Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 12:10:36 AM IST
 

ખેલકૂદ મંત્રાલય ને ભારતીય ઓલિમ્પિક સંઘ ફરી એક વાર આમનેસામને (પેવેલિયન)

May 19, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 427
Rate: 5.0
Rating:
Bookmark The Article

પેવેલિયન : એ. ડી. વ્યાસ

દિલ્હી ખાતે ૨૦૧૦માં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં કરોડોના ગોટાળા કરીને દેશની આબરૂના છડેચોકે ધજાગરા ઉડાવનાર ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના અધ્યક્ષ સુરેશ કલમાડીને તિહાર જેલના સળિયા ગણવા પડયા હતા. આજે તે ભલે જેલમાં નથી પણ તેમના નામનું ભૂત ફરી એક વાર ધૂણ્યું છે અને તેને કારણે કેન્દ્રનું ખેલકૂદ મંત્રાલય અને ઓલિમ્પિક એસોસિયેશન આમનેસામને આવી ગયાં છે.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના આશ્રયે ૨૦૧૪માં દિલ્હી ખાતે સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ (સાફ ગેમ્સ)નું આયોજન થનાર છે. આ માટે ઓલિમ્પિક સંઘ દ્વારા બધા જ પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ગેમ્સના આયોજન માટે ત્રણ વર્ષ પહેલાં જ્યારે દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારે ખેલકૂદ મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી. પણ હવે ખેલકૂદ મંત્રાલયે આયોજનની તારીખોમાં ફેરફાર કરવાની અને એસોસિયેશનના કલંકિત અધ્યક્ષ કલમાડીને તેના પદેથી બરતરફ કરવાની માગણી કરી છે.

કેન્દ્રના ખેલકૂદ મંત્રી અજય માકને ભારતીય ઓલિમ્પિક સંઘના કામચલાઉ અધ્યક્ષ વી.કે. મલહોત્રાને પત્ર લખીને જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સમાં કરોડોનું કૌભાંડ આચરનાર સુરેશ કલમાડીની હકાલપટ્ટી કરવામાં આવશે નહીં તો સરકાર એવું માનશે કે કલંકિત પ્રમુખ વિના ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન કોઈ સફળ આયોજન કરી શકે તેમ નથી. કલમાડી જ્યાં સુધી તેમના હોદ્દા પર રહેશે તે સ્થિતિમાં IOA પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કલમાડીને પ્રમુખપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવી જ જોઈએ, જે ભારતના ખેલકૂદના હિતમાં હશે.

ભારતના ઓલિમ્પિક સંઘના કામચલાઉ અધ્યક્ષ વી.કે. મલહોત્રાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સાફ ગેમ્સનું સમયસર આયોજન નહીં થાય તો તે આપણા માટે શરમજનક હશે. ખેલકૂદ મંત્રીનું નિવેદન હાસ્યાસ્પદ છે. ઉલ્લેખનીય છે કે રોટેશનના આધારે ૨૦૧૩ના જાન્યુઆરીમાં નવી દિલ્હી ખાતે સાફ ગેમ્સનું આયોજન કરવા માટે ખેલકૂદ મંત્રાલયે લીલી ઝંડી આપી હતી. પણ હવે કલમાડીનો મુદ્દો અને ચૂંટણીનો મુદ્દો બતાવીને રમતોને પાછી ઠેલવાની વાત કરી છે. સરકારે એવું પણ કારણ બતાવ્યું છે કે ૨૦૧૩માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ હોવાને કારણે રમતોનું આયોજન ૨૦૧૪ના અંતમાં જ કરી શકાય.

ખેલકૂદ મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘ સાફ ગેમ્સના આયોજનને મુદ્દે આમને સામને આવી ગયાં છે. જોકે આવું પહેલી વાર નથી બન્યું, અગાઉ ઘણા બધા પ્રસંગો નોંધાયા છે પણ ૧૯૯૩માં પણ સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓના મુદ્દા પર ખેદકૂદ મંત્રાલયના મંત્રી મુકુલ વાસનીકના નિવેદનને લીધે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓમાં જાહેરમાં રોષ વ્યક્ત કર્યો હતો.

ખેલકૂદ મંત્રી સુરેશ કલમાડીને અધ્યક્ષપદેથી હટાવવાની વાત કરે છે, પણ તેમનાં કાળાં કારનામાં વિશે ત્રણ ત્રણ ખેલકૂદમંત્રીઓ-સુનીલ દત્ત, મણિશંકર ઐયર અને એમ.એસ. ગિલે પ્રધાનમંત્રીનું ધ્યાન દોર્યું હતું ત્યારે કેમ કોઈ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં ન હતાં?

ખેલકૂદ મંત્રાલયે જે કામ કરવાનું છે તે નથી કરતું, દેશના ટોચના ખેલાડીઓને પૂરતી સુવિધાઓ નથી મળતી તે વાત તેમની નજરમાં નથી આવતી. તાજેતરમાં જ તુર્કી ખાતે યોજાયેલ આર્ચરી (તીરંદાજી) વર્લ્ડકપમાં ભારતના તીરંદાજ અભિષેક વર્માનું ધનુષ તૂટી ગયું હતું જેને કારણે તેને હારનો સામનો કરવો પડયો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા બીજા દેશોના દરેક ખેલાડી પાસે ત્રણ ત્રણ ધનુષ હતાં, જ્યારે આપણા ખેલાડીઓને ફક્ત એક જ ધનુષ હતું. ખેલકૂદ મંત્રાલય આ કેમ દેખાતું નથી?          

સાતમો બોલ

કેદીઓના મનોરંજન માટે જેલમાં ઇન્ટરબ્લોક સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે. કલમાડી તિહાર જેલમાં હતા તે વખતે યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં કેદીઓ કબડ્ડી - કબડ્ડી ને બદલે કલમાડી, કલમાડી, કલમાડી બોલતા હતા!

newsvnm@yahoo.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com