રાજકોટ તા.૧૫
અપર એર સરક્યુલેશન અને પ્રિમોનસૂન એકટિવિટીના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે ગોંડલ અને કોટડા સાંગાણી વિસ્તારમાં વરસાદ પડી ગયા બાદ આજે પણ આ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કોટડાસાંગાણીના મોટા માંડવામાં આજે સાંજે કરા સાથે ૧, આટકોટમાં ૦, જસદણમાં ઝાપટાં પડી ગયા હતા. વરસાદની સાથે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, તેમજ ભારે પવનથી વીજપોલ પડી જતાં વીજળી ગુલ થઈ જવાના બનાવો બન્યા હતા.
- વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી, વીજપોલ પડી જતાં વીજળી ગુલ
ગોંડલ આજે સાંજના સુમારે ગોંડલ શહેર ઉપર મેઘરાજાએ ડોકિયું કરી અમી છાંટણા વરસાવ્યા હતા. બાદમાં કોટડાસાંગાણી પંથક પર ઓળઘોળ થયા હતા. આજે રામોદ અને કોટડાસાંગાણી વચ્ચે ગાજવીજ સાથે કરા સાથેનો દોઢ ઈંચ વરસાદ આવ્યો હતો. જયારે ખરેડા અને કોટડાસાંગાણી રોડ વચ્ચે ભારે પવન ફુંકાતા રોડના કાંઠે આવેલા તોતીંગ ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. જેથી, વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. મોટા માંડવામાં કરા સાથે દોઢ ઈચ વરસાદ વરસી ગયો હતો. વરસાદની સાથે જ વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો. ખરેડામાં જયેશભાઈ ખુમાણ ગોવિંદભાઈ ખુમાણ તેમજ ગુણુભાઈ સોરઠિયાના મકાનને વાવાઝોડાએ તારાજ કરી દીધા હતા.
જસદણ સાંજે ૬-૩૦ કલાકે ભારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને કરા પડવા સાથે ઝાપટા વરસ્યા હતા. તાલુકાના વીરનગર, ગોખલાણા, બાખલવડ, ગઢડિયા, સહિતના ગામોમાં છુટોછવાયો વરસાદ વરસી ગયો હતો. વીજ પુરવઠો ગયુલ થઈ ગયો હતો.
આટકોટ સાંજે છ વાગ્યે ભારે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકયો હતો. જે કરા સાથે અડધો ઈંચ વરસી ગયો હતો. હાઈસ્કૂલ રોડ અને બસસ્ટેન્ડ નજીક વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાય મકાનોના નળિયા અને પતરા ઉડયા હતા. વરસાદના કારણે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તેમજ કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયાની ઘટના બની હતી.