Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 11:42:00 AM IST
 

ક્યારેય દુઃખી ન થવું હોય તો... (ઇન્સાઇટ)

May 12, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1787
Rate: 1.0
Rating:
Bookmark The Article

ઇન્સાઇટ - વિનોદ ડી. ભટ્ટ

તમારા દરેક વિચારને મનોમન પડકારવાનું શીખો, તમારા વિચારનું વિશ્લેષણ કરતા શીખો અને આ માનસિક કવાયતના પરિણામે જે નિચોડ નીકળશે એનાથી તમારા મનોજગતમાં પ્રકાશનો પુંજ રેલાશે

દુઃખનાં મૂળ-૩

લોકો પ્રેમની સામે, પ્રેમના બદલામાં, સામી વ્યક્તિ પાસેથી કશુંક ઝંખે છે. આને સાચો પ્રેમ ન કહેવાય. પ્રેમમાં સામી વ્યક્તિ પાસેથી કશાયની અપેક્ષા નથી રખાતી અને જો અપેક્ષા રખાય તો પછી એ સાચો પ્રેમ નથી. બાયરનની એક વાત સો ટચના સોના જેવી છે. તે કહે છે, “જ્યારે હું કોઈને એમ કહેતા સાંભળું કે તેઓ કોઈકને પ્રેમ કરે છે અને બદલામાં સામી વ્યક્તિ તેમને પ્રેમ કરે એવું ઇચ્છે છે ત્યારે મને તરત જ ખ્યાલ આવી જાય છે કે તેઓ પ્રેમ વિશે વાત નથી કરતા તેઓ બીજા કશાક વિશે જ વાત કરી રહ્યા છે. પ્રેમમાં અપેક્ષાને કોઈ જ સ્થાન નથી. ગુજરાતી સાહિત્યના કવિ-લેખક હરીન્દ્ર દવેએ પણ આ જ વાત કહી છે, પણ ઋજુ હૃદયના આ કવિએ એ વાત જરા જુદી રીતે કહી છેઃ કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.”

જો તમારી વાતમાં હું સંમત થાઉં તો તમે મારી સાથે સારો સંબંધ રાખો, તમે મને પ્રેમ કરો અને જે મિનિટે હું તમારી હામાં હા ન પુરાવું, તમારી કોઈક મજબૂત માન્યતાને જે ક્ષણે હું પડકારું એ પળથી તમે મને પ્રેમ કરતા અટકી જશો, તમે મને તમારો શત્રુ માની લેશો, મનથી તમે મને અલગ માનવા લાગશો.

આવી પરિસ્થિતિમાં બીજી એક વાત બનશે. મનોમન તમે જ સાચા છો એમ માનવાનાં કારણો તમે શોધવા માંડશો, એટલે સંબંધમાં કડવાશ આવી જશે. તમારા જીવનમાં એક સમસ્યા સર્જાશે. ગઈકાલ સુધી જે મિત્ર હતો, એના કારણે જ આ સમસ્યા સર્જાઈ એમ તમે તમારા મનમાં જાતે જ ઠસાવી દેશો. હકીકત એ છે કે તમારા આવા વિચાર જ તમારી સમસ્યાનું મૂળ છે. તમારો મિત્ર તમારી સાથે અસંમત થયો છતાં તમે તમારા જ વિચારને, તમારી જ માન્યતાને વળગી રહ્યા, અને એના કારણે તમને તમારા મિત્ર પ્રત્યે અહોભાવને બદલે અભાવ, અણગમો થઈ ગયો, કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી વિચારસરણી જ સમસ્યા સર્જે છે. તમારા દરેક વિચારને મનોમન પડકારવાનું શીખો, તમારા વિચારનું વિશ્લેષણ કરતા શીખો અને આ માનસિક કવાયતના પરિણામે જે નિચોડ નીકળશે એનાથી તમારા મનોજગતમાં પ્રકાશનો પુંજ રેલાશે. તમારી સમજણ અને તમારી સમજશક્તિમાં ગજબનો વધારો થશે અને પછીનું પરિણામ તમે જોજો. બાહ્ય કોઈ પણ પરિબળ તમને જીવનમાં ક્યારેય વિચલિત નહીં કરી શકે, આ છે તમારી સુધરેલી સમજશક્તિનું પરિણામ.

જો તમે ઈશ્વરમાં માનતા હો તો તેની સમક્ષ પરંપરાગત પ્રાર્થના કરવાને બદલે એક અલગ પ્રકારની જ પ્રાર્થના કરવાનું શરૂ કરજો. એનાથી તમારું સમગ્ર વ્યક્તિત્વ જ બદલાઈ જશે. પ્રભુ સમક્ષ બેસીને તમે પ્રાર્થના કરજો કે હે પ્રભુ, કોઈની પાસે પ્રેમની અપેક્ષા રાખવાની ઇચ્છાથી મને મુક્ત કર. કોઈ મારી કે મારા કાર્યની કદર કરે એવી દિલના એકાદ ખૂણે પણ સહેજેય ઝંખના જાગે નહીં એવી પ્રભુ મને શક્તિ આપજે. મારા દરેક કાર્યમાં કે કોઈ નવા આઇડિયામાં મારો કોઈ મિત્ર કે મારા કોઈ સગાં-સંબંધી મંજૂરીની મહોર મારે, કોઈ તેમાં હાજી હા કરે એવી ઇચ્છા મારામાં ન જાગે એટલી સમજણ મને આપજે પ્રભુ.

આ વિશ્વમાં એક જ સંબંધ સૌથી સર્વાંગી રીતે અર્થપૂર્ણ છે અને તે છે તમારો તમારી જાત સાથેનો, તમારા સ્વ સાથેનો સંબંધ. કોઈ કહેશે જીવનમાં તકલીફ આવી પડે તે વેળા આ બધું પુસ્તકિયું જ્ઞાન કશા કામમાં નથી આવતું. પણ એક નક્કર વાત લખી રાખો કે આપણા દરેકની અહીં જ ભૂલ થાય છે. આવું ચીલાચાલુ અને લગભગ બધા જ વિચારતા હોય એવું વિચારવાને બદલે તમે એમ કેમ નથી વિચારતા કે તમે કોઈ કામની શરૂઆત જ નહીં કરો તો તમે સફળ કઈ રીતે થશો? ઘણા લોકો નિષ્ફળ જવાના ડરથી કોઈ નવું કામ હાથમાં જ નથી લેતા. આ સૌથી મોટી ભૂલ છે. ખાસ કરીને યુવાનોએ આ વાત યાદ રાખવાની છે.

ઘણાં વર્ષો અગાઉ અમેરિકાના એક બેસ્ટસેલર લેખક રોબર્ટ શુલરે દેખીતી રીતે ઉકેલી ન શકે એવી મોટી સમસ્યાઓ પણ કઈ રીતે ઉકેલવી તેની એક ફોર્મ્યુલા શોધી કાઢી છે. આ સાદી અને સરળ પરંતુ જીવનની સમસ્યા ઉકેલવામાં સચોટ એવી ફોર્મ્યુલાની વાત કરતા રોબર્ટ શુલર કહે છે કે,

આ ફોર્મ્યુલાએ મને ક્યારેય નિરાશ નથી કર્યો, મેં તેને નામ આપ્યું છે : 'પ્લેઈંગ ધ પોસિબિલિટી થિન્કિંગ ગેમ' અર્થાત્ તમારી સામેની સમસ્યાના સંભવિત ઉકેલો વિશે મગજ કસવાની કવાયત. આ માનસિક ગેમના પાયામાં તમારે એટલું તો મક્કમ રીતે ધારી લેવું પડે કે તમે શરૂઆત જ નહીં કરો તો તમે ક્યારેય જીતવાના પણ નથી. જીતવા (કે ક્યારેક હારવા) માટે રમવું તો પડે જ. 'ચેન્જ યોર થોટ્સ એન્ડ યુ ચેન્જ યોર વર્લ્ડ : તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવશો તો તેનાથી તમારી આસપાસનું વિશ્વ આપોઆપ બદલાઈ જશે. (સંપૂર્ણ)         

vinod.bhatt@sandesh.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com