ભાવનગર, તા.૧૪
ભાવનગર મનપામાં આવતીકાલે તા.૧પને મંગળવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે. જેમાં એજન્ડામાં સમાવિષ્ટ રર ઠરાવો બહાલી અર્થે રજુ કરાશે. રર ઠરાવો પૈકી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટમાં રહી ગયેલી ૧૮ ક્ષતિઓ અંગે નિર્ણય કરાશે. ડ્રેનેજ વિભાગના ૬ પમ્પીંગ સ્ટેશનો ઓછા ભાવના કારણે કોન્ટ્રાક્ટર ચલાવવા તૈયાર નથી જેથી તેણે ૬ પમ્પીંગ સ્ટેશનનો ચાર્જ મહાપાલિકાની સંભાળી લેવા અનુરોધ કર્યો હતો. તેની સામે મહાપાલિકાએ પણ સ્ટાફની અછતના કારણે ચાર્જ લેવા ઈન્કાર કરી દીધો હોવાની વિગતો જાહેર કરાશે.
૩૦ એમ.એલ.ડી. તરસમીયા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં રહેલી જુદી જુદી ૧૮ ક્ષતિઓ અંગે યુદ્ધના ધોરણે કામગીરી કરાવી તેનો ૧પ દિવસમાં રીપોર્ટ આપવા અગાઉ સ્ટેન્ડીંગમાં નિર્ણય લેવાયો હતો. જે બાબતે થયેલી સ્પષ્ટતાઓ ધ્યાને લઈ આ અંગે નિર્ણય કરાશે. શાસનાધિકારી તરફથી આવેલ દરખાસ્ત મુજબ ખેલ મહાકુંભ-ર૦૧૦ અંતર્ગત મહાપાલિકા દ્વારા ઝોન કક્ષાએ ઝોનવાઈઝ રૂ.પ૦૦૦ લેખે રૂ.૪પ હજાર શાસનાધિકારીને ફાળવાયા હતાં. આ અંગેના કન્વીનરોએ કરેલ ખર્ચના બીલ રજુ થતાં તેમાં ઓડિટ વિભાગે ઓબ્ઝેકશન લીધું હતું. આ બાબતે ઓડિટ વાંધા-૭ મુજબ બી.પી.એમ. સી. એક્ટના પ્રકરણ-પ(ર)(ર) મુજબ મંજૂરી આપવા નિર્ણય કરાશે. ઉપરોક્ત ઠરાવો સહિતના રર ઠરાવો આવતીકાલે મંગળવારે સ્ટેન્ડીંગ કમિટીમાં રજુ કરાશે. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જે ઠરાવો રજુ થાય તે અંગે પણ નિર્ણય કરાશે.