Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:38:31 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સાસંદોએ સંસદની ગરિમા જાળવવાનો સંકલ્પ લીધો

May 13, 2012 National
 
Tags:   60 years of Parliament comment     E-Mail     Print    
 
Viewed: 995
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૩

સંસદનાં પ્રથમ સત્રની સાઠમી વર્ષગાંઠ નિમિત્તે આજે સંસદનાં બંને ગૃહના સભ્યોએ વિશેષ સત્રમાં હાજરી આપી હતી. રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલાં આ વિશેષ સત્રમાં સંસદની અત્યાર સુધીની સફરનાં વિવિધ પાસાં પર ચર્ચા કરવામાં આવી હતી, ઉપરાંત સાંસદોએ સંસદની ગરિમા, પવિત્રતા અને સર્વોચ્યતાને જાળવી રાખવાના સંકલ્પ પણ લીધા હતા. આજે દિવસ દરમિયાન ચાલેલી બેઠકના અંતમાં સ્પીકર મીરાંકુમાર અને રાજ્યસભાના ચેરમેન હામીદ અંસારી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ મૌખિક મતદાન દ્વારા સ્વીકાર્યો હતો. બંને ગૃહે દેશની આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના બંધારણના ઘડવૈયાઓની મહત્ત્વની ભૂમિકાને યાદ કરી હતી, તો અવરોધો ઊભા થવાને કારણે વારંવાર સ્થગિત કરવામાં આવતી સંસદીય કાર્યવાહી પર ઊભા થયેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને ગૃહના સભ્યોએ દેશનાં લોકોની પરિપક્વતા પર ગર્વ અને સંતોષ હોવાનું સ્વીકાર્યું પણ હતું, તો રાષ્ટ્પતિ સહિત દેશના વિવિધ પક્ષના નેતાઓએ આ પ્રસંગે પોતપોતાની અભિવ્યક્તિ આપી હતી.

 
સાંસદોએ આ સંકલ્પ લીધા
એ. સંસદની ગરિમા, પવિત્રતા અને સર્વોચ્યતાની જાળવણી.

બી. પાર્લામેન્ટને બદલાવ લાવવાનું મહત્ત્વનું સાધન બનાવવું તથા લોકતાંત્રિક મૂલ્યો અને સિદ્ધાંતોને મજબૂત બનાવવા.

સી. સંસદનાં માધ્યમથી લોકો તરફના સરકારના ઉત્તરદાયિત્વમાં વૃદ્ધિ કરવી.

ડી. સંસદનાં કાર્યને પૂરેપૂરા સર્મિપત થવું.
 
ભારત વિશ્વશાંતિ માટે સંકલ્પબદ્ધ : પાટિલ

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે બંને ગૃહના સભ્યોને કરેલાં સંબોધનમાં મજબૂત લોકતંત્ર જાળવી રાખવાને પડકાર ગણાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે, 'ભારત વિશ્વશાંતિ માટે સંકલ્પબદ્ધ છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી નિષ્પક્ષ હોવી જોઈએ.' પાટિલે તેમનાં સંબોધનમાં કહ્યું હતું કે, 'ચૂંટણી એ કોઈ પણ લોકતંત્રનો પાયો છે. દરેકનું સન્માન કરવામાં આવશે તો લોકતંત્ર મજબૂત બનશે.' તેમણે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો કરવા અંગે પણ ભાર મૂક્યો હતો.

 
કોણે શું કહ્યું ?

આ સંસદે દેશ સમક્ષ ઊભા થયેલા ઘણા મહત્ત્વના મુદ્દા પર રાષ્ટ્રીય સંમતિ બનાવી મુખ્ય ભૂમિકા ભજવી છે. દેશનાં લોકોએ વારંવાર સંસદીય લોકતંત્રમાં તેમનો વિશ્વાસ પ્રગટ કર્યો છે પણ સંસદીય કાર્યવાહી વચ્ચે વારંવાર ઊભા થતા અવરોધો ચિંતાનો વિષય છે.

 

ભારતે લોકતંત્રમાં સતત આસ્થા જાળવી રાખી છે. લોકતંત્રના માર્ગે સતત અગ્રેસર રહેવાને લીધે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.

- મનમોહનસિંહ, વડાપ્રધાન
 

૬૦ વર્ષોમાં સામાજિક, રાજનીતિક અને આર્િથક ચિંતનમાં આવેલા બદલાવની અસર સંસદ પર સ્પષ્ટ જણાઈ છે. આ દરમિયાન, સરકાર અને વિપક્ષ વચ્ચેની દીવાલ તૂટી હોય અને આખી સંસદે એક દેશનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા ઘણા પ્રસંગો આવ્યા છે.

- સુષમા સ્વરાજ, ભાજપનાં નેતા

 

ઘણા દેશોમાં લોકતંત્ર નિષ્ફળ રહ્યું છે, પરંતુ વિપરીત વિચારધારા માટે સહિષ્ણુતા અને આદરનો ભાવ એ ભારતમાં લોકતંત્રની સફળતાનું મુખ્ય કારણ છે.

- લાલકૃષ્ણ અડવાણી, ભાજપના વરિષ્ઠ નેતા

 

સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો ન થાય તેવી સુચારુ વ્યવસ્થા બનાવવાની જરૂર છે, જેથી સમસ્યાઓનો ઉકેલ આવી શકે.

- પ્રણવ મુખરજી, નાણાપ્રધાન
 

આમઆદમી લોકતંત્રનો આત્મા છે અને આ જ સંસદ લોકતંત્રની સૌથી મોટી તાકાત છે.

- સોનિયા ગાંધી, અધ્યક્ષ, યુપીએ

 

દેશમાં ગરીબી અને બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, ગરીબો અને નિઃસહાય લોકોને આગળ લાવવા સાથે મળી સંકલ્પ લેવો જોઈએ.

- મુલાયમસિંહ યાદવ, અધ્યક્ષ, સમાજવાદી પક્ષ

 

લોકતંત્રની સફળતાનું શ્રેય જનતાને જાય છે, કારણ કે ચૂંટણીઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હું દેશની જનતાને નમન કરું છું.

-         મીરાંકુમાર, સ્પીકર, લોકસભા

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com