રાજકોટ તા. ૧૨
છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લામાં લીઝની મંજુરી ન હોય તેવા કિસ્સામાં સરકારને ભરવા પાત્ર રોયલ્ટી ચાંઉ કરી ખનીજ ચોરી બેરોકટોક થઇ રહી છે. સાથોસાથ સરકારી ખરાબાની જમીનમાંથી રેતી મોરમ અને સેન્ડસ્ટોન ઉસેડી જવાના કિસ્સા વધ્યા છે.
- ખાણ-ખનીજ વિભાગ દ્વારા ૧૬ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
બીજી તરફ ખાણ-ખનીજ વિભાગના ચોક્કસ સ્ટાફની સાંઠગાંઠના કારણે લોધિકા, જેતપુર,પડધરી, તેમજ કોઠારીયાના સરકારી ખરાબામાંથી રાત્રીના સુમારે જનરેટરની મદદથી અમુક શખ્સો સરકારી જમીનમાં ખોદકામ કરી ઉંડા ખાડા પાડી રહ્યાની કલેકટરને અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ફરિયાદોના આધારે જ ખાણ-ખનીજ વિભાગ દોડતુ થાય છે. તાજેતરમાં વાંકાનેર,જેતપુર પંથકમાં જુદા જુદા ચાર કિસ્સામાં ખનીજ ચોરી ઝડપી તેમની પાસેથી ૧૬.૩૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર જેતપુરના પીઠડીયામાં ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડયો હતો અને હાર્ડમોરમનો મોટો જથ્થો સંગ્રહ કરનાર શખ્સને ત્યાંથી ૪૦૦ મેટ્રિકટનની ખનીજ ચોરી ઝડપી લીધી હતી.
આ ઉપરાંત નવાગઢમાં રેતીનો સ્ટોક રાખનાર શ્રીનાથજી નામની પેઢીમાં ચેકિંગ કરતાં હાજર રેતીના સ્ટોકમાં તફાવત જાણવા મળ્યો હતો. હિસાબી સાહિત્ય તપાસતાં બે હજાર મેટ્રિક ટન સાદી રેતીમાં ફેરફાર જણાયો હતો.ખાણ અને ખનીજ વિભાગના મદદનીશ નિયામક નિકુંજ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઇન્સપેકટર એસ.જી. બારોટ ,નરેશ ભાઇ સહિતના સ્ટાફે વાકાનેર પંથકમાં રાતીવિરડા અને પલાસડી ગામમાં ચેકિંગ કરી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. જેમાં રાતીવિરડામાં સેન્ડસ્ટોનની ગેરકાયદે હેરાફેરી થતી હતી બે ટ્રેકટર અને ૧૪ મેટ્રીક ટન સેન્ડસ્ટોનની ખનીજચોરી બદલ રૂ.૩૪ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સાથોસાથ બે ટ્રેકટર કબજે કરાયા હતા. જયારે વાંકાનેરના પલાસડીમાં બે ટ્રેકટરો કબજે લેવાયા હતા જે મુદ્દામાલ સાથે ર૦ હજારની ખનીજ ચોરી ઝડપી લીધી હતી.