સુરત, તા. ૧૧
વર્ષ ૧૯૯૯માં એક ક્લાસિક ફિલ્મ આવી હતી સિર્ફ તુમ. સંજય કપૂર અને પ્રિયા ગીલ અભિનીત આ ફિલ્મમાં બે એવા યુવા હૈયાઓની વાત હતી કે જેઓ ક્યારેય મળ્યા તો શું પણ તેઓએ એકબીજાને જોયા પણ હોતા નથી. બાય મિસ્ટેક બનેલી એક ઘટનાના કારણે બંનેનો પરોક્ષ પરિચય થાય છે અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે. આંખાનો પરિચય વિના માત્ર હૃદયની લાગણીથી એકબીજા સાથે જોડાઇ ચૂકેલા આ બંને યુવા હૈયાઓ ઘણાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી એકબીજાને મળે છે.
- વાપીમાં રહેતાં ઓરિસાવાસી યુવકની હમવતની યુવતી સાથેની અનોખી પ્રેમકહાનીએ પોલીસને દોડાવી
કંઇક આવી જ ઘટનાનો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચની એક તપાસમાં થયો છે. વાત કંઇ એમ છે કે ઓરિસાના નયાગઢ જિલ્લાના ડીએસપીએ બે દિવસ અગાઉ સુરત પોલીસ કમિશનરને એક ફેક્સ મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ એક યુવતીના લાપતા થવા અંગેનો હતો. પચ્ચીસ વર્ષીય સુમિત્રા નાયક ગત ૨૪મી એપ્રિલે અચાનક લાપતા થઇ ગઇ હતી. સુમિત્રાના મોબાઇલ નંબરને આધાર બનાવી સ્થાનિક પોલીસે કરેલી તપાસમાં તેણી દક્ષિણ ગુજરાતમાં હોવાનું બહાર આવતાં તેણીની તપાસ માટે આ મેસેજ કરાયો હતો.
હ્યુમન ટ્રાફિકનો મામલો હોય શકે એવી આશંકા પણ ઓરિસા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હોય પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ મામલાને ગંભીરતાથી લીધો અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ગોહિલે સબ ઇન્સ્પેક્ટર ડી. ટી. ગામીતને ટીમ સાથે સુમિત્રા નાયકની તપાસમાં જોતર્યા હતાં. મોબાઇલ સર્વેલન્સના આધારે ગામીતની ટીમે સુમિત્રા નાયકને વાપીમાંથી શોધી કાઢી હતી.
સુમિત્રા વાપીમાં સરબેશ્વર શેટ્ટી નામના યુવક સાથે રહેતી હતી. પોલીસને આવેલી જોઇ સુમિત્રા અને સરબેશ્વર ચોંકી ઊઠયા હતાં. આ બંનેને અટકાયતમાં લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ યુગલે પોલીસને તેઓ પતિ પત્ની હોવાની વાત કરી હતી. જો કે પોલીસે તેમની વાત સાચી માનવા અગાઉ પૂરી ખરાઇ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો. દૂભાષિયાની મદદથી બંનેને અલગ અલગ રાખી કરાયેલી પૂછપરછમાં એક કોમન વાત બહાર આવી અને એ હતી એક અનોખી લવસ્ટોરી.
સુમિત્રા અને સરબેશ્વર વચ્ચે પરિચય બે વર્ષ અગાઉ થયો હતો. આ પરિચય માત્ર શાબ્દિક હતો. સુમિત્રાએ સંબંધી સાથે વાત કરવા ડાયલ કરેલાં નંબરના ખોટા આંકડાએ તેણીને સરબેશ્વર સાથે જોડી દીધી હતી. રોંગ નંબર હોવા છતાં બંને એકબીજાની વાતમાં એવા તે ખોવાયા કે આ રોંગ નંબર રેગ્યુલર ડાયલ થવા માંડયો હતો.
આ પરિચય થયો ત્યારે સરબેશ્વર મુંબઇમાં નોકરી કરતો હતો, ત્યારબાદ તે ગોવા ગયો, ગોવાથી રાજકોટ અને ત્યાંથી વાપી આવ્યો. બે વર્ષમાં સરબેશ્વરે રોજીરોટી માટે હજારો કિલોમીટર એમ તેમ ફર્યો પણ તેનો સુમિત્રા સાથેનો સંપર્ક યથાવત રહ્યો. એકબીજાની વાતોથી પ્રભાવિત થયેલા આ યુવા હૈયાઓ ક્યારે પ્રેમમાં પડયા એની તેમને પણ ખબર પડી ન હતી. એકબીજાને જોયા વિના મોબાઇલ ઉપર ચાલેલા બે વર્ષના પ્રેમાલાપ બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો.
બંનેએ ફોન ઉપર જ ૨૪મી તારીખે ભૂવનેશ્વરમાં ચોક્કસ સ્થળે મળવાનું નક્કી કર્યું. ઓળખની નિશાનીઓની આપ લે થઇ. સંપર્ક માટે તેમના પ્રેમસંબંધના સેતુ સમાન મોબાઇલ તો હતો જ. યુવા હૈયાઓ નિયત સમયે મળ્યા અને નિયતીમાં લખાયું હતું એમ ભૂવનેશ્વરના મંદિરમાં લગ્ન પણ કરી લીધાં. સુમિત્રા સાથે લગ્ન કર્યા બાદ સરબેશ્વર તેણીને વાપી લઇ આવ્યો હતો.
બીજી તરફ સુમિત્રાએ આ બાબતે ઘરે કોઇ વાત કરી ન હોય પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી કરતાં બંનેને પકડી લીધા હતાં. ક્રાઇમ બ્રાન્ચે સરબેશ્વરને નિવેદન નોંધી જવા દીધો હતો જ્યારે સુમિત્રાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી છે. હવે જ્યાં સુધી ઓરિસા પોલીસ સુરત આવી સુમિત્રાની પૂછપરછ કરી હકીકતથી માહિતગાર નહીં થાય ત્યાં સુધી આ પ્રેમી પંખીડાઓએ ફરી વિરહ સહન કરવો પડશે.