અમદાવાદ, તા. 19
ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2006-7નાં અથવા ત્યારબાદના ઓડિટ દરમિયાન ધ્યાનમાં આવેલ અનિયમિતતાને નિરીક્ષક, સ્થાનિક ભંડોળની કચેરી ગાંધીનગર દ્રારા રજૂ કરાયેલા અહેવાલમાં એફડી કૌભાંડમાં ચીફ એકાઉન્ટંટ ઓફિસરને જવાબદારી બને છે. આથી તેમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી દેવા તેવો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2006-7 દરમિયાન 100 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ એસબીઆઈમાંથી પ્રીમેચ્યોર ( પાકતી મુદ્દત પહેલા ઉપાડી લેવી તે)ઉપાડીને ઓછા વ્યાજે અન્ય બેંકમાં મૂકવામાં આવી હતી. ડિપોઝિટમાં ડિપોજિટરે પાકતી મુદ્દત પહેલાં ઓછા વ્યાજે અન્ય બેંકમાં મૂકવાથી યુનિવર્સિટીને બે કરોડ રૂપિયા, 66 લાખ 46 હજાર 841 રૂપિયાનું આર્થિક નુકસાન ગયું છે. આ અંગેનો અહેવાલ સરકારના ઓડિટ વિભાગે શિક્ષણ વિભાગને રજૂ કર્યો છે.
આ અહેવાલની શિક્ષણ વિભાગે પ્રાથમિક ચકાસણી કરતા તેમાં આર્થિક નુકસાન બદલ ચીફ એકાઉન્ટ ઓફિસર જવાબદાર હોવાનું મનાય છે. શિક્ષણ વિભાગે યુનિવર્સિટીનાં કુલપતિ પરિમલ ત્રિવેદીને એક પત્ર લખીને જાણ કરી છે કે, ચીફ એકાઉન્ટંટ મિનેશ શાહને હોદ્દા પરથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે. તેમને એવી જગ્યાએ મૂકવા જે જ્યાંથી યુનિવર્સિટી એફડી સાથે કોઈ ચેડાં ન કરી શકે. આ પત્રની વાત યુનિવર્સિટીનાં શિક્ષણ વર્તૂળમાં ફેલાતા ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચ્યો છે અને ચીફ એકાઉન્ટટંટ અન્ય જગ્યાએ બેસાડવાની તજવીજ હાથ ધરાઈ છે.