વલ્લભવિધાનગર, તા.૧૬
બાકરોલ-લાંભવેલ રોડ ઉપર આવેલ પીન્ટોસ સ્કૂલ પાસે સ્થાનિક નામચીન બુટલેગરના અડ્ડા ઉપર છેલ્લા કેટલાયે દિવસોથી ચાલી રહેલા અંદરોઅંદરના ઝઘડાએ બે દિવસ અગાઉ મોડીરાત્રિના સુમારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું અને બુટલેગર તથા અન્ય ઇસમો સામસામે આવી જતાં વાતાવરણ ઉગ્ર બનતા અચાનક એક ઇસમે ફાયરીંગ કરતાં ત્યારે ત્યાંથી પસાર થતાં આણંદના યુવકને પગમાં ગોળી વાગી હતી. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ ફાયરીંગ પ્રકરણમાં પોલીસને કોઇ કડીઓ મળતી નથી કે મળી નથી. તે તપાસનો વિષય છે.
ફાયરીંગમાં આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી મુજબ બાકરોલ-લાંભવેલ રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નામચીન બુટલેગરે વિદેશી દારૂનું મોટાપાયે નેટવર્ક પ્રસ્થાપિત કર્યુ હતું. મોટાપાયે ચાલતા દારૂના નેટવર્કને લઇને આંતરિક સ્પર્ધાને કારણે બુટલેગરને સ્થાનિક અન્ય ઇસમ સાથે છેલ્લા ત્રણેક દિવસથી ઝઘડો ચાલતો હતો. જે ઝઘડાએ બે દિવસ અગાઉ મોડીરાત્રિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૨૦ થી ૨૫ વ્યક્તિઓનું ટોળા સામસામે આવી ગયા હતા. ત્યારે ટોળામાંથી કોઇ એક શખ્સે ફાયરીંગ કરતાં ત્યાંથી પસાર થતો આણંદની ખાનગી ફાયનાન્સ કંપનીમાં રીકવરી એજન્ટનું કામ કરતો ૩૨ વર્ષીય યુવક પ્રમોદ.સી.વાઘેલાને ડાબા પગની જાંઘમાં ગોળી વાગી હતી અને તેને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર દરમ્યાન ઓપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી. શહેર પોલીસે આ અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે તપાસ આરંભી છે પરંતુ ઘટનાના ૪૮ કલાક બાદ પણ પોલીસ સત્ય શોધી શકી નથી. યુવકને વાગેલી બુલેટ એફએસએલએ જપ્ત કરી વધુ તપાસાર્થે અમદાવાદ એફએસએલમાં મોકલી આપેલ છે. જેના રિપોર્ટ બાદ ફાયરીંગમાં કયુ હથિયાર વપરાયુ હતુ સહિતની વિગતો બહાર આવશે. ત્યારે ફાયરીંગ પ્રકરણમાં બે દિવસ વીતવા છતાં પણ પોલીસ આરોપીઓના સગડ કે ફાયરીંગના ઉદ્દેશ સુધી પહોંચી શકી નથી કે ગુનાનો ભેદ ઉકેલી શકી નથી. પોલીસના છૂપા આશિર્વાદથી ચાલતા શરાબકેન્દ્રો ઉપર અસામાજીક તત્વો દ્વારા કરાયેલા ફાયરીંગમાં આણંદનો યુવક ભોગ બન્યો હોવા છતાં આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. ત્યારે સ્થાનિક રહીશોની સુરક્ષા સલામતી સામે ફાયરીંગનો મુદ્દો ગહન અને ત્વરિત તપાસ માંગી લે તેમ હોવા છતાં પોલીસની વિલંબિત નીતિએ અનેક અટકળો જન્માવી છે. પોલીસ અને બુટલેગરની ભાઇબંધીની વાર્તા જગજાહેર થઇ રહી છે. ત્યારે બુટલેગરો સલામત અને પ્રજા ભયભીત હોવાની લાગણી અનુભવી રહી છે.
ફાયરીંગની ઘટના બાદ પણ દારૂનો કારોબાર યથાવત.......???
બાકરોલ-લાંભવેલ માર્ગ સ્થિત નામચીન દારૂના બુટલેગરના અડ્ડા ઉપરથી થયેલા ફાયરીંગની ઘટના બાદ પણ આણંદ શહેર સહિત જિલ્લાના વાસદ, પેટલાદ, બોરસદ, ખંભાત, સોજીત્રા, ઉમરેઠ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂનો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. પોલીસના છૂપા આશિર્વાદથી ધમધમી રહેલા વિદેશી દારૂના નેટવર્ક પાછળ પોલીસ-બુટલેગરોની જુગલબંધી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની હપ્તાખોર નીતિથી બુટલેગરો બેફામ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનું નેટવર્ક આણંદ શહેર સહિત જિલ્લામાં ધમધમી રહ્યું છે. પોલીસના છૂપા આશિર્વાદથી બુટલેગરો પોતાના વ્યવસાયનું નેટવર્ક ગ્રામ્ય સ્તરથી લઇને શહેરના પૉશ વિસ્તાર સુધી ફેલાવી રહ્યાં છે. ઉપરાંત પોલીસને હપ્તા ચુકવતા બુટલેગરો સરેઆમ કાયદો અને વ્યવસ્થાને જાણે કે ખિસ્સામાં લઇને ફરતા હોય તેમ સામાન્ય બોલાચાલીમાં પણ ટોળાશાહી સાથે રસ્તા ઉપર ઉતરી આવતા હોઇ તદુપરાંત ફાયરીંગ સુધી પહોંચેલી ઘટનામાં ખુવારી સર્જાઇ હોત તો તેના માટે શુ હપ્તાખોર પોલીસ જવાબદાર હોત તેવી ચર્ચાઓએ જોર પકડયુ છે.