ભરૂચ, તા.૧૬
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનની હદમાં આવેલી ૩૨ વર્ષ જુની હોટલ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડી જમીન દોસ્ત કરવામાં આવી હતી. આ અંગે ચાલતા વિવાદ અંગે રેલવે પોલીસ કેસ જીતી જતા રેલવે પોલીસ અને આરપીએફ પોલીસના ચુસ્ત પોલીસ કાફલા વચ્ચે આજે હોટલને જમીન દોસ્ત કરવામાં આવી હતી.ભરૂચ રેલવે સ્ટેશનના ઓવરબ્રિજને અડીને આવેલી ૩૨ વર્ષ જુની વેલકમ હોટલ આજે રેલવે પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી હતી. રેલવે પોલીસે ભાડાપેટે આપેલી હોટલને ખાલી કરવા માટે હોટલ સંચાલકને નોટિસ આપી હતી. પરંતુ હોટલ સંચાલકે કબ્જો રેલવે પોલીસને ન સોપંતા આ અંગે રેલવે તથા હોટલ ભાડુઆત અબ્દુલ કરીમ ડભોઇયા વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો.જે કેસ અંગે આખરે સુનવણી રેલવેના પક્ષમાં આવતા આજે રેલવે પોલીસ, આરપીએફ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે મંજિલા હોટલ વેલકમને જમીન દોસ્ત કરવામાં આવી હતી. પોલીસ કાફલા વચ્ચે હોટલનો સામાન રસ્તા પર મુકી હોટલના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.