બાવળા, તા.૧૩
બાવળા તાલુકાના કેશરડી ગામે તા.૧૩-૫-૧૨ના રોજ બે પરિવારો વચ્ચે જમીન બાબતે તકરાર થઇ હતી. તે દરમ્યાન વાત વણસતા બંને પરિવારના સભ્યો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જેથી મામલો વધુ બીચક્યો હતો.
- બે પરિવારો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા : ગામમાં દહેશત
આ બનાવની જાણ પોલીસ મથકે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાવળા પોલીસના જણાવ્યા મુજબ બાવળા તાલુકાના કેશરડી ડુમાલી ગામની સીમમાં તા.૧૩-૫-૧૨ને સવારના ૯-૩૦ વાગ્યાના સુમારે બે પરિવારના સભ્યો વચ્ચે જમીન બાબતે તકરાર થઇ હતી. જેમાં વાત વધુ વણસતા બંને પરિવારના સભ્યો તીક્ષ્ણ હથિયાર સાથે ઉતરી આવતા મામલો વધુ બીચક્યો હતો. જેમાં ફરિયાદી ઘનશ્યામસિંહ મદારસિંહ સોલંકીને માથા ના ભાગે ઇજા થવા પામી હતી જેમને તાત્કાલીક સારવાર અર્થે બાવળા લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ બાવળાના દેવધોલેરા પોલીસ ચોકીએ કરાતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ અંગેની ફરિયાદ ઘનશ્યામસિંહ મદારસિંહ સોંલકીએ જેસીંગભાઇ કાનાભાઇ તથા દેવાભાઇ વિરુદ્ધ કરી હતી. જેઓ ઘનશ્યામસિંહને મારમારી ઝઘડો કરી નાસી છૂટયા હતા. અને દેવ ધોલેરો પોલીસ ચોકીના એએસઆઇ કનુભાઇએ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.