વડોદરા,તા.૧૨
ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સંલગ્ન કંપની ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આધુનિક ટેકનોલોજીના સહારે વીજ પુરવઠાનું અસરકારક મેનેજમેન્ટ ફિડર કક્ષાએથી કરવા માટે સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વરા લીલી ઝંડી મળી છે.જેના પગલે અમદાવાદના નરોડા વિસ્તારથી જીપીઆરએસ આધારીત 'સ્માર્ટ ગ્રીડ'નો પાઇલોટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે.ત્યારબાદ તબક્કાવાર કૃષિ ક્ષેત્રે અને જ્યોતિગ્રામ વિસ્તારોના ફિડરોને આવરી લેવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા રકમ ગ્રાન્ટ તરીકે અપાશે
- આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વીજ પુરવઠાનું અસરકારક મેનેજમેન્ટ કરાશે
- વીજ કંપનીના ૪૦૦૦ ફિડર પર મોડેમ મૂકીને દર કલાકે વીજ માંગનો ડેટા એકત્ર કરાશે
ઉત્તર ગુજરાત વીજ કંપની (યુજીવીસીએલ)ના મેનેજિંગ ડાયરેકટર નિત્યાનંદ શ્રીવાસ્તવે 'સંદેશ'ને જણાવ્યું હતું કે, રિઅલ ટાઇમ સિસ્ટમ મેનેજમેન્ટ માટે કંપનીએ આ સ્માર્ટ ગ્રીડ પ્રોજેકટ તૈયાર કર્યો છે.જેની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટમાં આગળ વધવા માટે લીલીઝંડી આપી છે. જીપીઆરએસ આધારીત આ પ્રોજેક્ટ છે.આ પ્રોજેક્ટમાં વીજ કંપનીના ૪૦૦૦ ફિડરના ડેટા હવે દર કલાકે વીજ કંપનીને મળી રહેશે.જેના પગલે હવામાનમાં ફેરફાર, ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ,એકા એક કોઇ વિસ્તારમાં વધી જતાં લોડ અંગેની માહિતી મળી રહેશે.વીજ કંપનીને હાલમાં દરેક ફિડરના ડેટા એક દિવસ બાદ મળે છે.દરેક ફિડરમાં ગઇકાલે કેટલી માંગ રહી હતી અને કેટલો પુરવઠો અપાયો,તેની માહિતી આજે એકત્ર થતી હોય છે.હવે રોજે રોજ દર કલાકે માંગ અને પુરવઠાની સ્થિતિની માહિતીના પગલે વીજ કંપની અસરકારક રીતે ગ્રાહકોને સેવા આપી શકશે.દરેક ફિડરને મોડેમ સાથે જોડી દેવામાં આવશે આ ઉપરાંત કેટલાક ટેકનિકલ ફેરફાર પણ કરાશે,જેના પગલે દરેક ફિડરની દર કલાકની સ્થિતિની માહિતી મળી રહેશે.વીજ કંપની પણ દર કલાકે વીજળીની ખરીદી માટે નિર્ણય લઇ શકશે.જો આજે કોઇ વિસ્તારમાં વરસાદ પડયો હોય તો તેની માહિતીના આધારે તુરત જ નિર્ણય લઇ શકાશે.જો કોઇ ફિડર પર લોડ વધી ગયો હોય તો તેની તુરત જ માહિતી મળી શકશે.આ ઉપરાંત કોઇ ફિડરમાં ટ્રાન્સફોર્મર બગડયું હોય તો તેને પણ તુરત જ રિપેર કરાવવા માટે પણ પગલાં લઇ શકાશે.ઉત્તર ગુજરાતમાં ૬૦ ટકા વીજ માંગ કૃષિ આધારીત હોવાથી આ પ્રોજેક્ટથી ખેડૂતોને મહત્તમ લાભ થઇ શકશે.બીજી તરફ આગામી સમયમાં ઔદ્યોગિક કરણ વધતાં ઉદ્યોગોની વધતી જતી વીજ માંગ સંતોષવા માટે પણ પગલાં લઇ શકાશે.
વીજ કંપની પીપીપી મોડલનો અમલ પણ આ પ્રોજેક્ટ માટે કરવા વિચારી રહી છે.અમદાવાદના નરોડામાં પાઇલોટ પ્રોજેક્ટ બાદ, કૃષિ ફિડરોને આવરી લેવામાં આવશે ત્યાર બાદ સમગ્ર કંપનીના તમામ ફીડરોને આવરી લેવામાં આવશે.દેશમાં કેન્દ્ર સરકાર સમક્ષ ૧૬ થી ૧૭ વીજ કંપનીઓએ આવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે.જેમાંથી આઠ પ્રોજેક્ટને આગળ વધવા માટે લીલીઝંડી અપાઇ છે.ટૂંક સમયમાં આ સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટને વિધિવત મંજૂરીની જાહેરાત કરવામાં આવશે. કોઇ પણ વીજ વિતરણ કંપની માટે વીજળી કેટલો સમય ગ્રાહકોને મળે છે અને તેમાં સાતત્યતા કેટલી રહે છે તે પણ મહત્વનું છે.આ ઉપરાંત રીઅલ ટાઇમ મેનેજમેન્ટ દ્વારા વીજળીની ખરીદી કરવાથી આખરે વીજ કંપની અને છેવટે ગ્રાહકોને જ લાભ થશે.