ડાયટ ટિપ્સ - અંગના શાહ
કેરી સ્વાદિષ્ટ હોવાથી ફળોનો રાજા કહેવાય છે અને સૌ કોઇનું ભાવતું ફળ પણ છે ત્યારે કેરી વધુ પ્રમાણમાં ખાવાથી ડર પણ લાગે છે કે ક્યાંક વજન વધી ન જાય તો ચાલો જાણીએ કે કેવી રીતે અને કેટલી માત્રામાં કેરી ખાવાથી વજન વધતું નથી.
કેરીમાં અનેક પોષકતત્ત્વો રહેલાં છે જેથી કેરી સ્વાસ્થ્યવર્ધક ફળ છે. કેરીમાં આવતું ફિનોલીમ કમ્પાઉન્ડ મજબૂત એન્ટિ ઓક્સિડન્ટ બનાવે છે જે કેન્સર જેવા ભયંકર રોગ સામે પ્રતિકારરૂપે કામ કરે છે. કેરીમાં આયર્ન પણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે સગર્ભા સ્ત્રી તેમજ લોહીની ઊણપવાળા લોકો માટે ઘણું ઉપયોગી છે. તેમાં આવેલા રેસાના લીધે કબજિયાત જેવા રોગ દૂર થાય છે. તેમાં આવેલું બીટા કેરોટીન આંખો માટે ઉપયોગી છે. કેરીમાં વિટામિન ઇ અને સિબેનિયમ હોવાથી તે હાર્ટના રોગ માટે પણ હિતકારી છે. આ રીતે કેરીમાં આવેલાં વિટામિન્સ, મિનરલ્સ ઘણાં ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં પપૈયા જેવો પદાર્થ પેપેઈન આવેલો છે. જે પાચનમાં ખૂબ ઉપયોગી છે. પેપેઈનના લીધે વસ્તુઓ પોચી બને છે તેથી જ આહારમાં આમચૂર પાઉડર નાખવાથી ખોરાક સરળતાથી પચી શકે તેવો બની જાય છે.
કેરી કોલેસ્ટ્રોલને પણ મેઇન્ટેન કરે છે. એક મીડિયમ સાઈઝની કેરીમાંથી ૪૦ ટકા ફાઈબર મળી શકે છે. કેરીમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે જેથી શારીરિક શ્રમ કરતા લોકો માટે અને શારીરિક કસરત કરતા લોકોને માટે પણ લાભકારી છે, આખા દિવસની દોડાદોડ હોય તો શરીરમાંથી પરસેવા વાટે નીકળી ગયેલું પોટેશિયમ પાછું મેળવવા માટે કેરી ખૂબ ઉપયોગી છે. માટે જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.
જ્યારે કેરીનો રસ કાઢવામાં આવે છે ત્યારે તેમાં આવતાં ફાઈબર્સને ગાળી કાઢવામાં આવે છે જેથી કેલરી વધવાનો ભય રહેતો નથી. જોકે આ રીતે રસ કાઢવાથી તેની ગુણવત્તા ઘટે છે. આ ઉપરાંત રસને સ્વાદિષ્ટ બનાવવા ઘણી વાર તેમાં ખાંડ નાંખવામાં આવે છે. જે રસની ટોટલ કેલરીને વધારે છે. કેરીમાં આવેલી ખાંડ એ કોમ્પ્લેક્ષ સુગર છે આવી સુગરથી વજન વધતું નથી, પરંતુ જો રસ ખાટો લાગે તો તેમાં ખાંડ ઉમેરવામાં આવે તો વજન વધે અથવા તો જો કેરીનો આઈસક્રીમ રોજ ખાવ તો વજન વધે. આપણા ગુજરાતી ખોરાકમાં રોટલી સાથે રસ ખાવાની પ્રથા છે, ત્યારે ઘણી વાર મીડિયમ સાઈઝની વાટકીના બદલે વાટકે વાટકા રસ ખવાઈ જાય છે. આમ આ રીતે કેરી અમર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો વજન વધી શકે છે. જો રસ સ્વાદ ખાતર એક જ વાટકો લેવામાં આવે તો તે વજન વધારતો નથી, પરંતુ જો વધુ પડતો લેવામાં આવે તો વજન વધી શકે છે. આમ ફળોનો રાજા કહેવાતી કેરીને યોગ્ય પ્રમાણમાં લેવાથી તે સ્વાસ્થ્ય માટે લાભકારી જ બની રહે છે.
(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)
angana@anganahospital.com