રાજકોટ, તા.૧૪
રાજકોટ માર્કેટ યાર્ડમાં વર્તમાન બોડીનો જવાબ સ્વીકારીને વહિવટદાર રાજના વાગતા ભણકારા ઉપર પૂર્ણ વિરામ મુકી દેવા માટે સરકારી ગતિવિધી ચાલી રહ્યાની વિગતો આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે. સરકારમાં જિલ્લા ભાજપના આગેવાનોએ કરેલી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જો કે, રાદડિયા જૂથ તરફથી હવે, વહિવટદાર માટે પ્રયાસો હાથ ધરાયા છે.
- જવાબ માન્ય રાખી દેવાશે, વળતા પ્રહાર માટે રાદડિયા જૂથની તૈયારી
અન્ય યાર્ડમાં જે રીતે વહિવટદાર મુકાયા તે રીતે રાજકોટમાં મૂકો તેવી માંગ સાથે કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાદડિયા જૂથ તરફથી ગોંડલની ચૂંટણી અંગે છેલ્લી ઘડીએ સ્ટે લઈને નક્કી થયેલી ચૂંટણી હવે, છેક સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં પણ સુપ્રિમ કોર્ટ ચૂકાદો આપે તો જ ચૂંટણી યોજી શકાશે. રાદડિયા જૂથ પણ માર્કેટ યાર્ડની ચૂટણી વહેલી થાય તેમાં રસ ધરાવતું નથી. નવેમ્બર ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય તેને ધ્યાને રાખીને આ ચૂંટણી શક્ય એટલી પાછળ લઈ જાય તે રીતે દાવપેચ ખેલાઈ રહ્યા છે.
રાજકોટ માર્કેટ યાર્ડને ભાજપે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે અને હરદેવસિંહ જાડેજાના પક્ષમાં આવવાથી આ ચૂંટણીમાં ચડિયાતી ટક્કર આપી શકાય તેમ છે. રાજકોટ યાર્ડના મુદે ચાલતી લડાઈ હજુ હાઈકોર્ટમાં જ હોય તેમાં પણ હવે અન્ય બે માર્કેટ યાર્ડ ધોરાજી અને કાલાવાડના કેસને ધ્યાને રાખીને સપ્ટેબર સુધી લંબાતી રહે તેવી શક્યતા વધુ છે. હવે જ્યારે પણ ચૂકાદાઓ આવશે ત્યારે એકી સાથે ચાર યાર્ડની ચૂંટણીમાં તે લાગુ પડશે.