વડોદરા, તા.૧૪
આસપાસ વાઘ ,ઝરખ આંટા ફેરા મારતા હોય અને તમે એક વૃક્ષ પર માંચડો બાંધી બેઠા હોવ તો ? સહેજે ય આ પ્રશ્ન જો ધુ્રજારી છોડાવી દે છે. આવા સંજોગોમાં એક નહીં બલ્કે અનેક જંગલી પ્રાણીઓ ધરાવતાં રાજ્સ્થાનના સરિસ્કા અભયારણ્યમાં ચોવીસ કલાક વિતાવવા એ ખરા અર્થમાં હિંમત અને દાદ માંગી લે તેવું કૃત્ય છે.સરિસ્કા અભયારણ્યમાં તાજેતરમાં ૬ અને ૭ મે એમ બે દિવસ દરમિયાન વન્ય જીવોની ગણતરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય યુવાનો સહિત વડોદરાના ક્રોકોડાઈલ ગ્રુપના રાકેશ વઢવાણા તેમજ નિરવ પટેલ પણ આ કામગીરીમાં જોડાયા હતા. સફળતાપૂર્વક કામગીરી પૂરી કરી પરત ફરેલા આ બન્ને સાહસવીર યુવાનોએ પોતાના દિલધડક અનુભવો સંદર્ભે ' સંદેશ ' સાથે વાતચીત કરી હતી.
- રાજસ્થાનના સરિસ્કા અભયારણ્યમાં વન્ય જીવની ગણતરીમાં શહેરના યુવાનો જોડાયા
છઠ્ઠી મેના દિવસે સવારે નવ વાગે અમને સફારી જીપમાં બેસાડી સરસ્કા અભયારણ્યના બગાની વિસ્તારમાં લઈ જઈ વૃક્ષ પર બાંધેલો માંચડો બતાવી અભ્યારણ્યના સત્તાધીશો રવાના થઈ ગયા હતા. બસ હવે અમે બે અને અમારી સાથે અમારૃં ભાગ્ય એમ બે જ વસ્તુ સાથે હતી. જો કે બે દિવસ સુધી ચાલે તેવી તમામ સાધન-સામગ્રી એમ અમારી સાથે લઈ ગયા હતા.
બાજુમાં જ પાણીનું મોટું કુદરતી ખાબોચિયું હતું, દિવસ રાત વન્ય જીવો પાણી પીવા અહીં આવતા હતા. જેમ જેમ સૂરજ તપતો ગયો, દિવસ આગળ વધતો ગયો તેમ તેમ એક પછી એક એમ અનેક વન્ય જીવો પાણી પીવા આવતા ગયા. અમારી ધડકનો વધતી હતી, પરંતુ સામે કામગીરી પણ કરવાની હતી. એક બીજાને હિંમત દઈ અમે વન્ય જીવોની ગણતરી કરતા ગયા.
અમારી પાસે રેડિયો કોલર ( વન્ય જીવના આગમન, તેની હિલચાલ તેમજ આસપાસ તેની હયાતી અંગેની જાણકારી આપતું સાધન ) હતું, જેથી અમને વન્ય જીવની જાણકારી આગોતરા મળી જતી હતી. એકલ દોકલ કે પોતાના જૂથમાં પાણી પીવા આવતા વાઘ, શિયાળ, ઝરખ,નીલ ગાય, સાંભર, હરણ તેમજ રીંછની ગણતરી કરી અમે તે અભયારણ્યના સત્તાધીશોને સુપ્રત કરી છે. જો કે તેમ છતાં આ અનુભવ એક અવિસ્મરણીય અને યાદગાર હતો.