૧૩મી મેના રોજ ભારતની સંસદને ૬૦ વર્ષ પૂરાં થયાં. સાઠની ઉંમર એ પરિપક્વતાની ઉંમર છે. છેલ્લા છ દસકાઓમાં સંસદની પ્રતિભામાં ઘણું પરિવર્તન આવ્યું છે. સંસદમાં બૂમરાણ, સૂત્રોચ્ચાર, માઇકની ફેંકાફેંકી, કરન્સી નોટોની થોકડીઓ ઉછાળવાથી માંડીને વારંવાર લોકસભા-રાજસભાની કામગીરી સ્થગિત કરવી એ આજની સંસદની છબી છે. આજે વૈચારિક પ્રવચનો ઓછાં અને આક્ષેપબાજી વધુ છે.
- દેશની સંસદે હવે ૬૦ વર્ષ પૂરાં કરી દીધાં ત્યાર એ વખતની અને આજની સંસદ પર એક નજર
બૌદ્ધિક ચર્ચા ગાયબ
પહેલા માનવામાં આવતું હતું કે, સંસદનું કામ કાનૂન બનાવવાનું છે. તેથી સંસદનો ૫૦ ટકા સમય કાયદા કાનૂન બનાવવા પાછળ ખર્ચવામાં આવતો હતો. આજે એવું નથી. પાછલી ત્રણ લોકસભાઓમાં માત્ર ૧૨ થી ૧૫ ટકા સમય જ કાનૂન બનાવવા પાછળ ખર્ચાયો. ઘણી વખત તો મહત્ત્વના અને ગંભીર વિષયો પરની ચર્ચામાં મોટા ભાગના સાંસદો ગેરહાજર હોય છે. તેઓ ગૃહમાં ઓછા અને કેન્ટીનમાં વધુ હોય છે. આ પરિવર્તન પાછળ પૃષ્ઠભૂમિ પણ જવાબદાર છે. પહેલાં સંસદમાં મોટાભાગના સાંસદો અભિજાત્ય વર્ગમાંથી આવતા હતા. તેઓ દેશના મોટાં નગરો કે ઉપનગરોમાંથી આવતા હતા. તેઓ દેશની અને વિદેશની શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણીને આવતા હતા. તેમાંથી મોટાભાગના વકીલો હતા, અથવા તો બેહદ કાબેલ અને બીજા ક્ષેત્રોના નિષ્ણાતો હતા. હવે જ્ઞાતિવાર અને કોમવાદના આધારે ટિકિટો અપાતી હોઇ થોડાકને બાદ કરતાં ઘણા સાંસદો નથી તો અંગ્રેજી બરાબર બોલી શકતા કે નથી તો હિન્દી. દેશનો સામાન્ય માનવી પણ સંસદમાં બેસે એ સારી વાત છે પરંતુ તેઓ સંસદમાં બૌદ્ધિક સ્તરની ચર્ચામાં ભાગ લઇ શકે છે કે કેમ તે એક પ્રશ્ન છે.
પહેલી લોકસભા
દેશની પહેલી લોકસભા કેવી હતી તે જાણવા જેવું છે. દેશની પહેલી લોકસભાની રચના તા.૧૭ એપ્રિલ, ૧૯૫૨ના રોજ થઇ. લોકસભાની પહેલી બેઠક તા.૧૩મી મે, ૧૯૫૨ના રોજ મળી. તે વખતે લોકસભામાં કુલ ૪૯૯ સાંસદો હતા. એ પૈકી ૩૫.૬ ટકા વકીલો, ૨૨.૪ ટકા ખેડૂતો કે જમીનદારો, ૧૨ ટકા ઉદ્યોગપતિઓ અને વ્યવસાયકારો, ૧૦.૪ ટકા પત્રકારો અને લેખકો, ૯.૯ ટકા શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ, ૪.૯ ટકા ડોકટરો અને ૧.૧ ટકા પૂર્વ રાજવીઓ હતા. તેમની શૈક્ષણિક લાયકાતો પણ જાણવા જેવી છે. પહેલી લોકસભામાં ૩૭ ટકા સાંસદો ગ્રેજ્યુએટ થયેલા હતા. ૨૩.૨ ટકા સાંસદો મેટ્રિક્યુલેટથી ઓછું ભણેલા હતા. ૩.૫ ટકા પીએચ.ડી કે સમકક્ષ ઉચ્ચ શિક્ષણ પામેલા હતા. સાંસદોની સરેરાશ વય ૪૫ વર્ષ ૮ માસ હતી. એ વખતે લોકસભામાં ૨૨ મહિલાઓ હતી. એ મહિલાઓમાં જાણીતા નામે રેણુ ચક્રવર્તી, સુચેતા કૃપલાણી, રાજકુમારી અમૃત કૌર, વિજ્યાલક્ષ્મી પંડિત અને તારકેશ્વરી સિંહા હતાં. જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા. તેમની સામે વિપક્ષના મુખ્ય નેતાઓમાં આચાર્ય કૃપલાણી, એસ.પી. મુકરજી તથા એ.કે.ગોપાલન હતા. લોકસભાના પહેલા અધ્યક્ષ દાદા સાહેબ ગણેશ વાસુદેવ માવળંકર હતા.
આજની લોકસભા
આજની એટલે કે ૧૫મી લોકસભામાં કુલ ૫૪૩ સાંસદો છે. તેમાંથી ૧૫.૪ ટકા વકીલો, ૪૧ ટકા જમીનદારો, ખેડૂતો અને ભૂ-સ્વામી, ૧૬ ટકા ઉદ્યોગપતિઓ અથવા વેપારધંધાના વ્યવસાયકારો ૪.૭ ટકા શિક્ષકો અથવા શિક્ષણશાસ્ત્રીઓ અને ૨૫ ટકા અન્ય છે. તે બધા પૈકી ૧૪૭ સાંસદો ગ્રેજ્યુએટ થયેલા છે. ૧૯ સાંસદો મેટ્રિકથી ઓછું ભણેલા છે. ૩૩ સાંસદો પીએચ.ડી. કે તેની સમકક્ષ ઉચ્ચ શિક્ષણ પામેલા છે. આજની લોકસભામાં ૬૦ મહિલાઓ છે.
આજની લોકસભામાં ગ્રેજ્યુએટ વધુ છે પણ શિક્ષણશાસ્ત્રીઓ કે શિક્ષકો ઓછા છે. ડોકટરો કે લેખકો-પત્રકારો પણ ઓછા છે. ઉદ્યોગપતિઓ વધ્યા છે. તેનું કારણ સમજી શકાય તેવું છે. પહેલી લોકસભા કરતાં આજની લોકસભામાં વકીલો ઘટયા છે તેથી બૌદ્ધિક સ્તરની ચર્ચાનું ધોરણ પણ વધ્યું છે. આજે અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ, કપિલ સિબ્બલ કે ના હોય તો લોકસભામાં બૌદ્ધિક ચર્ચાનું સ્તર સાવ ખાડે જાય તેમ છે. લોકસભામાં સાંભળવાનું મન થાય તેવા સારા વક્તા જ રહ્યા નથી.
નહેરુના સમયમાં
ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, જવાહરલાલ નહેરુના સમયમાં લોકસભામાં આંતરરાષ્ટ્રીય જગતની હલચલોની પણ ચર્ચા થતી હતી. ખુદ નહેરુ જ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો સંસદમાં ઉઠાવતા હતા. હવે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સંસદમાંથી ગાયબ થઇ ગયા છે. નહેરુના સમયમાં વિશ્વના કોઇ પણ ખૂણે યુદ્ધની સ્થિતિ હોય તો પણ ભારતની સંસદ તેનો અભિપ્રાય રજૂ કરતી. હવે સંસદમાં રાષ્ટ્રીય મુદ્દા પણ બાજુમાં જતા રહ્યા છે અને સ્થાનિક મુદ્દા વધુ ચર્ચાય છે. એ જ રીતે નહેરુના સમયમાં વિપક્ષમાં બેસનારાઓની સંખ્યા ઓછી હતી છતાં વિરોધ પક્ષનો જબરદસ્ત પ્રભાવ હતો. ડો. રામમનોહર લોહિયા, રામ નરેન્દ્ર દેવ, આચાર્ય કૃપલાણી, મધુ લિમયે જેવા સશક્ત નેતાઓ વિપક્ષમાં બેસતા હતા. વિરોધ પક્ષ સંખ્યામાં ઓછો હતો પણ વિપક્ષના આક્રમક રૃપના કારણે ૧૯૫૩માં ટીટી કૃષ્ણમાચારીએ મંત્રીપદ છોડવું પડયું હતું. એ સમયે વિપક્ષના નેતાઓ એટલા મજબૂત હતા કે, તેમની વાતને ટાળી દેવી એ સરકારને પણ સારું લાગતું નહોતું. નહેરુના સમયમાં રાજગોપાલાચારી વિપક્ષના નેતા હતા. સંસદમાં કોઇ એક મુદ્દા પર બહસ ચાલતી હતી ત્યારે વિપક્ષના નેતા રાજાજીએ નહેરુના કોઇ મુદ્દાનો વિરોધ કર્યો. તેની સામે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, "રાજાજીને એ વાતની ખબર હોવી જોઇએ કે, લોકસભામાં બહુમતી મારી પાસે છે."
નહેરુની આ વાત પર પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા રાજાજીએ કહ્યું : "બહુમતી ભલે તમારી સાથે હશે પણ લોજિક મારી સાથે છે."
રાજાજીની આ વાત સાંભળીને જવાહરલાલ નહેરુએ રાજાજીની વાત સ્વીકારી લીધી અને કોઇપણ જાતનો અહમ રાખ્યા વિના રાજાજીના મુદ્દાને સરકારે સ્વીકારી લીધો. એ સમક્ષ સરકાર પણ વિપક્ષની વાત માનતી હતી. કારણકે વિપક્ષ અલ્પમતમાં હોવા છતાં તેનો પ્રભાવ જબરદસ્ત હતો.
વક્તાઓ ગયા
અટલ બિહારી વાજપેયીની રાજકીય નિવૃત્તિ બાદ તેમની ઉત્કૃષ્ટ વકૃત્વ કળાની ગેરહાજરી આજે પણ સંસદમાં વર્તાય છે. જવાહરલાલ નહેરુના જમાનામાં વિપક્ષના નેતાઓ વડાપ્રધાનથી ડર્યા વિના ર્માિમક કટાક્ષ પણ કરતા હતા. જવાહરલાલ નહેરુએ તેમનાં પુત્રી ઇન્દિરા ગાંધીને યુવાન વયે જ લોકસભામાં પ્રવેશ અપાવ્યો હતો. ઇન્દિરા ગાંધીના સંસદ પ્રવેશના આગલા દિવસે નહેરુની નીતિઓના જબ્બર ટીકાકાર ડો. રામમનોહર લોહિયાએ કહ્યું હતું : "હવેથી લોકસભામાં એક ગ્લેમરસ ચહેરો જોવા મળશે."
બીજી વાસ્તવિકતા એ હતી કે એ વખતના વિપક્ષના નેતાઓએ ઇન્દિરા ગાંધીને અંડર એસ્ટીમેન્ટ કર્યા હતા. પાછળથી એ જ ઇન્દિરા ગાંધી દેશના શક્તિશાળી વડાપ્રધાન બનીને રહ્યાં. પાકિસ્તાનના ભાગલા અને બાંગલા દેશના સર્જન વખતે આરએસએસએ પણ ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરવી પડી હતી.