સમયાંતર - લલિત ખંભાયતા
ગુજરાતમાં છેલ્લાં બેક વર્ષથી મધમાખીઓના હુમલાના કિસ્સા વધી રહ્યા છે. આમ તો મધપૂડાને કોઈ છંછેડે તો મધમાખીઓ હુમલો કરે. પણ આજકાલ તો મધમાખીઓ એટલી બધી આક્રમક બની છે કે હવે તેમના ડંખ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. કોઈ દેખીતા કારણ વગર મધમાખીના હુમલાથી થતા મોતની સંખ્યા વધી રહી છે. એક કિસ્સામાં તો મધમાખીએ એકસાથે ૭૧ જણાને ઘાયલ કરી દીધેલા! શા માટે મધમાખીઓ આટલી બધી આક્રમક બની છે?
માર્ચ મહિનાની જ વાત છે.
ધ્રાંગધ્રા તાલુકાના ભાદર ગામે લોકો કોઈ સામાજિક કામે એકઠા થયેલા. એકઠો થયેલો જનસમુદાય પ્રસંગમાં મહાલતો હતો. ત્યાં અચાનક ઘમ્મ્મ્મમમ... અવાજ સંભળાયો. જાણે લડાકુ હેલિકોપ્ટરનું ધાડું હુમલો કરવા આવ્યું હોય એમ કાળા કલરનું 'વાદળ' આવી પહોંચ્યું. હજુ તો લોકો ઉપર જુએ... કંઈ સમજે એ પહેલાં જ ડંખમાં ઝેર ભરીને આવી પહોંચેલી મધમાખીઓએ ઘમ્મ્મમ અવાજ સાથે જ કરડવાનું ચાલુ કરી દીધું. એક...બે...ચાર... આઠ... મધમાખીનો ભોગ બનનારાની સંખ્યા વધતી જતી હતી. જેઓ બાકી હતા એ ભાગવાની વેતરણમાં હતા પણ એમની દોટ કલાકના ૨૫ કિલોમીટરની ઝડપે ઊડી શકતી મધમાખીના ઉડ્ડયન કરતાં ઝડપી ન હતી.
કેટલાંક માથે કપડાં કે જે કંઈ હાથમાં આવ્યું એ ઢાંકીને પડયા રહ્યા. કેટલાક ભાગ્યા... કેટલાંક કપડાં કાઢીને ભાગ્યા... પણ મધમાખીથી બચવાનો કોઈ રસ્તો ન હતો. મધમાખીઓનો ગુસ્સો શાંત થયો ત્યાં સુધીમાં ૭૧ લોકો હડફેટે આવી ચૂક્યા હતા. ઘાયલોને દવાખાને લઈ જવા ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતનાં વાહનોનો બંદોબસ્ત કરવો પડયો. કલ્પના કરો એ કેવો હુમલો હશે!
***
મધમાખીઓ કરડે અને માત્ર પીડા જ થાય એ દિવસો પૂરા થયા. વડોદરા પાસેના ચિત્રાલ ગામના ભીમાભાઈ નામના ૭૦ વર્ષના વૃદ્ધને મધમાખીઓએ અડફેટે લેતાં તેમનું મોત થયેલું! એવો જ બનાવ થોડા દિવસ પહેલાં મુંબઈમાં બન્યો. મુલુંડ વિસ્તારમાં મંદિરે જતી વખતે ચાર મહિલાઓ પર મધમાખીઓએ ત્રાટક કરતાં એક દાદીમાનું મોત થયું! મુંબઈ જેવા શહેરમાં પણ મધમાખીના હુમલાથી મોત થયું એ કિસ્સાએ આખા ગામને સતર્ક કરી દીધા.
રાજા હોય કે રંક મધમાખીના હુમલાથી કોઈ બચી શકતા નથી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં માઓવાદી વિસ્તારમાં ફરજ બજાવતા લશ્કરના જવાનો પણ હજુ દસ દિવસ પહેલાં મધમાખી સામે હારી ગયેલા. માઓવાદીને ભડાકે દેતાં જવાનો પૈકી ૧૯ જવાનોને મધમાખીઓએ ડંખ દીધા એટલે અત્યારે તો એ બધા જ સારવાર હેઠળ છે!
એક પ્રસંગ તો રમૂજ ઉપજાવે એવો છે. ભાવનગર પાસે પ્રતાપપરા ગામમાં લગ્ન ચાલી રહ્યાં હતાં. ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાન... કન્યા પધરાવો સાવધાનની આલબેલ પોકારી રહ્યા હતા. પણ કન્યા આવે એ પહેલાં મધમાખીનું ટોળું આવી પહોંચ્યું! બીજા બધા જાનૈયાઓ તો આમતેમ ભાગ્યા પણ વરરાજો ક્યાં જાય? વરરાજાએ ત્યાં રહેલું ગોદડું ઓઢી રાખ્યું એટલે એ મધમાખીથી બચી શક્યો! અલબત્ત, જેટલા મધમાખીનો શિકાર બન્યા એ બધાએ સારવાર માટે હોસ્પિટલ સુધી તો જવું જ પડયું. માણસો જ નહીં પશુઓ પણ મધમાખીની ખફગીનો ભોગ બની રહ્યાં છે. પોરબંદરના જામખિરસરાની એપ્રિલ ૨૦૧૦ની ઘટના જુઓ. મધમાખીનાં ટોળાંએ એક ખેતરમાં હુમલો કર્યો અને નવ જણાને ઘાયલ કર્યા. એ તો ઠીક પણ ત્રણ બળદ અને બે ભેંસને પણ મધમાખીએ ન છોડયા. પરિણામે એ પાંચેય પશુઓને પણ સારવારની જરૂર પડી.
મધમાખીઓનો દુર્વાસા અવતાર!
પણ મધમાખીઓ આવી બધી આક્રમક કેમ બની રહી છે?
સવાલનો જવાબ આપતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના ડો. એન.એમ. કાપડિયા સમજાવે છે, જુઓ, અત્યારે જે મધમાખીઓ હુમલા કરે છે એ પહેલેથી જ આક્રમક છે. આપણને જે સામાન્ય મધપૂડામાં જોવા મળે એવી એ મધમાખીઓ નથી. અંગ્રેજીમાં એપિસ ડોરસાટા (Apis dorsata) તરીકે ઓળખાતી આ મધમાખીની જંગલી પ્રજાતિ છે. 'સિંઘમ'ના જયકાંત શિક્રેની માફક તેની કમાન કાયમ છટકેલી જ હોય છે. પરિણામે તેને જરાસરખી પણ કોઈ છંછેડે તો એ હુમલો કર્યા વગર રહેતી નથી. આ મધમાખીનું આખુ ઝૂંડ ત્રાટકતું હોય છે. એમાંથી દસથી બાર મધમાખી સરખી રીતે કરડે તો કોઈ પણ વ્યક્તિનું મોત નોતરી શકે છે!'
જેમણે આ મધમાખીના મધપૂડાઓ જોયા હશે એમને એટલી તો સમજ પડી જ હશે કે આ સામાન્ય મધમાખીઓ નથી. મૂળ આ મધમાખીઓ જંગલી છે. આખા એશિયાના જંગલમાં થાય છે (મધમાખીઓનું મૂળ વતન પણ એશિયા છે. એશિયામાંથી મધમાખીઓ આખા જગતમાં ફેલાઈ છે). સ્વભાવે આક્રમક છે, કેમ કે જંગલમાં તેને કોઈ સાથે દોસ્તી કેળવવાની સ્થિતિ ઊભી થઈ નથી. વળી જંગલમાં ભરપૂર ખોરાક મળી રહેતો હોવાથી આ મધમાખીઓ કદાવર બની છે. સામાન્ય મધમાખીઓ વધુમાં વધુ અડધા ઈંચની હોય છે, જ્યારે આ મધમાખીઓ એક-સવા ઈંચ સુધી લાંબી થાય છે. એમાં વળી એ પાંખો ફેલાવી ઊડતી હોય ત્યારે વધુ મોટા કદની લાગે. પરિણામે દેખાવે પણ એ ડરામણી હોય છે.
જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં મધપૂડા!
ર્બિફલા પ્રદેશો સિવાય આખી દુનિયામાં મધમાખીઓનો વસવાટ છે. મોટે ભાગે એ જંગલમાં રહેવાનું પસંદ કરે છે, પણ હવે જ્યાં જ્યાં ભેજવાળું વાતાવરણ અને ફળ-ફૂલ ઉપલબ્ધ હોય ત્યાં ત્યાં આ મધમાખીઓએ ધામા નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં તાલાળા, ઊના, પોરબંદર, વંથલી વગેરે પંથક મધમાખીઓના પિયર જેવા બન્યા છે. હવે તો જોકે ઠેરઠેર મધપૂડાઓ જોવા મળે છે. આમ તો ખેતરમાં મધપૂડાઓ હોય એ નવાઈ નથી પણ જો મધપૂડાની ઊંચાઈ ૩૦ ફીટ કરતાં વધારે હોય તો સમજવું કે અહીં સાવધાન રહેવું પડશે. આ જંગલી મધમાખીઓ ૩૦ ફીટ કરતાં ઊંચી જગ્યાએ મધપૂડો બાંધવાનું પસંદ કરે છે. પરિણામે નાળિયેરીના ઝાડ પર કે રસ્તાની બન્ને બાજુ ઊભેલાં ઊંચાં વૃક્ષો પર જે મધપૂડા દેખાય એ એપિસના હોવાનું સમજી લેવું.
ખૂન કા બદલા ખૂન
આપણી વચ્ચે ઘણાં માથાફરેલા માણસો હોય એમ મધમાખીની બધી પ્રજાતિઓમાં એપિસ માથાભારે પ્રજાતિ છે. એ રીતસરનો એક વ્યક્તિનો ખાર બીજા પર ઉતારે છે. બને એવું કે તમે મધપૂડો હોય એવા વિસ્તારમાં આંટા મારી રહ્યા છો. એવામાં એકાદ મધમાખી આવી ચડે. સ્વાભાવિક રીતે જ મધમાખી જોઈ આપણે એટેન્શનમાં આવી જઈએ. મધમાખી હટે નહીં એટલે તેને કોઈક રીતે ઝપટ મારી ભગાડવાનો પ્રયાસ કરીએ છીએ. એ જ આપણી સૌથી મોટી ભૂલ સાબિત થાય. આ મધમાખીઓ કોઈની પણ દાદાગીરી સહન કરતી નથી. મધમાખીને ખતરો જણાય કે તુરંત એ ફોરોમોન નામનું ગંધદ્રવ્ય શરીરમાંથી વહેતું મૂકે છે. નજીકમાં રહેલા મધપૂડા સુધી એ સુગંધ પહોંચે એટલે થઈ રહ્યું. મધમાખીઓનું આખું ઝૂંડ આવી પહોંચે અને આખા શરીરે ડંખ મારવાનું ચાલુ કરી દે.
મધમાખીના ડંખની પીડા અસહ્ય હોય છે. તેના શરીરના પાછલા ભાગમાં રહેલો અણીદાર ડંખ મધમાખી શરીરમાં ઘુસાડી દે છે. જરૂર પડે તો એ ડંખ તોડીને મધમાખી ઊડી જાય પણ શરીરમાં રહી ગયેલો કાંટો તેજાબ મિશ્રિત ઝેર શરીરમાં ઉતારતો રહે છે. એ કાંટો તુરંત બહાર કાઢી લેવાય તો અસર ઓછી થાય પણ ત્યાં સુધીમાં ઝેર શરીરમાં ફેલાઈ ચૂક્યું હોય તો મુશ્કેલી. વાત અહીં પૂરી થતી નથી. મધમાખીના હુમલાનો બીજો તબક્કો હવે શરૂ થાય છે.
એક વખત કોઈ માણસને મધમાખી કરડી એટલે તેની ગંધ એ મેમરીમાં સ્ટોર કરી લે છે. એ જ રસ્તેથી થોડી વાર પછી બીજો કોઈ માણસ નીકળે એટલે એ અકારણ મધમાખીના કોપનો ભોગ બને છે. એક વખત આક્રમણનો ભોગ બનેલી મધમાખીઓ દૂરથી જ માણસની ગંધ પારખી માણસ કંઈ કરે એ પહેલાં તેના પર હુમલો કરી બેસે છે. જ્યાં સુધી મધમાખીઓનો ગુસ્સો શાંત ન થાય ત્યાં સુધી એ આવી જ રીતે મધપૂડા પાસેથી જે કોઈ નીકળે એમને ડંખનો સ્વાદ ચખાડતી રહે છે.
ગુજરાતમાં આજ-કાલ આવું જ થઈ રહ્યું છે. મધમાખીઓ વળી ખૂબ ઝડપથી વસ્તી વધારતી રહે છે. રાણી મધમાખી કે જેનું કામ ઈંડાં આપવાનું હોય છે એ રોજના બે હજાર લેખે ઈંડાં ઠાવલતી રહે છે. પરિણામે આજે અહીં તો કાલે બીજે એમ મધપૂડાઓ સ્થપાતા રહે છે.
તો કરવું શું?
મધમાખીઓનો ફાયદો એ છે, કે એ પરાગનયનનું કામ કરે છે. માટે ખેતરમાં ફસલ ઉપજાવવાથી માંડીને વૃક્ષ વેલાના વિકાસમાં તેનો ઘણો ફાળો છે. પરિણામે કીટકશાસ્ત્રીઓ મધપૂડો જ આખો દૂર કરવાને બદલે મધમાખીઓથી દૂર રહેવાની સલાહ આપતા હોય છે. છતાં પણ જો મધપૂડો દૂર જ કરવો હોય તો સૂર્યાસ્ત પછીના સમયે કરવો, કેમ કે એ સમયે મધમાખીઓ નિષ્ક્રિય હોય છે. અલબત્ત, એ વખતે પણ સાવધાની તો રાખવી અનિવાર્ય છે જ.
સૌથી સારો ઉપાય શરણાગતિ સ્વીકારી લેવાનો છે. મતલબ કે મધપૂડો કે મધમાખી દેખાય તો શાંતિથી એક બાજુ બેસી જવું. જો મધમાખી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો મધમાખીને તો ઈજા થતાં થશે પણ થોડી વારમાં તમે હતા ન હતા થઈ જશો એ નક્કી વાત છે. એ રીતે કોઈ ફૂલ પર મધમાખી બેઠી હોય તો તેને ઉડાડવાનો પ્રયાસ બિલકુલ ન કરવો. ફૂલ પર બેસીને રસ ચૂસવો એ એનું કામ છે. મધમાખીને તેનું કામ કરતાં અટકાવશો તો એ તમને તમારું કામ કરવા જેવા નહીં રાખે. ખેતરમાં કે મધપૂડા પાસે કામ કરવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારાં કપડાં પર ફૂલોની સુગંધ આવતી હોય એવું અત્તર ન છાંટવું. નહીંતર મધમાખી એ સુગંધથી આકર્ષાશે. એ આકર્ષણ છેવટે હુમલામાં ફેરવાશે.
જો કારણ વગર મધમાખી હુમલો કરી બેસે તો તેના પર ઝપટ મારવાની ભૂલ કરવાને બદલે ત્યાંથી ભાગો. જેટલા ઝડપથી ભાગશો એટલી તમારી ગંધ મધમાખીને ઓછી અસર કરશે. હુમલા વખતે ચહેરા પર હુમલો ન થાય એ માટે શર્ટ કાઢીને પણ મોઢા પર ઢાંકી દો. શરીરના બીજા કોઈ પણ ભાગ કરતાં મોઢા પર લાગેલા ડંખ વધારે ખતરનાક છે. સિંહ-દીપડા-મગર જેવાં પ્રાણીઓ જ દર વખતે જીવલેણ હુમલા કરે એ જરૂરી નથી. હવે મધમાખીઓ પણ એ રોલ ભજવી જાણે છે.
માહિતીનો મધપૂડો!
* માહિતીના અધિકાર હેઠળ મળેલી વિગત પ્રમાણે ગામડાંમાં મધમાખીઓને કાબૂમાં રાખવાનું કામ વન વિભાગનું છે, જ્યારે શહેરમાં ફાયરબ્રિગેડે આ કામ કરવાનું હોય છે.
* ન્યૂઝીલેન્ડ સરકારે પોતાના સંસદભવનનું નામ બીહાઈવ (મધપૂડો) રાખ્યું છે!
* ભારતમાં વર્ષે ૪૦થી ૫૦ હજાર ટન મધ પેદા થાય છે. તેમાંથી ૩૦ હજાર ટન જેટલું દેશમાં વપરાય
જ્યારે બાકીનું મધ નિકાસ પામે છે.
* મધમાખીઓ એકબીજા સાથે વાત કરવા માટે ડાન્સનો ઉપયોગ કરે છે. મતલબ કે એક મધમાખી આખા ઝૂંડને એમ કહેવા માગતી હોય કે ૩ શેઢાવા દૂર ખેતરમાં સારો એવો ખોરાક છે, તો એ પોતાના મધપૂડા પાસે જઈ ખાસ પ્રકારનો ડાન્સ કરે છે.
* મધમાખીની પાંખો ઊડતી વખતે સેકન્ડમાં ૨૦૦ વખત હલન-ચલન પામતી હોય છે. એટલે જ મધમાખીઓ ઊડે ત્યારે ખાસ પ્રકારનો અવાજ આવે છે. એક વખતમાં મધમાખી વધુમાં વધુ ૧૦-૧૧ કિલોમીટર ઊડી શકે છે.
મધમાખીનો ઉછેર કરનારાઓ દર વર્ષે મધમાખી આકર્ષવાની સ્પર્ધા કરે છે. જે પોતાના શરીર પર સૌથી વધુ મધમાખી આકર્ષી શકે એ વિજેતા જાહેર થાય છે. એ વખતે મધમાખીઓ કરડતી નથી, કેમ કે ઉછેરનારને એ ઓળખતી હોય છે અને વળી એ સામાન્ય મધમાખીઓ હોય છે. ૨૦૧૧ની સ્પર્ધા વખતે ચીની મધમાખી ઉછેરક વાંગ ડેલિંગે પોતાના શરીર પર ૨૬.૮૬ કિલોગ્રામ મધમાખીઓનો થર કરી દેખાડયો હતો. જોકે ગિનેસ રેકોર્ડ અમેરિકાના પ્રાણીવિદ્ માર્કના નામે છે. એ ભાઈએ ૧૯૯૮માં પોતાના શરીર પર ૩૯.૫ કિલોગ્રામ માખીઓ બેસાડી હતી. એ વખતે તેના શરીર પર અંદાજે સાડા ૩ લાખ માખીઓ હતી. એ વિક્રમ આજે પણ અતૂટ છે. માખીઓ શરીર પર ભેગી કરવાના સૌથી વધુ શોખીન ચીનમાં છે. પરિણામે ૨૦૦૯માં બે ચાઈનીઝ યુવક-યુવતીએ લગ્ન કર્યાં એ વખતે તેમના શરીર પર મધમાખીઓ બેઠેલી રાખી હતી (જમણી તસવીર), કેમ કે બેયનો વ્યવસાય મધમાખી ઉછેરનો હતો!
- અમેરિકામાં કેટલોક કૃષિ ઉદ્યોગ મધમાખી પર ચાલે છે. બદામના ખેડૂતો પરાગનયન કરાવવા માટે મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધમાખીનાં ઝૂંડ ભાડે લે છે. ટ્રકમાં ગોઠવી મધમાખીઓ બેસાડેલી હોય એવાં હરતાં ફરતાં કૃત્રિમ મધપૂડા જેવા બકસાઓ ખેતરમાં મૂકવામાં આવે છે. બદામના ખેતરમાં એ મધપૂડા મૂકી દેવાય એટલે મધમાખીઓ પરાગનયન કરે છે. મધમાખી વગર બદામનો પાક લેવો લગભગ અશક્ય છે. પરિણામે અમેરિકામાં એવા સમાચારોની નવાઈ નથી કે મધમાખી ભરીને જઈ રહેલા ટ્રકનો અકસ્માત થતાં એક લાખ કે
બે લાખ મધમાખીઓ ઊડી ગઈ!
lalitgajjer@gmail.com