નવી દિલ્હી, તા. ૧૬
બોલિવૂડ અભિનેત્રી રેખાનાં ગઈ કાલે રાજ્યસભાના સભ્ય તરીકેના શપથ દરમિયાન પોતાની તરફ કેમેરાનું વારંવાર ફોકસ કરવામાં આવતાં જયા બચ્ચને નિરાશા વ્યક્ત કરતાં ગૃહના સભાપતિ હામિદ અંસારીને ફરિયાદ કરી છે કે, 'રેખા શપથ લેતાં હતાં ત્યારે મારી પર શા માટે ફોકસ કરાયું હતું ?'
- મીડિયા ગોસીપને પગલે નારાજ જયાની ફરિયાદ
ગઈ કાલે રેખા ગણેશન જ્યારે રાજ્યસભાનાં સભ્ય તરીકેનાં શપથ લેવા ગૃહમાં પહોંચ્યાં ત્યારે જયા સિવાયના મોટાભાગના સભ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તો બીજી બાજુ રેખાના શપથ દરમિયાન રાજ્યસભા ટીવી પર રેખાની સાથે સાથે જયા બચ્ચનને પણ બતાવવામાં આવ્યાં હતાં, જેમાં જયા ગંભીર મુદ્રામાં જણાતાં હતાં, ત્યાર બાદ તમામ ન્યૂઝચેનલમાં પણ આ ફૂટેજનો સિલસિલો શરૂ થયો હતો અને એક સમયની ર્ચિચત બંને જાજરમાન અભિનેત્રીઓ વચ્ચેની તિરાડ વધુ પહોળી બની હતી.
સિત્તેરના દશકમાં રેખાનો અમિતાભ પ્રત્યેનો પ્રેમ જગજાહેર હતો અને તેથી જયાને રેખા હજીય પસંદ ન હોય તેમ લાગે છે. રેખા, સચિન તેંડુલકર અને અનુ આગાને સરકાર દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે જ્યારે જયા બચ્ચન રાજ્યસભામાં સમાજવાદી પક્ષનાં નેતા છે.
જયાને ફરિયાદનો અધિકાર : રેણુકા
કોંગ્રેસના પક્ષ પ્રવક્તા રેણુકા ચૌધરીએ આ મામલે અજાણ હોવાનું જણાવી કહ્યું હતું કે, દરેકને ફરિયાદ કરવાનો અધિકાર છે, જોકે હવે રાજ્યસભાના ટેક્નિશિયન્સ પર ફૂટેજ અંગે સવાલો ઊભા થયા છે.
તે જયાનો અંગત સિલસિલા છે : અમરસિંહ
અગાઉ રેખાને ૯૯ નંબરની સીટ ફાળવવામાં આવ્યા બાદ જયા બચ્ચનને તેમની ૯૧ નંબરની સીટ બદલવાની કરેલી માગણી અંગે રાષ્ટ્રીય લોકમંચ પક્ષના અધ્યક્ષ અમરસિંહે કહ્યું હતું કે, 'આ તેમનો અંગત 'સિલસિલા' છે! હું આ વિશે વધુ ટિપ્પણી કરવા માગતો નથી.'
સંબંધિત સમાચારો:
રાજ્યસભામાં રેખાની શપથવિધિ દરમિયાન જયાનું કેમ 'મોઢું ફૂલી ગયું' ! જુઓ વિડિયો
રેખાએ લીધાં શપથ,શિષ્ટાચાર બદલ જયા સાથે ટકરાવાની શક્યતા