વાતનું વતેસર : ડો. રઈશ મનીઆર
હસુભાઈ હેમાબહેનને જોવા ગયા ત્યારે એમના પર પસંદગીની મહોર મારતા પહેલાં એક જ સવાલ કર્યો, "આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીની કલ્પના ભોજનેષુ માતા તરીકે કરવામાં આવી છે એનો તો ખ્યાલ હશે જ." અને હેમાબહેને નીચી નજર ઢાળી ડોકું ધુણાવ્યું પછી જ શરણાઈ વાગી. પણ એ શરણાઈમાં ફૂંક વાગી તે વાગી પછી બીજા જ દિવસથી હસુભાઈના નસીબે ફૂંકણી આવી. દુલ્હને દુલ્હાનો પ્રાસ ચૂલા સાથે બેસાડયો. સાસુ તો સુપ્રીમ કોર્ટ જેવાં હતાં એટલે હસુભાઈએ લોકઅદાલત જેવા સસરાને ફરિયાદ કરી.
"તમારી દીકરી ખોટું બોલી, લગ્ન પહેલાં કહેતી હતી કે ભોજનેષુ માતા બનીશ, હવે જમવાના ટાઈમે "મને તો ભૂખ નથી" કહીને કેળું ખાઈ લે છે અને "તમને ભૂખ હોય તો કોળું વઘારી ખાઈ લો" કહી મને નોધારો છોડી દે છે. આવું જ કરવું હતું તો બાયોડેટામાં શા માટે લખ્યું હતું કે"ખાના બનાના આતા હૈ..?"
સસરાએ કહ્યું, "જમાઈરાજ, તમારી કંઈ વાંચવામાં ભૂલ થઈ હશે, મારી દીકરીએ બાયોડેટામાં 'બનાના ખાના આતા હૈ' એમ લખ્યું છે."
"પણ ભોજનેષુ માતા બનવાનું વચન આપ્યું'તુ તેનું શું?"
"એ પણ પાળ્યું જ ને! એની માતા એટલે કે તમારાં સાસુ પણ આમ જ કરે છે. તમે જ્યારે મારી દીકરીને જોવા આવેલા ત્યારે ઓળાનું શાક અને કોળાનો શીરો શું મેં નહોતાં બનાવ્યાં? તો ભોજન બાબતે એણે માતાનો વારસો જ જાળવ્યો છે જમાઈરાજ!"
સમદુઃખિયા સસરાને જોઈને હસુભાઈનો આક્રોશ ઓગળી ગયો. સસરાએ જમાઈરાજને ખ્યાલ આપ્યો કે પોતે 'માઈ-રાજ'નો ભોગ બન્યા છે.
છતાંય કોઈ વાર હેમાબહેન સાથે જીભાજોડી થઈ જતી, "લગ્ન પહેલાં એવું શું કામ કહેતી ફરતી'તી કે રસોઈનો શોખ છે!"
"તે છે જ ને. રસોઈનો શોખ છે જ. પણ રોજરોજ શોખ થોડો પોસાય. તમે પણ કહેતા હતા કે મને ફરવાનો, પ્રવાસનો શોખ છે, તો રોજ પ્રવાસે જાઓ છો? વરસમાં માંડ એક વાર જાવ છો ને! તેમ હુંય ક્યારેક તો રસોઈ બનાવું છું ને! શોખ છે, ટેવ કે વ્યસન નથી."
જાતે રસોઈ બનાવી મોડું જમવું કે પત્નીએ બનાવેલું મોળું જમવું એ બેમાં કંઈ ખાસ ચૂઝ કરવા જેવું રહેતું નહીં. તોય હેમાબહેન ક્યારેક હસુભાઈને એવી આઝાદી આપતાં. એક દિવસ સાંજે હેમાબહેને હસુભાઈને ચોઈસ આપી, "શું જમવું છે?"
હસુભાઈ બોલ્યા, "તું જે બનાવે તે."
"ના,ના તોય તમે બોલો ને."
હસુભાઈએ પશ્ચિમ દિશાની બારીમાંથી જ સૂર્ય દેખાય છે કે કેમ એની ખાતરી કરી. પછી પોતાના પગ પર ચૂંટી ખણી સ્વપ્ન તો નથી જોતા ને એની ખાતરી કરી. પછી કહ્યું,"તુવેરના દાણા ને રીંગણનું શાક બને?"
"બને ને! પણ દાણા કોણ છોલે?"
'કોણે છોલે?' મુદ્દાનો પ્રશ્ન હતો. એટલે હસુભાઈએ બીજી ચોઈસ રજૂ કરી, "છોલેપૂરી બને, એમાં કંઈ છોલવાનું ન આવે?"
"પછી તમને જ ગેસ થાય છે." બનતા પહેલાં જ છોલેપૂરીની આવરદા પૂરી થઈ.
"એમ કર ટામેટાં-વટાણાનું શાક બનાવ, હું વટાણા છોલી આપું."
"ના રે, હમણાંના વટાણા ક્યાં સારા આવે છે? ને વટાણા અટાણે કોણ લેવા જાય?" "હટાણે જવું નથી તો અટાણે ઘરમાં છે શું?"
"ફ્લાવર છે પણ બટાકા નથી. તુરિયાં છે પણ પાતરાં નથી. પાલક છે પણ કાંદા નથી."
"તો પછી રહ્યું શું?"
"ના, તમે કહો ને, હાજર હોય તો બનાવું."
"કઢી ખીચડી?"
"તમે દહીં લાવી આપશો?"
"તો હાજર શું છે?"
"ગાજર. પણ એનું કંઈ ન બને."
"તો એમ કરો ને મગ ઓરી દો!" પોતે ૩૬૫માંથી ૨૬૫ દિવસ જે આહાર ખાતા, એના પર અંતે હસુભાઈએ પસંદગી ઢોળી. હસુભાઈના દૃગથી લઈને પગ સુધી રગેરગમાં મગ જ વ્યાપ્ત હતા. ઘણી વાર તો એમને એવું લાગતું કે પોતે માણસ મટી નહીં પણ મગનો છોડ બની જશે.
"એ તો મેં મગ ઓરી જ દીધા છે. આ તો અમસ્તું તમને પૂછતી'તી. જોયું ને! તમે જ બોલ્યા ને મગ બનાવ! સારું થયું ને હવે તમને એમ નહીં લાગે કે મને પૂછયા વગર મનમાં આવે તે બનાવે છે."
હેમાબહેન રસોડા તરફ જતાં બોલ્યાં, "આજના પેપરમાં આવ્યું છે કે તમારા ઓર્ડર પ્રમાણે જમવાનું બને એને ફ્રેંચ ભાષામાં 'અલા કાર્ટ' કહેવાય."
હસુભાઈને થયું, પણ આ તો 'અલા કાર્ટ' નહીં 'ગલા કાટ' મેનુ છે.
હેમિશની કાલે કમ્પ્યુટર વિષયની પરીક્ષા હતી એ મોટા અવાજે ગોખી રહ્યો હતો. "પ્રોગ્રામમાં જે સુવિધા પહેલાંથી બધા માટે એકસરખી હોય એને 'ડિફોલ્ટ' કહેવાય અને જે તમારી જરૂરિયાત પ્રમાણે બદલીને ડિઝાઈન કરવામાં આવે એને 'કસ્ટમ' કહેવાય."
હસુભાઈએ આજે કસ્ટમ ડિનરનું કષ્ટમ ઉઠાવવાનું હતું. દીવેલવાળા મગ ધોઈ રહેલાં હેમાબહેને હસુભાઈનું દીવેલિયું મોં જોઈ પૂછયું, "કેમ તમને મગ નથી ભાવતા? બુધવારે તો કેવા ટેસ્ટથી ખાધા, વળી ગુરુવારે બચેલા મગ ખાધા. શુક્રવારે શાકવાળી ન આવી તો પાછા મગ બનાવ્યા તો કેવા પેટ ભરી ખાધા! કાલે તમારી તબિયત ઠીક નહોતી તે મગનું ઓસામણ કેવું કટોરો ભરીને પી ગયા. હવે આજે તમારે કીધે જ મગ બનાવું છું તો મોઢું વાંકું શેનું કરો છો?"
હસુભાઈએ કહ્યું, "ના રે એવું કંઈ નથી. એ તો મૂડ જરાતરા ખરાબ હશે ને તોય મગ ખાઈને સુધરી જશે."
અંતે હસુભાઈએ કશેય વહી ન શકેલી એમની વેદના આ કવિતામાં વહાવી દીધી.
ગમે તેવી મળી, ખાલી કરી મેં રોજ થાળી, જો
કિચનનું ઝેર જીરવી ફાંદ મેં મારી વધારી, જો
મને ગઈકાલની આ ખીચડી વાસી પચી જાશે
તું એને કેમ પીરસે છે કહીને બિરયાની, જો
બહુ મુશ્કેલ છે આ ભાખરીનું અંગ વિચ્છેદન
તું કાપી જો, તું ખેંચી જો, તું તોડી જો, પછાડી જો
જમી લઉં હું પુરાવો એ નથી સારી રસોઈનો
તને શક હોય તો શેરીના કૂતરાને ચખાડી જો
amiraeesh@yahoo.co.in