કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
“એ બહુ મોટી ઉંમરનાં તો નહીં પણ ખાસ નાનાં તો ન જ કહેવાય. હું ચોવીસ કલાક એમની ચાકરી જ કરતો મારે બીજું કશું કામ જ નહોતું.” નાનાભાઈ અહોભાવથી તાકી રહ્યા અને કહ્યું, “ત્યારે તો તમારી બા ભાગ્યશાળી ગણાય.” એને યાદ આવી ગયું કે ગામના લોકો પણ એમ જ કહેતા, “ડોસી ભાગ્યશાળી ખરાં. દીકરા-દીકરીની ખરી ચાકરી પામ્યાં. આ જમાનામાં 'સરવણ' જેવી ચાકરિયું કોણ કરે છે?”
'મા' એક જ અક્ષરનો શબ્દ છે પણ ઘણો મોટો અને વજનદાર શબ્દ છે. કવિ, લેખક, કલાકાર કે વિદ્વાન ન હોય એવી વ્યક્તિ પણ માતા વિશે ઘણું કહી શકે છે.
દુનિયાની દરેક ભાષામાં માતા વિશે વાર્તાઓ, લેખો, કાવ્યો, વિચારકણિકાઓ અને કહેવતો ઉપલબ્ધ છે.
આપણી ભાષામાં પણ લોકસાહિત્યથી માંડીને આધુનિક સાહિત્યમાં માતા વિશે વાર્તાઓ, લેખો, કાવ્યો વગેરે ઘણું લખાયું છે - અનેક પુસ્તકો પણ થયાં છે અને હજુ વધારે લખાતું રહેવાનું છે.
પચાસેક વર્ષ પહેલાં લખાયેલી મારી એક વાર્તા 'માતાનું સ્મારક' નો ઘણી ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે. ગુજરાતનાં અને મહારાષ્ટ્રનાં પાઠયપુસ્તકોમાં છપાતી રહી છે અને એકથી વધુ ટ્વહંર્રર્ઙ્મખ્તઅ (ગદ્ય સંગ્રહ) માં સ્થાન પામી છે. એક શિક્ષક મિત્રે તો વિદ્યાર્થીઓ પાસેથી એ અંગેનાં સુવાક્યો, કાવ્યપંક્તિઓ અને જુદા જુદા લેખકોનાં અવતરણો વગેરે મેળવીને 'માતાનું સ્મારક' નામે એક પુસ્તક પણ પ્રકાશિત કરેલ છે.
મારી વાર્તા 'માતાનું સ્મારક'માં રમેશ મુખ્ય પાત્ર છે. એની માતાનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. એનાં મોટાંભાઈ, ભાભી અને બહેન બધાં માટે માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખ દાયક હતું, પરંતુ સૌથી ઓશિયાળો તો એ જ બની ગયો હતો.
મોટાભાઈની બદલી હમણાં જ એક નવા ગામમાં થઈ હતી. ભાઈના આગ્રહને વશ થઈને થોડા દિવસ માટે એ ભાઈના ઘરે જવા સંમત થાય છે - હજીયે ઘરની નાની નાની ચીજોમાં એની માતાની જ સ્મૃતિ ભરી હતી. ફક્ત એ ચાલી ગઈ હતી, ભુલાતી જવાની હતી પણ હજુ ભૂલી શકાતી નહોતી.
રમેશ મોટાભાઈને ત્યાં બસમાં જવા નીકળે છે. ગામ એને દૂરથી રળિયામણું લાગે છે. બસ ગામમાં દાખલ થતાં જ ચાલીસેક હજારની વસતિવાળા એ ગામમાં ઝવેરીબાઈના નામનાં અનેક સ્મારકો, ધર્મશાળા, જ્ઞાતિ ભોજનાલય, પ્રસૂતિગૃહ, કન્યાશાળા વગેરે જોઈને એને અફસોસ થાય છે કે એની માતાની સ્મૃતિ જાળવવા માટે એનામાં ક્યાં ત્રેવડ હતી?
બન્ને ભાઈઓ એક વાર સાંજે બગીચે જાય છે ત્યાં મોટા ભાઈએ એમના બે-ચાર મિત્રો સાથે એની ઓળખાણ કરાવી 'નાનાભાઈ શેઠ' તરીકે ઓળખાતા એક પૈસાદાર માણસની પણ ઓળખાણ કરાવી. પછી તો નાનાભાઈ એને બગીચામાં અવારનવાર મળવા આવ્યા કરે છે. નાનાભાઈ વાંચવાના શોખીન છે.
એક વાર નાનાભાઈ શેઠ આગળ એ પોતાનું હૈયું ઠાલવે છે, અહીં એક બાઈના નામે બંધાયેલાં મકાન મેં જોયાં - ઝવેરીબાઈના નામે. એની સ્મૃતિ જાળવી રાખવા માટે કેટલું નાણું ખરચાયું છે! કેવી ભાગ્યશાળી માતા! કેવા પ્રતાપી પુત્રની માતા! અને પછી મનોમન જ બોલવા લાગ્યો, “મારી બા હમણાં જ ગુજરી ગઈ છે ને હું શું કરું? એની સ્મૃતિ, એની યાદગીરી સાચવી રાખવા માટે અમે શું ખરચી શકીએ?” પણ એણે જોયું કે નાનાભાઈ ગંભીર થઈ ગયા હતા. એને થયું કે એક પૈસાદાર માણસ પાસે પોતાની નિર્ધનતાનાં રોદણાં રોવાનો શું અર્થ હતો? શું પોતાના તરફ કોઈ સહાનુભૂતિ એ જગાડવા માગતો હતો? જેમની જનેતાનું આજે નામ કે નિશાન દેખાતું નહોતું એ શું એનાં સંતાનોને ઓછી વહાલી હશે?
નાનાભાઈએ એમની રીતે પૂછયું, “તમારી બા મોટી ઉંમરનાં હતાં? તમે એમની પાસે જ રહેતા?''
“એ બહુ મોટી ઉંમરનાં તો નહીં પણ ખાસ નાનાં તો ન જ કહેવાય. હું ચોવીસ કલાક એમની ચાકરી જ કરતો મારે બીજું કશું કામ જ નહોતું.”
એની સામે નાનાભાઈ અહોભાવથી તાકી રહ્યા અને કહ્યું, “ત્યારે તો તમારી બા ભાગ્યશાળી ગણાય.” એને યાદ આવી ગયું કે ગામના લોકો પણ એમ જ કહેતા, “ડોસી ભાગ્યશાળી ખરાં. દીકરા-દીકરીની ખરી ચાકરી પામ્યાં. આ જમાનામાં 'સરવણ' જેવી ચાકરિયું કોણ કરે છે? અને મૃત્યુ વખતે તો ભાઈ-ભાભી,બહેન બધાં જ હાજર હતાં.” નાનાભાઈ ઘણી વાર સુધી દૂર પશ્ચિમમાં તાકી રહ્યા અને પછી બોલ્યા, “તમે જેમની સ્મૃતિમાં મકાનો બાંધેલાં જોયાં એ ઝવેરીબાઈની ચાકરી જીવતાં તો કોઈએ કરેલી જ નહીં.” એમના અવાજમાં દર્દ હતું, ઝવેરીબાઈને ત્રણ દીકરા, ત્રણે અંદરોઅંદર ઝઘડયા કરે. ઘરડી માને કોઈ પોતાની સાથે રાખવા તૈયાર નહીં. ત્રણેની સ્થિતિ સાધારણ, ડોસી માંદા પડયાં તો દવા લાવવાના ને ચાકરી કરવાના વારા કર્યા. માજીના દવાદારૂનું એમ જ ચાલ્યું. વહુવારુઓ છોકરાઓને હાંકી મૂકે, કલ્પના કરજો-કેવી ચાકરી થતી હશે!
કુદરતના અકળ નિયમને કારણે ત્રણે ભાઈઓની સ્થિતિ સાથે જ સુધરી. ત્રણે પુત્રોએ માતૃપ્રેમથી નહીં પણ પોતાની વાહવાહ બોલાવવા ચડસાચડસી, હરીફાઈ અને અદેખાઈને કારણે જ બધાં સ્મારકો બંધાવ્યાં હતાં અને આ વાત કરતી વખતે નાનાભાઈની આંખોમાંથી આંસું ખરતાં હતાં અને એમણે કહ્યું કે “હું ઝવેરીબાઈનો સૌથી નાનો દીકરો છું.”
અહીં 'માતાનું સ્મારક' વાર્તા પૂરી થાય છે. મારી આ વાર્તા તો લગભગ પચાસ વર્ષ પહેલાંની છે પણ ગુલાબદાસ બ્રોકરની 'બા' વાર્તા તો લગભગ પોણી સદી પહેલાંની છે એને અહીં ટૂંકમાં જોઈએ
(એક સ્પષ્ટતા એમાં આવતી રૂપિયાની રકમ પોણી સદી પહેલાંની છે.)
અમને બે ભાઈઓને બા બહુ લોભી લાગતાં. દરેક નાની નાની વાતમાં પણ બાનો લોભ તરી આવતો. રસોઈ કરતાં કરતાં વસંત (પત્ની)ને હાથે જરા પણ ઘી ઢોળાઈ જાય તો તે બાથી અજાણ્યું રહેતું નહીં અને તેને ઠપકો આપવાનું પણ બા ચૂકતાં નહીં.
“મારા દીકરાને દેવાળું કઢાવશો.”
અમારા ઉડાઉપણા વિશે, વ્યાવહારિક અજ્ઞાન વિશે અને અમારા સદ્ગત પિતાજીની મહેનતનો અમે લેતા ગેરલાભ વિશે અર્ધા કલાક સુધી અમને કંઈ ને કંઈ ન કહે તો તે બા નહીં.
અમે જાણતા હતા કે બાએ બિચારાંએ આખી જિંદગી ખૂબ સહન કર્યું હતું. આવક ટૂંકી હોવાથી પિતાજી વારેવારે માંદા પડતા તેમની માંદગીનો ખર્ચ પણ બાએ બીજા બધા ખર્ચામાં કાપ મૂકીને કરવો પડતો. પાઈની કિંમત રૂપિયા જેટલી તેમને મન થઈ પડતી. બાપુની કમાણી વધવા લાગી. ત્રણ-ચાર થીંગડાંવાળાં કપડાંમાંથી બાને એકાદ થીંગડાંવાળું કપડું મળવા માંડયું. આ બધું અમે જાણતાં, બાએ ભોગવેલાં દુઃખો માટે અમારા હૃદયમાં પણ દુઃખ થતું છતાં હજી પણ તેમનો ખૂબ જ જતનપૂર્વક જાળવી રાખેલો લોભી સ્વભાવ અમને વારંવાર પજવતો.
બા અમારે મન કારુણ્યમૂર્તિ સમાં હતાં. પાંત્રીસેક વર્ષની ઉંમરમાં તો તેમણે પતિ ગુમાવ્યા હતા. જીવન આખું ગરીબાઈ અને દુઃખમાં જ ગાળ્યું હતું.
પણ એક વાત અમને સમજાતી નહોતી, અમને મોટા કરવા માટે તેમનાથી કરકસર કર્યા વિના ચાલે તેમ નહોતું એ બધું બરોબર હતું પણ હવે શું હતું? અમે બન્ને ભાઈઓ વેપારમાં લાગી ગયા હતા. કમાયા પણ સારું હતા. લોભ કરવાને હવે કશું કારણ નહોતું.
આટલો લોભ કરનાર અને અમારા જીવનક્રમ અને તેમાં થતાં ખર્ચ ઉપર નાખુશી બતાવનાર બા અમને કોઈ કોઈ વાર અજાયબીમાં ગરકાવ કરી દેતાં - અમને કોઈ ફંડફાળામાં પૈસા ભરવાની સૂચના કરતાં કદાચ બાને વૃદ્ધાવસ્થામાં કીર્તિ કમાવાનું મન થતું હોય એવો વિચાર પણ અમને આવતો.
અમારી સ્ત્રીઓ અમારા ઘરના મોભાને છાજે એવાં કપડાં પહેરતી પણ બા તો સાંધી સૂંધીને ચાલે ત્યાં સુધી કપડું ચલાવતાં એ કેટલું ખરાબ લાગે! કોઈ આવે તોય અમારે માટે શું ધારે? છોકરાઓ પોતાની બાયડીઓને તો મેડમ કરી ફેરવે છે પણ બિચારી માને સાજો સાડલો પહેરવા પણ નથી મળતો. દરેકને કેમ કહેવા જવાય કે એમાં અમારો વાંક નથી!
અમારી પાસેથી વારેવારે બા પૈસા લઈ જતાં. અમે તો જાણતા જ હતા કે બા આ રીતે બહેનને પૈસા આપતાં હશે કે તેને માટે પૈસા એકઠાં કરતાં હશે. બહેન બિચારી ગરીબ હતી તેથી તેને પૈસા આપે તેમાં નવાઈ નહોતી. બા અમને કહે તો અમે ક્યાં બહેનને ના કહીએ એમ હતા કે આમ ખાનગી રીતે, હિસાબ ન આપવાની શરતે, બાને રૂપિયા લઈ જવા પડે? અમે કોઈ કોઈ વાર બાને મશ્કરી રૂપે પૂછતા,
“બા, આટલા બધા રૂપિયાને તમે શું કરો છો? એની કંઈ ખરખપત ખરી?”
“મારા ધણીના પૈસા હું મારી મરજી પડે ત્યાં વાપરીશ એનું તમારે શું કામ છે?” બા હસતાં હસતાં કહેતાં. તેમનો ધણી પૈસા કમાઈ ગયો હતો, એ તેમને માટે મોટા અભિમાનનો વિષય હતો. અને બાની પોતાની પણ ખાનગી મૂડી હતી ઝાઝું નહીં, તો દસેક હજાર રૂપિયા તો તેમની માલિકીના ખરા જ. તેમને ખરચ શો કરવાનો હોય?
અમે બન્ને ભાઈમાં થોડુ ઘણું ભણેલા ખરા, વળી છાપાંઓ પણ હંમેશના વાંચનારા. એક વાર અમારા જેવા ચાર - પાંચ મિત્રો સાથે હિંદુસ્તાનની ગરીબી છતાં તેના વ્યવહારોમાં થતાં નકામા ખર્ચ વિશે અમે વાતો કરતા હતા. “દેવું કરીને પણ આવી રીતે વ્યવહાર સાચવવો એમાં મૂર્ખાઈ નહીં તો બીજું શું?” મેં કહ્યું.
બા ઓચિંતા જ ચર્ચામાં જોડાયાં, “પણ તમે છતે પૈસે તમારા ખર્ચામાંથી એક પાઈ પણ બચાવી, કોઈને કાંઈ આપતાં નથી એનાથી તો એ લોકો સારા હતા ને? એ લોકો તો કેવું દાન કરી શકે તે તમને ખબર પણ ન પડે. તમારે મન તો ફક્કડ થઈને ફર્યાં એટલે બસ. પોતે ઉદાર અને બાકીના લોભી! પોતા ઉપર લોભ કરી પારકાંને મદદ કરે, જમણો હાથ આપે ઈ ડાબો હાથ જાણે પણ નહીં, ઉદારતા તો એને જ કહેવાય.”
અમે બધા મૂક થઈ ગયા. “ફાટેલ સાંધેલ કપડાંથી માણસે લાજવાનું નથી - પણ સામો હાથ ધરીને કોઈ માગવા આવે તેને પાછું વાળવાથી લાજવાનું છે.” એટલું કહી છીંકણીનો સબડકો લેતાં ઓચિંતા જ બા અંદર ચાલ્યાં ગયાં.
બા આમ લોભી ખરાં પણ બીજી રીતે સ્વભાવનાં બહુ સારાં હતાં. અમારાં બાળકોને તો માજી પાસેથી હટવું જ ન ગમે. વહુવારુને કંઈક મુશ્કેલી આવી હોય અને અમે દાદ ન દેતા હોઈએ તો બા પાસે વિજ્ઞાપ્તિ કરવાથી તેમનું માગ્યું તેમને મળી જતું 'પારકા ઘરની દીકરીઓને હું મારા ઘરમાં હેરાન નહીં થવા દઉં.'
મને કે મોટાભાઈને જરાક તાવ આવ્યો હોય તો રાતે બે-ત્રણ વાર બા અમારો ભાવ પૂછી જ જાય. વસંત કે ભાભી માંદાં પડે તો પણ બાને એટલું જ લાગતું - એ લોકો માંદા હોય ત્યારે બા દર્શન કરવા પણ નહોતાં જતાં. તેમની ઝીણી ઝીણી પાઈ પૈસાની કચ કચ છતાં વસંત અને ભાભી પણ બાને ખૂબ ચાહતાં.
તે દિવસની રજેરજ બીના મને યાદ છે. બપોરે ચાર વાગ્યે બા મૃત્યુ પામ્યાં છેવટ સુધી બા બોલતાં હતાં.
બે - એક વાગ્યે અમારા સંબંધી કોઈ ભાઈ ખબર કાઢવા આવ્યા હતા તેમણે કહ્યું, ''બા શ્રદ્ધા રાખજો હોં! હિંમત રાખજો!''
“મારે શું બીવાનું છે ભાઈ? મેં કંઈ પાપ કર્યાં નથી કે મારે બીક હોય.” બાએ કહ્યું.
બહેન બાની પથારી પાસે બેઠી હતી. ત્રણેક વાગ્યે અમે બન્ને ભાઈઓએ બાને પૂછયું “બા, તમારે કાંઈ ધરમ ધ્યાન કરવું છે? કાંઈ વાપરવું છે?”
“તમને ઇચ્છા પડે તે તમે કરજો દીકરા! મેં તો મારે ખૂબ ધરમ ધ્યાન કર્યું છે.” બાએ કહ્યું.
અંત સમયે પણ બાને લોભ છોડતો નહોતો. છેવટે બાએ કહ્યું. “મને તમારામાં વિશ્વાસ છે. આ તમારી ગરીબ બહેનનું ધ્યાન રાખજો. તેનું બિચારીનું હું કાંઈ કરી શકી નથી.”
પણ બાનાં છેવટનાં વાક્યો અમને ખૂંચ્યાં. વર્ષો સુધી રૂપિયા ઉપાડી બાએ બહેનને આપ્યા હતા છતાં બા જૂઠું શા માટે બોલી ગયાં હશે? તે તેમની પુત્રી હતી તો અમારી બહેન નહોતી?
બા છએક મહિના તો અમારા જન્મના ગામમાં જ ગાળતાં. બાના મૃત્યુ પછી એકાદ મહિને હું અમારા ગામમાં ગયો. બહેન પણ મારી સાથે જ હતી.
અમે ગામમાં આવ્યા કે તરત જ લોકોનાં ટોળાં બાનો ખરખરો કરવા આવવા લાગ્યાં. બે-એક દિવસ પછી પણ લોકો આવતાં તો ઓછા થયા જ નહીં. હવે આવનારાઓમાંના ઘણાં ખરાંને હું ઓળખતો પણ નહોતો. બાએ એમને સેંકડો વાર જાત જાતની મદદ કરી હતી, “જ્યારે તેમને ખાસ મૂંઝવણ પડે ત્યારે બા આગળ આવતાં અને બા તેમને કદી ખાલી હાથે પાછા વાળતાં જ નહીં.”
ત્રીજે દિવસે એક બાઈ અમારી પાસે આવી અને રડી પડી, “બાએ મારું તો કેટલું ધ્યાન રાખ્યું! મારી વાત કોઈ માનતું નહોતું ત્યારે મને એક હજાર રૂપિયા કાઢીને આપ્યા તેના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળીશ?”
હવે બધો ભેદ ખૂલી ગયો. વારે વારે બા પૈસા માગ્યા કરતાં અને હિસાબ નહોતાં આપતાં તેનું કારણ આ જ હશે? ત્યારે બહેનને કશું આપ્યું જ નહીં હોય? અમે બાને કેટલો ભયંકર અન્યાય કર્યો હતો!
બહેનને પૂછયું ત્યારે તેણે કહ્યું કે , “મને કંઈ આપ્યું હોય તો તમને કહ્યા વિના આપે? તમે બાને એટલાં પણ ઓળખ્યાં નહીં?” બાએ કહેલું પેલું વાક્ય મને યાદ આવ્યું.
“ફાટેલ સાંધેલ કપડાંથી માણસે લાજવાનું નથી, પણ સામો હાથ ધરીને કોઈ માગવા આવે તેને પાછું વાળવાથી લાજવાનું છે.”
બાને અમે જીવનભર કરેલો અન્યાય આંસુથી ધોવાય તેમ નહોતો છતાં દિવસો સુધી મારી આંખોમાંથી આંસું ન સુકાયાં.