ચહેરા પાછળનો ચહેરો – કાજલ ઓજા વૈધ - પ્રકરણ ૧૭
રઘુબીર કશ્યપના બંગલે મોડી રાત્રે મળેલાં સુગંધા અને સિદ્ધાર્થ અજાણતા જ એકબીજાની નજીક આવી ગયાં. આજ સુધી સુગંધાએ કોઈની સાથે ન કરી હોય એવી અંગત વાતો એણે સિદ્ધાર્થ સાથે એ સાંજે કરી... વાઈનની અસર હતી કે પછી સુગંધાને સાચે જ સિદ્ધાર્થમાં વિશ્વાસ પડવા માંડયો હતો એ એને પોતાને પણ નહોતું સમજાતું.
“મારી મા તડપતી રહી અને મારો બાપ એ રાં...” સુગંધાએ પોતાનો ગુસ્સો એ દિવસે પહેલી વાર ખૂલીને સિદ્ધાર્થ સામે વ્યક્ત કર્યો, “અકબર લાલા પાસેથી બેનઝીર છીનવાઈ જાય એ એને પોસાય નહીં ને મારો બાપ બેનઝીર વિના જીવી શકે એમ નહોતો.”
“બબ્બે પાવરફુલ પુરુષોને આંગળીના ટેરવે નચાવતી એ બાઈ...” સિદ્ધાર્થ સાચે જ આશ્ચર્ય પામી ગયો હતો. અત્યાર સુધી આ આખીય કથામાં નહોતું એવું એક પાત્ર અકબર લાલા હવે આ વાતમાં પ્રવેશ્યો હતો. સિદ્ધાર્થ એ નામથી અજાણ્યો નહોતો, પરંતુ એનું કનેક્શન અહીં સુધી નીકળતું હશે એવી એને કલ્પના નહોતી, “બેહદ ખૂબસૂરત હતી બેનઝીર એની ના નહીં, પણ એનામાં કંઈક એવું હશે, જેનાથી આ બે પુરુષો બંધાઈ રહ્યા...”
“હું પણ એ જ સમજવા માગું છું. મારા બાપની એવી કઈ મજબૂરી હતી કે...” સુગંધાએ નિઃશ્વાસ નાખીને આંખો મીંચી દીધી, “તન-મન-ધનથી ખુવાર થયો મારો બાપ, એની પાછળ...” એની આંખમાં ભરાઈ આવેલાં પાણી બંધ આંખોમાંથી વહી નીકળ્યાં. એના લીસ્સા ચમકતા ગાલ પરથી આંસુની ધાર વહી રહી હતી. રડતી સ્ત્રી પણ આટલી સુંદર લાગી શકે એવું સિદ્ધાર્થને પહેલી વાર સમજાયું, “મારા પિતાના ગુજરી ગયા પછી મોઢું બતાવવા પણ નથી આવી. એનું ડેડબોડી મોરેશિયસથી અહીંયાં લાવ્યા અને લોકો માટે ખુલ્લું મુકાયું ત્યારે પણ એ નથી આવી...”
“ડરતી હશે.” સિદ્ધાર્થે નજીક આવીને સુગંધાના ખભે હાથ મૂકવાની હિંમત કરી, “એ જેને જાણતી હતી, ચાહતી હતી એની ગેરહાજરીમાં એનાં કુટુંબીજનો એની સાથે કઈ રીતે વર્તે એની કલ્પનાથી કદાચ ડરી ગઈ હોય.”
“આ જ સવાલો ગૂંચવે છે મને. મારે સમજવું છે કે એક્ઝેક્ટલી શું થયું?” સુગંધાએ આંખો ખોલી. એની લાંબી પાંપણો ભીની હતી, હમણાં જ રડીને ધોવાયેલી એની આંખો થોડી વધારે કાળી અને ઊંડી લાગતી હતી. એની આંખોમાં આશા હતી. અત્યાર સુધીમાં પહેલી વાર સિદ્ધાર્થને સુગંધાના ચહેરા પર એક પ્રાઈમરી સ્કૂલની છોકરી જેવી નિર્દોષતા છલકાતી દેખાઈ, “મારા ડેડના વિચારો મારી ઊંઘ ઉડાડી મૂકે છે. સપનામાં મને રઘુબીર કશ્યપ દેખાય છે સ્ટીમરૂમમાં, તરફડતા... બેનઝીર અને અકબર લાલા મળીને એનું ગળું ઘોટે છે... એવાં સપનાં આવે છે મને. મારે જાણવું છે... મારા સવાલના જવાબ જોઈએ છે મારે.”
“હું મળું બેનઝીરને?”
“પછી?”
“પ્રયત્ન કરું સમજવાનો...”
“એટલું સહેલું નથી. એની જોડે પથારીમાં રાતો ગાળ્યા પછી પણ મારો બાપ જો એને સમજી ન શક્યો તો તું શું સમજવાનો?”
“એક વાત કહું? જે સ્ત્રી સાથે એક વાર પથારીમાં પહોંચી જાઉંને એની સાથેના સંબંધમાં બુદ્ધિ બંધ થઈ જાય છે.” એ હસ્યો, “પુરુષની પાંચ ઈન્દ્રિયો એકસાથે કામ કરવા માંડેને એટલે છઠ્ઠી ઈન્દ્રિય રિટાયર થઈ જાય...”
“બેનઝીરમાં તાકાત છે, ભલભલાને...”
“હશે જ, પણ મારે માટે સ્ત્રીનું શરીર ક્યારેય રસનો વિષય નથી રહ્યું.” એ આગળ આવ્યો, “મને સ્ત્રીનાં મન, મગજ અને હૃદયમાં રસ છે... આ બધું જિતાય તો શરીર આપોઆપ પુરુષના વશમાં આવી જાય છે.”
“ઘણું જાણે છે સ્ત્રીઓ વિશે.”
“હમમમ...” સિદ્ધાર્થ હસ્યો, “અને છતાંય જિંદગીમાં સ્ત્રી નથી હજુ સુધી.” એણે ગંભીર થઈને ઉમેર્યું, “મોટા ભાગના પુરુષો માને છે કે સ્ત્રીના શરીરમાં થઈને એના મન સુધી પહોંચવાનો કોઈક રસ્તો છે! બિચારા રસ્તામાં જ ખોવાઈ જાય છે. ખરેખર તો સ્ત્રીનું મન જ એના શરીર સુધી પહોંચવાની ચાવી છે. એ એક વાર મન આપે પછી બીજું બધું જ એના પુરુષના ચરણમાં ધરી દે છે. બિચારા પુરુષો સમજતા નથી... અને પથારીઓ બદલ્યા કરે છે, ચહેરા બદલ્યા કરે છે, શરીરો બદલ્યા કરે છે... પણ આ બધું બદલવાથી સ્ત્રી બદલાતી નથી એ એમને નથી સમજાતું.”
“વાહ! તારે રઘુબીર કશ્યપને બદલે સ્ત્રી-પુરુષ સંબંધો પર થીસિસ કરવી જોઈએ. કોઈ રિસર્ચની જરૂર નથી. તને બધું જ આવડે છે.” સુગંધા હસી, “તને જેમ જેમ ઓળખતી જાઉં છું તેમ તેમ મને વધુ ને વધુ ખાતરી થતી જાય છે કે રઘુબીર કશ્યપના મોતનું રહસ્ય શોધવા માટે જ તને કોઈકે અહીં મોકલ્યો છે.”
“કોઈક કોણ?”
“કાં તો ઈશ્વર ને કાં તો કોઈ માણસ...” સુગંધાની આંખો ઝીણી થઈ, “કોઈ એવું, જેને રસ છે રઘુબીર કશ્યપમાં, એના મોતના રહસ્યમાં.”
“કદાચ બેનઝીર.” સિદ્ધાર્થ ખડખડાટ હસ્યો.
“તું જઈશ એની પાસે?”
એણે ડોકું ધુણાવીને હા પાડી, “મને વાંધો નથી...” એના ચહેરા પર સ્મિત આવી ગયું, “બેનઝીરને મળવાની ઇચ્છા તો છે જ મને. રઘુબીર કશ્યપ પર જો થીસિસ લખવી હોય તો એક આખું ચેપ્ટર બેનઝીર પર લખવું પડે.” એણે સહેજ સાવચેતીથી પૂછયું, “એના સુધી કોણ લઈ જશે મને?”
“હું જ ફોન કરીશ.”
“તમે?”
“યેસ...” સુગંધાના ચહેરા પરની પેલી નિર્દોષતા ફરી એક ચાલાક મહોરા પાછળ છુપાઈ ગઈ, “તું પીએચડી કરે છે. હું એને એ જ કારણે ફોન કરી શકું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી...” સુગંધાના હોઠ સ્મિતમાં વંકાયા, “એની પાસે જઈને હકીકત શોધવા માટે જો કોઈ એક માણસ સૌથી લાયક હોય તો એ તું છે...”
“તમને મારા પર ભરોસો છે?”
“કોને ખબર.” સુગંધાએ ખભા ઊંચક્યા અને વાઈન ગ્લાસમાં ફરીથી રેડ વાઈન પોર કર્યો (ભર્યો). એણે પાતળો-નમણો ગ્લાસ મોઢે માંડતા પહેલાં સ્મિત કર્યું, “એ મોતનો કૂવો છે. મોટર સાઈકલ લઈને ચક્કર મારવાનો શોખ છે તને... મારે તો કિનારે ઊભા રહીને તમાશો જોવાનો છે.”
“ભલે. હું મોતના કૂવામાં મોટર સાઇકલ ચલાવવા તૈયાર છું.” સિદ્ધાર્થ હસ્યો, પણ એને સમજાઈ ગયું હતું કે એનું પીએચડી જ્યારે થાય ત્યારે... અત્યારે તો એ એક એવી જાળમાં દાખલ થઈ રહ્યો હતો, જેમાં ડગલે ને પગલને જાનનું જોખમ હતું. આ એક એવી દુનિયા હતી, જેમાં રઘુબીર કશ્યપ જેવા સુપરસ્ટારના મોત પર પણ રહસ્યનું તાળું લાગી ગયું હતું. પોતાના જેવો માણસ તો ક્યાંય ખોવાઈ જાય અને એના મોતની ખબર સુધ્ધાં એના ઘર સુધી ન પહોંચે એવી અંધારી આ દુનિયામાં પ્રવેશતા પહેલાં એના ખતરાની અને એની તાસીરની સમજ સિદ્ધાર્થે પોતાના મનમાં બરાબર સમજી લીધી...
***
“બેવકૂફ હો તુમ... ગધે હો... જાન પ્યારી નહીં હૈ ક્યા?” અલકેશ યાજ્ઞિક મોટે મોટેથી બરાડી રહ્યો હતો. ફોનના બીજા છેડે સિદ્ધાર્થ શાંતિથી એની વાત સાંભળતો હતો. અલકેશને ફોન લગાડયો એ પહેલાંથી જ સિદ્ધાર્થને ખબર હતી કે એનું રિએક્શન શું આવશે અને અલકેશ બરાબર એવું જ વર્ત્યો હતો, જેવું સિદ્ધાર્થે ધાર્યું હતું, “વો ઔરત નહીં હૈ, નાગિન હૈ. માર ડાલેગી તુમ્હે... એનો ડંખ વાગે પછી માણસ પાણી માગવા પણ નથી જીવતો. રઘુબીર કશ્યપનું મોત હજી ભુલાયું નથી.”
“પણ સુગંધા ઇચ્છે છે કે એના પિતાના મોતની તપાસ થાય.”
“પોલીસે કરી છે તપાસ. તું શું કામ પડે છે આમાં ? જાનથી હાથ ધોઈ બેસીશ.”
“સુગંધાની આંખોમાં સવાલ છે... હું એ સવાલને...”
“દેખ લડકે, એક સાચી વાત કહું? તારામાં ને રઘુબીર કશ્યપમાં બહુ ફેર નથી. એણે બેનઝીરની પાછળ જીવ ખોયો, તું સુગંધાની પાછળ ખોઈશ... દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે.” અલકેશ ખડખડાટ હસ્યો, “અને કમોતે મરેલા પુરુષની લાશ પાછળ પણ એકાદ સ્ત્રી જરૂર હોય છે.”
“ટૂંકમાં, તમે મારી મદદ કરશો કે નહીં?” સિદ્ધાર્થે સીધો સવાલ પૂછી નાખ્યો. એણે આ સવાલ પૂછવા માટે જ અલકેશને ફોન કર્યો હતો. વાત બીજા પાટે ચડી ગઈ. અલકેશ એને સલાહ આપવા બેસી ગયો. થોડી વાર સુધી તો સિદ્ધાર્થે એની વાત સાંભળી લીધી, પણ પછી એણે અલકેશને ફરી પાછો મૂળ વાત તરફ વાળ્યો, “રઘુબીર કશ્યપના મોતનું રહસ્ય શોધવામાં તો તમને પણ રસ હતો... ખરું કે નહીં?”
“રસ હતો! મારો દીકરો પ્રથમ કિડનેપ થઈ જાય તો પણ હું રઘુબીર કશ્યપના મોતની છાનબીન કરતો રહું એટલો બધો રસ નથી મને.” અલકેશે વાત પૂરી કરી, “તું મને વારંવાર ફોન નહીં કરતો છોકરા, હું સમજી શકું છું કે હવે તું જે કરવાનો છે એમાં તારા ફોન ટેપ થશે. તારી દરેકે દરેક વાત, દરેકે દરેક વિગત પર નજર રહેશે... તું જે કંઈ કરીશ, જ્યાં જઈશ એ બધામાં એમના માણસો તને બાજની નજરથી જોતા રહેશે... જે દિવસે એમનાથી મજબૂત થવાનો પ્રયત્ન કરીશ એ દિવસે એક મિનિટમાં રહેંસી નાખશે તને.”
“સારું, નહીં કરું તમને ફોન. બસ, એક વાત કહી દો મને...”
“બોલ.”
“અકબર લાલા અને બેનઝીર વચ્ચે ખરેખર કોઈ સંબંધ છે?”
“પ્રેસવાળા તો એમ જ કહે છે...”
“મારે રાજનીતિક જવાબ નથી જોઈતો. મને ખબર છે, તમે જાણો છો. જવાબ આપવો હોય તો સાચો આપો, નહીં તો...”
“છે. અકબર લાલા અને બેનઝીર વચ્ચે ગાઢ સંબંધો છે. બેનઝીરની ઘણી ફિલ્મોનું ફાઇનાન્સ અકબરનું છે. મુંબઈના એક અખબારના ફોટોગ્રાફર પાસે આર્મસ્ટ્રેર્ડેમમાં પાડેલી એ બે જણાની તસવીરો પણ છે.”
“તમે એ તસવીર મને બતાવી શકો?” સિદ્ધાર્થે સીધું જ પૂછી નાખ્યું.
“હું? હું ક્યાંથી બતાવું? મારી પાસે નથી એવા કોઈ ફોટા...”
“અલકેશ યાજ્ઞિક, તમે જરૂર હોશિયાર છો, ચાલાક છો, પણ હુંય મૂરખ નથી. તમારી પાસે જરૂર એવી વિગતો છે, જેને માટે લાલાના માણસો ભુરાયા છે. કંઈક એવું છે, જેની એમને જરૂર છે. બાકી કોઈ સામાન્ય રિપોર્ટરના છોકરાને આજ સુધી કિડનેપ કર્યાના દાખલા મેં સાંભળ્યા નથી.”
“જો... હું મારા કુટુંબ સાથે શાંતિથી રહેવા માગું છું.”
“એક વાર... બસ, એક વાર મારી મદદ કરી દો. એક વાર મળો મને... તમારી પાસે જેટલી વિગતો હોય એટલી એક જ મિટિંગમાં આપી દો મને. પ્લીઝ... હું જાણું છું રઘુબીર કશ્યપ તમારો ખાસ દોસ્ત હતો. તમે સાથે દારૂ પીતા... ખરેખર તો તમે જ સૌથી પહેલી વાર અકબર લાલા સાથેના બેનઝીરના સંબંધોની વાત રઘુબીરને કહી હતી...”
“તને કોણે કહ્યું ?” અલકેશના અવાજમાં વીજળીનો લાઈવ વાયર પકડાઈ ગયો હોય એવો ઝટકો હતો.
“તમે બંને રઘુબીર કશ્યપના બંગલે દારૂ પીતા હતા. તમે હોલેન્ડની ટ્રીપ પરથી પાછા આવ્યા હતા. બેનઝીર હોલેન્ડમાં શૂટિંગ કરતી હતી. અકબર લાલા સાથે હોટેલમાં અને શૂટિંગ પર એની તસવીરો તમે લઈને આવ્યા હતા... તમે રઘુબીરને એ તસવીરો બતાવી હતી...”
“બસ કર છોકરા...” અલકેશ યાજ્ઞિકનો અવાજ થરથરતો હતો.
“ગાડીની અંદર બેઠેલા અકબર લાલા અને બેનઝીરના કિસ કરતા ફોટોગ્રાફ્સ... સ્વિમિંગ પુલ પાસે બેનઝીરને કમરમાંથી પકડીને એને...” સિદ્ધાર્થ જાણે ટ્રાન્સમાં હોય એમ બોલતો જતો હતો.
સિદ્ધાર્થના એકએક શબ્દે અલકેશ યાજ્ઞિકનું માનસિક સંતુલન વધુ ને વધુ ડગમગવા લાગ્યું હતું, “શટઅપ...” અલકેશે ત્રાડ પાડી, “તું ઘણું વધારે જાણે છે. સાચું બોલ, તું અકબરનો માણસ છે? બેનઝીરે મોકલ્યો છે તને? કે પછી માનસી કશ્યપ રૂપિયા ચૂકવે છે તને? સાચું બોલ, કોનો માણસ છે?”
“ઈશ્વરનો. હું ઈશ્વરનો માણસ છું... સચ્ચાઈ શોધવા માગું છું. એક માણસની સાથે થયેલા અન્યાયનો હિસાબ ચૂકવવો છે મારે... તમે કરશો મારી મદદ?” અલકેશ યાજ્ઞિક જાણે બરફમાંથી બન્યો હોય એમ થીજી ગયો હતો. સિદ્ધાર્થ હજીયે ટેલિફોનના સામા છેડેથી પૂછી રહ્યો હતો, “એક વાર, મળશો મને? પ્લીઝ... બસ, એક જ વાર. પછી નહીં હેરાન કરું તમને...” (ક્રમશઃ)
kaajalozavaidya@gmail.com