વડોદરા,તા.૧૧
કિડનીના કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા સ્વ. મહારાજ રણજીતસિંહ ગાયકવાડનું નિધન થયા બાદ આજે સદગતની અંતિમ વિધિ યોજાઈ હતી.
- રાત્રે ૧૨. ૧૦ વાગે દેહત્યાગ કર્યો અને દિવસે ૧૨.૧૦ મિનિટે અગ્નિદાહ દેવાયો
ગત ડિસેમ્બર મહિનામાં સ્વ. રણજીતસિંહ ગાયકવાડને કિડનીનું કેન્સર હોવાનું નિદાન થયુ હતું. મુંબઈ, કરમસદ સહિત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે તેની સારવાર મેળવી હતી. તેમની તબિયતમાં સુધારો આવે તે પહેલાં જ ગત બુધવારની મધ્યરાત્રિએ સુમારે બાર વાગેને દસ મિનિટે તેમણે દેહત્યાગ કરતા સયાજીનગરી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.
દરમિયાન આજે સવારે સુમારે દસ વાગે સદગતની અંતિમયાત્રા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેથી નીકળી કીર્તિમંદિર આવી પહોંચતા ઋગ્વેદી વિધિ અનુસાર બપોરના બરાબર બાર વાગેને દસ મિનિટે મોટી સંખ્યામાં શોકાતૂર નગરજનોની હાજરી વચ્ચે તેમના નશ્વર દેહને અગ્નિદાહ દેવાયો હતો. બારને દસે દેહત્યાગ અને બારને દસે અગ્નિદાહ. આમ સ્વર્ગસ્થની અંતિમ પળો ટાણે કાળનો અનોખો સંયોગ સર્જાયો છે.
રવિવારે અસ્થિ સંચય વિધિ યોજાશે
વડોદરા : સ્વર્ગસ્થ મહારાજ શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડનો આજે અંતિમવિધિ સંપન્ન કરાયા બાદ આગામી તા. ૨૦મીના રવિવારે અસ્થિ સંચય વિધિ સંપન્ન કરાશે તેમ રાજવી પરિવારના રાજપુરોહિત ધ્રુવદત્ત વ્યાસે જણાવ્યું હતું. ત્યારબાદ દસમા દિવસે સદગતની દશપિંડ વિધિ યોજાશે. આ ઉપરાંત તેરમા દિવસે પિતૃભોજન સંપન્ન કરાશે. સૂતક દરમિયાન રાજવી પરિવારના સભ્યો શ્વેત સાફો ધારણ કરશે. સૂતક ઉતરી જતા રાજવી પરિવારના સભ્યો પુનઃ વંશપરંપરાગત લાલ પાઘડી ધારણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. દિવંગત રાજવીની અંતિમ વિધિમાં દેશની વિવિધ ૭ પવિત્ર નદીઓના જળ, ચંદનના લાકડા, છાણા, ઘી સહિત અન્ય સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. સ્વ.ની અંતિમ વિધિમાં ખાસ પ્રકારના ચંદન ઉપરાંત અન્ય મળીને કુલ ૨૦ મણ લાકડા મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૭,૦૦૦ છાણા તેમજ ગાયનું ૬ કિલો દેશી ઘી ઉપયોગમાં લેવાયુ હતું.