સાંધીએર,તા.૧૩
ઓલપાડ તાલુકાના ઈતિહાસમાં પ્રથમવાર મુસ્લિમ સમાજનો પ્રથમ સમૂહ નિકાહ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં નિકાહ કરનાર આઠ મુસ્લિમ નવદંપતીઓને આશીર્વાદ આપતા ભારત સરકારના રોડ, પરિવહન અને હાઈવે રાજ્યમંત્રી ડો. તુષારભાઈ ચૌધરીએ નવદંપતીઓના વાલીઓ સહિત મુસ્લિમ સમાજને અપીલ કરતાં જણાવ્યું કે, સમૂહલગ્ન થકી બચેલા પૈસાનો ઉપયોગ સમાજમાં કચડાયેલા લોકોના શિક્ષણ પાછળ ખર્ચ કરશો તો આજે યોજાયેલા સમૂહલગ્ન સાર્થક ગણાશે. તેમણે મુસ્લિમ સમાજના ગરીબ, કચડાયેલા, પછાત વર્ગના લોકોને શિક્ષણમાં પ્રગતિ કરી દેશની ઉન્નતિમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજનો તાલુકા કક્ષાએ પ્રથમ સમૂહલગ્ન યોજવાના ભગીરથ કાર્યો બદલ શબ્બીર મલેક, વસીમ રાજા, રમીઝ રાજાને અભિનંદન આપી સરાહના કરી હતી.
- નિકાહ કરનાર નવદંપતીઓના વાલીઓ બચેલા રૂપિયા સમાજના શિક્ષણમાં ખર્ચે : ડો. તુષાર ચૌધરી
આ પ્રસંગે મુસ્લિમ દંપતીઓને નિકાહ પઢાવનાર મૌલાના કારી અબ્દુલ રશીદે આશીર્વાદ આપતાં જણાવ્યું કે ઇસ્લામ ધર્મ દરેક ઈન્સાનને ઇન્સાનિયતનો સંદેશ આપે છે. જેથી સમાજના ઉત્થાનમાં શિક્ષણને મહત્ત્વ આપી, નેક દાનતથી કામ કરી દેશમાં ભાઈચારા સાથે દેશની ઉન્નતિમાં યોગદાન આપશો તો જ મુસ્લિમ સમાજનું ઉત્થાન થશે. તેમણે અમીર લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ મુજબ સમાજના ગરીબ-પછાત વર્ગના લોકોના વિકાસ માટે તેમને સાથે લઈ ચાલવાથી દેશની પણ પ્રગતિ થશે. તેમણે મુસ્લિમ સમાજના અમીર લોકોના નિકાહ સાદાઈથી યોજી મુસ્લિમ કોમના આર્િથક, સામાજિક, શૈક્ષણિક કામોમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી કદી પીરઝાદાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. માજી પર્યાવરણ મંત્રી ભગુ વિમલ, માજી કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોવિંદ પટેલ, સુ.જિ. કોંગ્રેસ સમિતિના ખજાનચી કમલેશ પટેલ, જિ.પં. વિરોધપક્ષના નેતા દર્શન નાયક, સેવાદળ કોંગ્રેસ અગ્રણી સમીર મલેક, સુ.જિ. કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ (મીંઢી) વગેરે હાજર રહ્યા હતા.