Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:05:42 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

"મને સુગંધા જોઈએ છે, એટ એની કોસ્ટ" (ચહેરા પાછળનો ચહેરો)

May 19, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3407
Rate: 4.7
Rating:
Bookmark The Article

ચહેરા પાછળનો ચહેરો – કાજલ ઓઝા વૈધ – પ્રકરણ – 18

તું સમજતો નથી યાર... અર્જુન સાઇકિક છે. એક વાર એના મગજમાં વાત બેઠી એટલે બેઠી..." "જો, હું સામિયાને પૂછીને તને કહી દઈશ... એને બચાવવામાં કે ફસાવવામાં મને કોઈ રસ નથી." વિકી ઊભો થયો, "મને શું મળશે?" "સાલો! આવી ગયોને ઔકાત પર." "ઓ બચ્ચુ! આ ફિલ્મી દુનિયા છે. અહીંયાં કોઈ મફત સ્માઈલ પણ નથી કરતું... એક સ્માઈલ કરવાના પણ રૂપિયા લાગે છે અહીંયાં. તું તો ઇન્ફર્મેશન માગે છે. સુગંધા દેશમુખના બોયફ્રેન્ડની ઇન્ફર્મેશન. તને શું લાગે છે, હું એમ જ કહી દઈશ?" "બોલ, ભાવ બોલ..."

અલકેશ યાજ્ઞિક બરફમાંથી બન્યો હોય એમ થીજી ગયો હતો. સામેના છેડેથી સિદ્ધાર્થનો અવાજ સંભળાઈ રહ્યો હતો, "સચ્ચાઈ શોધવા માગું છું. એક માણસની સાથે થયેલા અન્યાયનો હિસાબ ચૂકવવો છે મારે. તમે કરશો મારી મદદ? એક વાર મળશો મને... પ્લીઝ..."

"એક શરતે." અલકેશ યાજ્ઞિક બેહોશીમાંથી જાગ્યો હોય એમ એણે પૂછયું, "તને આ બધી ક્યાંથી ખબર છે? આ વાત તો ફક્ત મારી અને રઘુબીર કશ્યપની વચ્ચે હતી. મેં માનસીને પણ એ વાત નથી કરી."

"કઈ વાત?" સિદ્ધાર્થે એવી રીતે પૂછયું જાણે એણે કંઈ કહ્યું જ ન હોય.

"હોલેન્ડના ફોટાવાળી વાત."

"કયા ફોટા?" સિદ્ધાર્થે એવી રીતે પૂછયું, જાણે તદ્દન અજાણ્યો હોય.

"તું રમત કરે છે મારી સાથે?" અલકેશ ચીડાઈ ગયો, "એક વાત યાદ રાખજે, અલકેશ યાજ્ઞિક સાથે રમત મોંઘી પડશે તને."

"હું કોઈ રમત નથી કરતો." સિદ્ધાર્થના અવાજમાં સચ્ચાઈ હતી, "હું તમને કેવી રીતે સમજાવું કે મને પોતાને જ યાદ નથી રહેતું કે હું શું કહું છું..." એણે ઊંડો શ્વાસ લીધો, "ક્યારેક યાદ રહે છે તો અધૂરી હકીકતો..."

"તું એમ કહેવા માગે છે કે આ બધું આપોઆપ થાય છે?"

"પ્લીઝ, તમે મારી વાત માનો..." સિદ્ધાર્થનો અવાજ સાંભળીને અલકેશને એક મિનિટ માટે એની વાત માનવાની ઇચ્છા થઈ ગઈ. એણે અકબર લાલા અને બેનઝીરના ફોટોગ્રાફ્સની વાત રઘુબીર કશ્યપ સિવાય કોઈને નહોતી કહી. સિદ્ધાર્થે જે આત્મવિશ્વાસથી આ વાત કહી એ સાંભળ્યા પછી એને ડર લાગી ગયો હતો.

"તું બીજું શું જાણે છે ?" એણે સિદ્ધાર્થને પૂછયું.

"મને ક્યાં ખબર છે કે હું શું જાણું છું... વાત નીકળે છે ત્યારે જાણે કોઈ બીજું આવીને મારે બદલે બોલી નાખે છે... સમજાતું નથી, આવું કેમ થાય છે." એણે રઘુબીર કશ્યપના બંગલે પોતે પહેલી વાર ગયો ત્યારે બનેલી ઘટનાઓ કહી સંભળાવી. બારના ડ્રોઅરમાંથી પાઉચનું મળવું... સાથે જ ચાવીનો નંબર અને ત્રીસ હજાર ડોલરવાળી વાત એણે કહી ત્યારે અલકેશ ફાટી આંખે, ઉઘાડા મોઢે એની વાત સાંભળી રહ્યો હતો, "આ વાત મને યાદ છે એટલે તમને કહું છું, પણ દરેક વખતે બધી જ વાતો યાદ નથી રહેતી મને."

"ઓહ ગોડ!" અલકેશ યાજ્ઞિકે ઊંડો શ્વાસ લીધો, "તું કોઈ સાઈકિયાટ્રિસ્ટ પાસે જા. હું આત્મા અને ભૂતમાં તો માનતો નથી, પણ કદાચ તારી ઊંડે પડેલી કોઈક બાબત તને રઘુબીર કશ્યપ સાથે કોસ્મિક એનર્જીથી જોડે છે..."

"હું આવું બધું નથી માનતો. એક વાર માણસ મરી જાય એટલે એનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે. જિંદગી પહેલાંની જિંદગી અને જિંદગી પછીની જિંદગીમાં મને કોઈ વિશ્વાસ નથી."

"આ બધી વાતો ફોન પર થાય એવી નથી, તું કાનપુર આવી શકે?"

"જરૂર..." સિદ્ધાર્થે વિચાર્યા વગર કહી દીધું.

"કોઈને કહ્યા વગર... એક પણ માણસને જાણ ન થવી જોઈએ કે તું કાનપુર આવવા નીકળ્યો છે."

"નહીં કહું."

"જો કોઈને ખબર પડશે તો તારા અને મારા બન્નેની જિંદગી પર જોખમ આવશે એટલું યાદ રાખજે."

"તમે ચિંતા ન કરો, હું કોઈને નહીં કહું." એણે ફોન મૂકતા પહેલાં ઉમેર્યું, "મારી ટિકિટ થાય એટલે તમને જણાવું છું..." ફોન મૂકીને એ પલંગમાં આડો પડયો. એનું મગજ કામ કરતું અટકી ગયું હતું. એની સાથે શું થઈ રહ્યું હતું એ એને સમજાતું નહોતું. એને અચાનક લાગ્યું કે એ કોઈ ઊંડા વમળમાં ફસાઈ રહ્યો હતો... પણ ડરવું એનો સ્વભાવ નહોતો. એણે શાંતિથી આંખો મીંચીને થોડીક ક્ષણ વિચાર કર્યો અને પછી કાનપુરની ટિકિટ માટે ઇન્ટરનેટ ઓપન કર્યું...

***

અર્જુન દેશમુખ હજુ સુધી ઊંઘી શક્યો નહોતો. એનો સેક્રેટરી ચંદ્રકાંત મેમને એની સામે બેસીને ઝોકાં ખાઈ રહ્યો હતો... અર્જુન બ્લૂ લેબલના ચાર પેગ ગટકાવી ચૂક્યો હતો. એનું મગજ ફાટફાટ થતું હતું, "એ મારી સામે પેલા પાંચ પૈસાના છોકરાને ભેટી. કાલે ને કાલે એ છોકરાને ઉડાવી દો."

"સમજ્યા વિના કંઈ નહીં કરતા સર..." ચંદ્રકાંત બંધ આંખે જ એની સાથે વાત કરી રહ્યો હતો, "પહેલાં એ તપાસ કરો કે એ છોકરો છે કોણ? ખરેખર સુગંધાનો બોયફ્રેન્ડ છે કે પછી..."

"અડધી રાત્રે એને બાપના બંગલે મળવા બોલાવે છે, મને ઉલ્લુ બનાવીને એને મળવા જાય છે. હાથમાં હાથ નાખીને ઘરની અંદર લઈ જાય છે, બોયફ્રેન્ડ હોવા માટે બીજી શું સાબિતી જોઈએ, ચંદુ?"

"સાહેબ, તમે સુગંધાને ઓળખો છો. બિચારો છોકરો નવાણિયો કુટાઈ જશે. પૂરી તપાસ કરો..."

"પૂરી તપાસ? એટલે શું?"

"સાહેબ, જો ખરેખર એનો બોયફ્રેન્ડ હોય તો ક્યાંક કોઈએ જોયો હોય... કોઈ પાર્ટીમાં, કોઈ શૂટ પર... આટલા વખતમાં સુગંધાને કોઈએ છોકરા સાથે જોઈ છે?" ચંદ્રકાંતે આંખો ઉઘાડી, "અને તમે આટલી ચિંતા શું કામ કરો છો? છોકરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ, એની પાછળ કોઈ દિવસ દોડવાનું નહીં. એક જાય તો બીજી આવે સાહેબ.... તમને શું ખોટ છે? તમે અર્જુન દેશમુખ છો. સુપરસ્ટાર અર્જુન દેશમુખ. બે-ચાર વરસમાં ઈલેક્શન લડશો. તમને ખબર છે ને કે ભાઉસાહેબને કેવાં કેવાં સપનાં છે તમારે માટે? એમને ભૂલેચૂકે પણ ખબર પડી કે તમે રિક્ષામાં..."

"શટઅપ... મને સુગંધા જોઈએ છે, એટ એની કોસ્ટ. એ છોકરીને મારે મારી પથારીમાં ચૂંથી નાખવી છે... એના અહંકારને ચૂર ચૂર કરીને એને ઘૂંટણિયે પાડવી છે મારી સામે... એણે અર્જુન દેશમુખને ચેલેન્જ કરી છે, ચંદુ..."

"સાહેબ, રાતના અઢી વાગ્યા છે... મને બહુ ઊંઘ આવે છે. તમારે પણ કાલે સવારે શૂટ છે... કાંતિલાલને હાર્ટએટેક આવશે. મહેરબાની રાખો. તમે પણ આરામ કરો ને મને પણ કરવા દો..."

"પણ સુગંધા..."

"એનુંયે થઈ પડશે. ગોઠવીશું કંઈક... એવી જગ્યાએ ફસાવી જોઈએ, જ્યાંથી એની પાસે નીકળવાનો કોઈ રસ્તો ન બચે. બાકી તમે તો એને ઓળખો છો. હો-હા કરશે તો..."

"અને પેલો છોકરો?" અર્જુનના મગજમાંથી હજી એ વાત જતી નહોતી.

"એનું પણ કરું છું..." ચંદ્રકાંતે આંખો ચોળી, "વિકી છે ને... એને બધી ખબર હશે. એક વાર રૂપિયા જોશે તો પોપટની જેમ બોલવા માંડશે."

"મને કાલે સાંજ સુધીમાં રિપોર્ટ જોઈએ ચંદુ." અર્જુને નાછૂટકે એના સેક્રેટરી ચંદ્રકાંતને જવા તો દીધો, પણ એના વિશાળ બેડરૂમમાં સાર્ટિનની ચાદર પર એણે આખી રાત પડખાં ઘસીને વિતાવી દીધી. સુગંધાના વાળમાંથી ઊઠતી શેમ્પૂની માદક સુવાસ... એની ચામડીની ભીની સુંવાળપ અને એની આંખોમાં જોયા પછી અર્જુનની અંદર જાગેલો પુરુષ તરફડતો રહ્યો...

***

"તું બોલ યાર. મને એ છોકરાનું નામ-સરનામું જોઈએ છે."

"ભઈ, મને કંઈ ખબર નથી. પેલી સામિયા લઈને આવી હતી એને... બડી ચાલુ ચીજ છે... પણ છે કાતિલ." વિકીના મગજમાં ફરી એક વાર સામિયાનું નિર્વસ્ત્ર શરીર પલંગ પર આળોટવા લાગ્યું.

"તો એને પૂછ. સાંજ સુધીમાં અર્જુનને ડિટેઈલ તો આપવી પડશે."

"શું કરશે તારો અર્જુન?"

"મને શું ખબર? પેલા મોડલ રિક્કુ બેનરજીનાં હાડકાં તોડાવી નાખ્યાં હતાં... રેમ્પ પર વોક કરવાને લાયક જ ન રહ્યો સાલો. અર્જુનની બૈરી સાથે સ્માર્ટ થવા ગયેલો... યાદ છે ને?"

"તું ધમકી આપે છે કે યાદ કરાવે છે?" વિકી હસવા લાગ્યો, "મારો સગો નથી એ છોકરો... મને ગભરામણ નહીં થાય."

"તું સમજતો નથી યાર... અર્જુન સાઇકિક છે. એક વાર એના મગજમાં વાત બેઠી એટલે બેઠી..."

"જો, હું સામિયાને પૂછીને તને કહી દઈશ... એને બચાવવામાં કે ફસાવવામાં મને કોઈ રસ નથી." વિકી ઊભો થયો, "મને શું મળશે?"

"સાલો! આવી ગયોને ઔકાત પર."

"ઓ બચ્ચુ! આ ફિલ્મી દુનિયા છે. અહીંયાં કોઈ મફત સ્માઈલ પણ નથી કરતું... એક સ્માઈલ કરવાના પણ રૂપિયા લાગે છે અહીંયાં. તું તો ઇન્ફર્મેશન માગે છે. સુગંધા દેશમુખના બોયફ્રેન્ડની ઇન્ફર્મેશન. તને શું લાગે છે, હું એમ જ કહી દઈશ?"

"બોલ, ભાવ બોલ..."

"બે લાખ..."

"ગધેડો છે?" ચંદ્રકાંત ચીડાઈ ગયો...

"સારું ત્યારે શોધી લેજે. મારી પાસે આમ પણ ટાઇમ નથી." વિકી બહાર જતો હતો કે ચંદ્રકાંતે એના નાનકડા ચામડાના પાકિટમાંથી હજાર-હજારની બે થપ્પી કાઢી, ટેબલ પર ફેંકી.

વિકીએ થપ્પીઓ ઉપાડી લીધી, "મૈં ફેકે હુએ પૈસે ઉઠા લેતા હૂં... હું અમિતાભ નથી." એ હસતો હસતો પૈસા લઈને નીકળી ગયો. ચંદ્રકાંત આરામથી પગ લંબાવીને સામે મૂકેલા નાનકડા ટેબલ પર પગ મૂકીને નિરાંતે બેઠો. હવે એને ખાતરી હતી કે સાંજ સુધીમાં સુગંધા સાથે દેખાયેલા એ છોકરાની ઈન્ફર્મેશન એ અર્જુનને આપીને શાબાશી મેળવી લેશે. ચંદ્રકાંત સુપરસ્ટાર અર્જુનનો સેક્રેટરી તો હતો જ... એની તારીખો, એના પૈસા અને ઈન્વેસ્ટમેન્ટનું ધ્યાન રાખતો. એની પબ્લિસિટી કરવામાં કોઈ કચાશ ન રાખતો, પરંતુ અર્જુનનાં આવાં નાનાં-મોટાં કામો પણ ચંદ્રકાંત કરી આપતો... શૂટિંગ જોવા આવેલી કોઈ રૂપાળી છોકરીને વેનિટી વેનમાં મોકલવાથી શરૂ કરીને સેટ પર કોઈ એક્સ્ટ્રા છોકરીઓમાંથી રૂપાળી દેખાય તો એને પણ અર્જુન માટે ગોઠવી આપવાનું કામ ચંદ્રકાંત કરતો. જાણીતા ફિલ્મી મેગેઝિનની પત્રકાર અને ગોસિપ રાઈટર મંજુલા શર્મા સાથે અર્જુનનો અફેર ચાલતો હતો ત્યારે ઈન્ટરકનેક્ટિંગ ડોર ધરાવતા હોય એવા બે રૂમ બુક કરવાનું કામ પણ ચંદ્રકાંત કરતો હતો... મંજુલા સાથે ઝઘડા થયા ત્યારે એ આડુંઅવળું ન લખે એની કાળજી પણ ચંદ્રકાંતે જ લીધી હતી... ચંદ્રકાંત મેમને સબ બંદર કે વેપારી જેવો હતો. અર્જુન દેશમુખની કારકિર્દીમાં એનો બહુ મોટો ફાળો હતો. બીજા સેક્રેટરીઝને મળતા પૈસા કરતાં ચંદ્રકાંત ઘણા વધારે પર્સન્ટેજ લેતો, પણ અર્જુનને પૈસાની પડી નહોતી...

કાંતિલાલના સેટ પર સામાન્ય રીતે બધા જ એક્ટર્સ આવી જાય, સેટ ગોઠવાઈ જાય પછી ઘરે ફોન કરીને અર્જુનને જણાવવામાં આવતું. ત્યાર પછી એ ઘરેથી નીકળતો, પણ આજે સુગંધા સાથેના શૂટમાં આઠ વાગ્યાની શિફ્ટમાં એ પોણા આઠનો આવી ગયો હતો. સુગંધા આવે એની એ રાહ જોઈ રહ્યો હતો.

સુગંધાની ગાડી જેવી ફિલ્મીસ્તાન સ્ટુડિયોના કંપાઉન્ડમાં દાખલ થઈ કે બહાર ઊભેલા માણસે અર્જુન દેશમુખને મિસ્ડ કોલ કર્યો... અર્જુને વેનિટી વેનના અરીસામાં જોઈ વાળ સરખા કર્યા, ડીઓ છાંટયું, માઉથ ફ્રેશનર છાંટીને સુગંધાને આવકારવા એ તૈયાર થઈ ગયો. સુગંધા ગાડીમાંથી ઊતરીને મેકઅપ રૂમમાં ચાલી ગઈ. એના સેક્રેટરી અફઝલે સુગંધાના મેકઅપરૂમની બહાર 'ડુ નોટ ડિસ્ટર્બ' અને 'સુગંધા કશ્યપ'ના ટેગ લગાડી દીધા. સુગંધાનો બોય હંમેશની જેમ રૂમની બહાર ગોઠવાઈ ગયો. સેક્રેટરી સેટ પર જઈને સુગંધાની ચેર અને એની બીજી વસ્તુઓ લગાડવામાં વ્યસ્ત થઈ ગયો ત્યારે અર્જુન એના મેકઅપરૂમની બહાર આવીને ઊભો રહ્યો.

"મેડમ ઇઝ ચેઈન્જિંગ સર..." સુગંધાના બોયે ખૂબ જ અદબથી, પણ દૃઢતાથી કહ્યું. એણે લેચનું હેન્ડલ પકડી લીધું.

"ચલ હટ." અર્જુને એને ધક્કો માર્યો અને લોકનું લેચ ખોલી અંદર દાખલ થઈ ગયો.

સુગંધા ડ્રેસ ચેન્જ કરી રહી હતી. ફક્ત બ્રા અને જિન્સમાં ઊભેલી સુગંધા અર્જુનને જોઈને સહેજ ડઘાઈ, હાથમાં કોસ્ચ્યુમ પકડીને ઊભેલી એની હેલ્પર રીતસર ધ્રૂજવા લાગી...

"બહાર જા..." અર્જુને એની હેલ્પરને ધમકાવતો હોય એમ કહ્યું. સુગંધા એને રોકે કે કશું સમજે એ પહેલાં હેલ્પર બહાર નીકળી ગઈ.

ફક્ત અંતઃવસ્ત્ર અને જિન્સ પહેરીને ઊભેલી સુગંધાએ શરીરને ઢાંકવાનો પ્રયત્ન કર્યા વગર અદબ વાળી. એણે અર્જુનની સામે જોઈને બેઝિઝક કહી નાખ્યું, "બદતમીઝ છે તું... નફ્ફટ... બેશરમ..." આ બધું સાંભળ્યા પછી પણ અર્જુનના ચહેરા પર સ્મિત હતું. એણે જિન્સનાં બન્ને ફ્રન્ટ પોકેટમાં હાથ નાખ્યા. નીચલા દાંતથી ઉપલો હોઠ દબાવ્યો... એ સુગંધાને એવી રીતે જોઈ રહ્યો હતો, જાણે હમણાં આ જ ક્ષણે એને કાચી ખાઈ જશે.

kaajalozavaidya@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com