમાં મમતા, વાત્સલ્ય, સ્નેહ, કરુણા અને ધૈર્યની રંગોળી પૂરી છે

ઈશ્વર નામના કલાકારે અનેક પ્રકારની રચનાઓ કરી તેને જીવનલાયક બનાવી છે, પણ માનવજાતિમાં 'મા' નામની રચના કરી તેણે તેની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે.

મા ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે. માનવજાતિની ઉત્પત્તિ, પોષણ અને સિંચન માટે તેણે નારી જાતિને પસંદ કરી તેના દિલમાં મમતા, વાત્સલ્ય, સ્નેહ, કરુણા અને ધૈર્યની રંગોળી પૂરી છે. ઉત્પત્તિનો ભાર આ નારીના ખભે મૂકી ઈશ્વર ખુદ નિશ્ચિંત થઈ ગયા અને હૈયામાં સ્નેહનો ખજાનો ભરી નારીએ માતા તરીકે તે જવાબદારીને હરખભેર ઝીલી લીધી.

આ 'મા' અને તેની મમતાની મહાનતા પર ઘણું ઘણું લખાતું આવ્યું છે, પણ 'મા' એ લખવા અને વાંચવાના વિષય કરતાં અનુભવવાની તથા એનું મમત્વ માણીને ધન્ય થઈ જવાની વિશેષ અનુભૂતિ છે.

મા છે તો સંસાર મધુરો છે. મા વિના જગતના સુખો અધૂરાં છે. સંસાર મોળો છે.

એક દીકરીએ તેની માતાને નાનપણમાં જ ગુમાવી દીધી હતી. તેના પિતાએ બાળક પ્રત્યેની લાગણી આગળ ધરી બીજા લગ્ન કરવાની અનિચ્છા દર્શાવી. પોતે જ દીકરીના પિતા તથા માતા બેઉની જવાબદારી નિભાવવાનું નક્કી કર્યું.

પાંચેક વર્ષની થયેલી એ દીકરીની સ્કૂલના એક પ્રોગ્રામમાં મા વિશે બોલીને અભિનય કરવાનો હતો. સૌ બાળકોએ પોતપોતાની કાલીઘેલી ભાષામાં મા વિશેની લાગણીઓ વ્યક્ત કરી વાતાવરણને ભાવવિભોર બનાવી મૂક્યું.

જ્યારે આ નાનકડી પરીનો વારો આવ્યો તે સાવ મૌન બનીને ઊભી રહી ગઈ. આગળ બોલી ગયેલાં બાળકોએ માતાનું જેવું વર્ણન કરેલું, જે ભાવજગત ખડું કરેલું તેમાં ફીટ બેસે તેવું કોઈ તો તેની જિંદગીમાં હતું જ ક્યાં ! મા કેવી હોય, કેવી રીતે તેના વહાલુડાઓને સ્નેહથી ધોધમાર ભીંજવી નાખે, તેના નાના-મોટા ત્યાગ-ભોગ એવી ઝીણી ઝીણી સંવેદનાઓથી તો પરી વંચિત જ હતી. પિતા તેને વહાલ જરૂર કરતાં, તેની બધી જરૂરતો, માગણીઓ પૂરી પણ કરતાં, પણ માનું દિલ તે ક્યાંથી લાવે ! મા જેવી જીવનભરની સર્મિપતતા ક્યાંથી જન્માવી શકે !

અને હકીકત છે કે, પિતા ધારે તોયે અને મથે તોયે માની જગ્યા કદી ના લઈ શકે.

મા વિશે પિતાએ ગોખાવેલા બે-ત્રણ વાક્યો ખચકાતાં ખચકાતાં બોલી. અંતે રડી પડેલી પરીને પછી તેની શિક્ષિકાએ દોડીને બાથમાં ભરી લીધી. સાચી બનેલી આ ઘટનામાં એ પિતાએ પણ પછી આંસુ લૂછતાં કહેલું કે, મા કોઈની મરશો નહીં...

બાળક માટે તેની માતાનું હોવું જેટલું મૂલ્યવાન છે તેટલું જ અનિવાર્ય છે. મા વિના મોળો સંસાર તેવું અમસ્તુ જ નથી કહેવાયું.

માતાની ઉંમર કેટલી ? તો કહેવું પડે કે, તેના સંતાનની ઉંમર જેટલી જ. પ્રસૂતિની કષ્ટદાયક પીડા અને તેના જોખમોને ધ્યાનમાં લઈ તેને સ્ત્રીનો બીજો જન્મ ગણાવાય છે.

કોઈપણ સ્ત્રી પુત્રી હોય, બહેન હોય, પત્ની હોય તેના હૈયામાં પ્રેમ, કરુણા અને સેવારૂપી એક ઝરણું જરૂર વહેતું હોય છે. માની ગેરહાજરીમાં તે ભઈલાને ખવડાવશે, સૂવડાવશે, તેના પિતાની પણ સંભાળ લેતી રહેશે, તેના નાના ભાઈ-બહેનોની કાળજી રાખી તેમની જરૂરતો પૂરી કરતી રહેશે. આવું સ્નેહાળ અને સર્મિપત હૈયું ઈશ્વરે નારી જાતિની જન્મજાત પ્રકૃતિમાં જ વણી લીધું છે, ભેટમાં આપ્યું છે. એક માતા કરતી હોય, પત્ની કે બહેન કરતી હોય તેવી બધી ફરજો તે નિભાવશે, પણ મા તો તે તેના બાળકના જન્મ પછી જ બનતી હોય છે. પેલું લાગણીઓથી ધબકતું હૈયું બાળકના જન્મ પછી, સ્નેહ પ્રેમની બધી મર્યાદાઓ તોડી તેને સંપૂર્ણ સર્મિપત બની જતું જોવાય છે. એથી જ મા-સંતાનોનો નાતો સૌથી વધુ ગાઢ હોય છે.

મા બનતાં જ એ સ્ત્રી તેના દરેક શોખ, ગમા-અણગમા, ઇચ્છાઓ એમ બધું જ બાજુએ મૂકી તેના ઉછેર અને સંભાળમાં એટલી હદે ઓતપ્રોત થઈ જશે જેનું વર્ણન અસ્થાને ગણાશે. આવી સર્મિપતતા અને ત્યાગ પિતા ક્યારેય નહીં દાખવી શકે તે પણ એક દેખીતી હકીકત છે.

કોઈ બાળક માંદું હશે અને જો મા-બાપ બેઉ નોકરી કરતાં હશે તો એવું હજુ સુધી તો સાંભળ્યું નથી કે મા તેની ચિંતા છોડીને કામે જતી રહી હોય અને પિતા ચિંતાથી અડધા થઈ જઈ રજા રાખીને ઘરે રહે અને બાળકની સેવા-સંભાળ કરે. મોટાભાગે તો મા આવું કરે જ નહીં. અનિવાર્ય સંજોગોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ પિતા પણ આવું થવા દે. કેમ કે બાળકના જન્મમાં માતા-પિતા બેઉની ભાગીદારી સરખી જ નિમિત્ત બનતી હોય છતાં બાળકને મોટું કરવાની, તેના ઉછેર-સંભાળની બધી જવાબદારીઓ આપણા સમાજોમાં સ્ત્રીને જ સોંપાઈ છે અને વણલખી વણકહી આ જવાબદારીને મમતાભરી મા હોંશે હોંશે ઉઠાવી પણ લેતી હોય છે. આવી જ હોય છે માની મમતાભરી ફરજ, પણ માતાની આવી બિનશરતી ફરજો સામે સંતાનોની પણ કેટલીક વણકહી ફરજો બને છે.

મોટાં થતાં બાળકો તેમની પોતાની પાંખે ઊડતાં શીખી જાય છે, ડોક્ટર, ઇજનેર કે મોટા માણસ બની સમાજમાં મહત્ત્વના સ્થાને ગોઠવાઈ જાય છે. ત્યાર સુધીમાં તેમને માતાની એ ભાવનાત્મકતાનો ખપ નથી રહેતો. માની મમતા તેમને ખોટા લાગણીવેડા લાગવા લાગે છે. સમસ્યા એ સર્જાય છે કે, સંતાનો મોટાં થઈ જાય છે, પણ એ મા ત્યાં જ રહી જાય છે. એટલે કે બદલાતી દુનિયામાં સંતાનોને હવે માની સંભાળની, તેની સેવા-કાળજીની જરૂરત નહિવત્ વર્તાય છે. જ્યારે દીકરા-દીકરીઓ તો ગમે તેટલાં મોટાં થાય તો પણ મા તો મા જ રહે છે. તે તેની મમતાનું રૂપ તેવું જ રહે છે જેવું પ્રથમથી રહ્યું હોય.

એક મેળાવડામાં બાળક તેની માની આંગળી છોડાવી આમતેમ વિસ્મયથી જોવા લાગે છે. તે માથી છૂટું પડી જાય છે. આમતેમ શોધે છે, પણ મા દેખાતી નથી. તે ગભરાય છે, માના નામની બૂમો પાડે છે. તેની આંખમાં ભય, ડર અને વિહ્વળતાના આંસુઓનો ધોધ વહી નીકળે છે. જાણે તેનું બધું લૂંટાઈ ગયું હોય તેવાં હીબકે ચડી જાય છે. કોઈ તેને પાસે લઈને પૂછે છે ત્યારે કહે છે, “મારી મા ખોવાઈ ગઈ છે... !!

આજે મોટાં થઈ સ્માર્ટ બની જતાં સંતાનો જાતે જ પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. માની આંગળી છોડી, તેનો હૂંફભર્યો પાલવ છોડી, માને ખોઈ નાખવા ઉતાવળા બને છે. ખાસ તો દીકરાઓ માતાની મહત્તા કરવાના સ્થાને તેની ઉપેક્ષા કરતા જોવાય છે.

નાનો હોય ત્યારે જે દીકરો માની પથારી વારંવાર ભીની કરી મૂકતો હતો તે આજે મોટો થયા પછી માની આંખો ભીની કરી દેવા જેટલો નિષ્ઠુર અને સ્વાર્થી બનતો જોવાય છે. જે માતાએ જીવનભર તેના વહાલસોયાં સંતાનોને કાળજેથી જરા પણ અળગાં ના કર્યાં હોય તેને પોતાના કહેવાતા 'સંસારસુખ' ખાતર પોતાના જીવનથી અળગી કરતાં દીકરાઓ અચકાતાં નથી. શરમાતાં પણ નથી.

તેવાં એક પણ કારણો અડચણ ના બનવા જોઈએ જે આજે બની રહ્યાં છે.

કારણો જે હશે તે પણ મા-સંતાનોના સંબંધમાં તેવાં એક પણ કારણો અડચણ ના બનવા જોઈએ જે આજે બની રહ્યાં છે.

ઘરડાં ઘરોમાં દીકરાએ તરછોડી દીધેલી માતાને જ્યારે એ જ દીકરાના ફોટાને છાતીએ વળગાડીને રડતી જોઈએ ત્યારે જે દુઃખ થાય તે વર્ણવવું સહેલું નથી. માની મમતાનું ઋણ ચૂકવવાનું યાદ રાખવાના બદલે જ ખુદ માતાને જ ભૂલી જવાનું પસંદ કરતાં આવાં કપૂતો મમતાના પાલન પર ધબ્બા સમાન છે. કહે છે ને કે મા-બાપની આંખોમાં બેવાર અનહદ દુઃખના આંસુ ઊભરાય. એક તો લાડકડી દીકરીની વિદાય વખતે અને બીજું દીકરો તેના ઘરમાંથી અને દિલમાંથી જાકારો આપે, તરછોડે ત્યારે...!

એવી કોઈ મા નહીં હોય જેણે રાત્રે પડખું ફરતી વખતે પોતાનાં બાળકને કચડયું હોય, પણ પોતાના પોકળ સ્વાર્થ, સુખ અને સગવડો ખાતર માતાના સ્નેહસભર હૈયાને કઠોરતાથી કચડી ભ્રમણના સુખ પાછળ ભમનારા દીકરાઓ આજે અનેક જડી આવશે.

આશા રાખીએ કે, માતાની અનર્ગળ મમતાને, તેના વાત્સલ્યને આજના કળિયુગની નજર ના લાગે... ના તેનો સ્નેહ ઝાંખો પડે કે ના તેની સર્મિપતતા અને ત્યાગની અનહદતાને કોઈ સીમાડા નડે. સામે સંતાનો પણ માતા-પિતાના જીવનભરના તપને લજવવાના બદલે પુત્રત્વની મીઠેરી ફરજથી નિભાવે. તેમની હોલવાતી આંખોમાં રોશનીનું કિરણ બનીને ઝળહળી તેમનું જીવ્યું અને માતા બન્યાનું સાર્થક કરે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com