રાજકોટ, તા.૧૬
રાજકોટ જિલ્લા પંચાયતના વિવાદિત સિંચાઈ ઈજનેરે પીપળીયાને કાર્યપાલક પદેથી હટાવવા માટે વધુ એક સરકારી આદેશ આજે થયો હતો. જિલ્લા પંચાયતમાં આજે સાંજે આ અંગેનો ફેક્સ સંદેશો ઉતર્યાની વિગતો પ્રાપ્ત થાય છે. અગાઉ બે વખત આ ઈજનેર સામે કાર્યવાહી થઈ હતી પણ એક રાજ્ય મંત્રીની ભલામણોને કારણે આ ભ્રષ્ટ અધિકારી સામે પગલાં લઈ શકાતા ન હતા.
- રાજ્યનાં એક મંત્રી ભ્રષ્ટ પીપળીયાને છાવરતા હોવાની ચર્ચા
સરકારે ડીડીઓ ઉપાધ્યાયના રિપોર્ટ અને ખાતાકિય તપાસ બાદ તેની બદલી કરી નાખવા સરકારને પત્ર પણ પાઠવ્યો હતો અને તેના કારણે રાજકોટ જિલ્લા પંચાયતમાં સિંચાઈ કાર્યપાલક ઈજનેરની નિમણુંક થઈ હતી. પણ, તે વખતે સૌરાષ્ટ્રના એક રાજ્ય મંત્રીએ અધિકારીઓ ઉપર દબાણ લાવી ભ્રષ્ટ પીપળીયાને બચાવી લીધા હતા. હવે, ફરી રાજય સરકારે તેનો ચાર્જ લઈ લેવા માટે પત્ર ઉતાર્યો છે ત્યારે પણ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર પદે ચિટકી રહેવા માંગતા પીપળીયાએ પોતાની ગતિવિધિઓ રાજયનાં એક મંત્રીની મદદથી આરંભી દીધી છે. ભાજપનાં રાજ્યમંત્રી પણ કાગળ પર કૌભાંડી પુરવાર થઈ ચૂકેલા આ અધિકારીને ક્યા કારણસર છાવરી રહ્યા છે, તે અંગે પણ જાત જાતની અટકળો ચાલી રહી છે.