ગાંધીનગર,તા. ૧૬
અરણ્યભવનમાં અમદાવાદ એસીબીની ટીમે એક અંગત મદદનીશને લાંચ લેતા ઝડપી પાડયા હતા. અમદાવાદ કૃષ્ણનગર ખાતે પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતા કિરણસિંહ જગજીવન વાઘેલા સેલટેક્ષ ડીપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે. તેમને ખાતાકીય ઈન્કવાયરી ચાલી રહી હતી. જે ફાઈલ કરવા કિરણસિંહ વન વિભાગની ઓફિસ અરણ્યભવનના ત્રીજા માળે સેવા આપતા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકના અંગત મદદનીશ અલ્પેશ વિનુભાઈ ચૌહાણને મળ્યા હતા. ખાતાકીય ઈન્કવાયરીમાં બચાવનામું રજૂ કરી આપીને કેસને ફાઈલ કરી દેવા માટે અંગત મદદનીશે રૂ.૨૦ હજારની માંગણી કરતાં કિરણસિંહે ચેક આપ્યો હતો. ખાતાકીય ઈન્કવાયરીની પતાવટ પેટે લેવાયેલો રૂ.૨૦ હજારનો ચેક બાઉન્સ થતા અંગત મદદનીશે રોકડા રૂપિયાની માંગણી કરી હતી. જે સંદર્ભે કિરણસિંહે અમદાવાદ એસીબીને ફરિયાદ કરતા આજે અમદાવાદ એસીબી પીઆઈ નિનામાની ટીમે ગાંધીનગર અરણ્યભવન પાસે છટકું ગોઠવ્યું હતું. અરણ્યભવનના મુખ્ય દરવાજા પાસેથી અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકના અંગત મદદનીશ અલ્પેશ વિનુભાઈ ચૌહાણને એસીબીની ટીમે રૂ.૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા અને તેના વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ શરુ કરી છે.