ન્યૂયોર્ક, તા. ૨૦
ઝુકરબર્ગનાં પ્રભુતામાં પગલાં
સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુકના અબજપતિ સ્થાપક માર્ક ઝુકરબર્ગ શનિવારે બપોરે તેનાં કેલિફોર્નિયાસ્થિત ઘરે તેની ચાઇનીઝ ગર્લફ્રેન્ડ પ્રિસિલા ચાન સાથે લગ્નના તાંતણે બંધાયો હતો. ઝુકરબર્ગે તેનાં જીવનની આ મહત્ત્વપૂર્ણ ઘટના વિશે ફેસબુક ટાઇમલાઇનમાં લખ્યું છે.
- મહેમાનોને ખબર જ નહોતી કે તેઓ ઝુકરબર્ગનાં લગ્નમાં જઈ રહ્યા છે
- ઝુકરબર્ગની ગર્લફ્રેન્ડનાં ગ્રેજ્યુએશનની પાર્ટી રાખી હોવાનું કહી આમંત્રિત કરાયા હતા
કેલિફોર્નિયામાં આવેલા 'પાલો અલ્ટો' ઘરે એક નાનકડી પ્રાઇવેટ સેરેમની આયોજિત કરવામાં આવી હતી, જેમાં ૧૦૦થી પણ ઓછાં મહેમાનોને આમંત્રિત કરાયા હતા. ખાસ વાત તો એ છે કે, લગ્નમાં હાજર રહેલા મહેમાનોને ચાનનાં ગ્રેજ્યુએશનની પાર્ટી હોવાનું કહી બોલાવાયાં હતાં અને તેઓ જ્યારે પહોંચ્યાં ત્યારે તેમને ઝુકરબર્ગ અને ચાનનાં લગ્ન વિશે જણાવાયું હતું. લગ્ન પૂરાં થયા બાદ બંને જણે એકબીજાના હાથમાં હાથ પરોવીને ઘરનાં કમ્પાઉન્ડમાં આવી ફોટા પડાવ્યા હતા. ફેસબુક પર આ નવદંપતીની સ્મિત આપતી તસવીર પણ મૂકવામાં આવી છે, જેમાં ઝુકરબર્ગે સાધારણ વાદળી રંગનું સૂટ, સફેદ શર્ટ અને ટાઇ પહેર્યાં છે. ઝુકરબર્ગને આ વખતે તેના હૂડી અને જિન્સના ટ્રેડમાર્કમાંથી બહાર આવીને સૂટ પહેરેલો જોઈ શકાતો હતો જ્યારે ચાન સફેદ સ્લિવલેસ વેડિંગ ગાઉન પહેરેલી દેખાય છે. ઝુકરબર્ગ અને ચાનની મુલાકાત હાર્વર્ડમાં થઈ હતી, તેઓ અહીં સાથે ભણતાં હતાં અને નવ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં.
એક કલાકમાં ૩,૬૮,૦૦૦ લોકોએ લગ્ન 'લાઇક' કર્યાં
ઝુકરબર્ગ દ્વારા લગ્નની તસવીર મૂકી સ્ટેટસ અપડેટ કરાયા બાદ એક કલાકમાં જ ૩,૬૮,૦૦૦ ફેસબુક યુઝર્સે તેને લાઇક કરી હતી, ઉપરાંત નવદંપતીને લગ્નની શુભેચ્છા આપવા ૯૦ કરોડ ફેસબુક યુઝર્સ લોગઓન થયા હતા. ઝુકરબર્ગે પણ પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'મેરિડ પ્રિસિલા ચાન'. તો ચાને પણ તેના ફેસબુક પેજ પર રિલેશનશિપ સ્ટેટસ અપડેટ કરતાં લખ્યું છે કે, 'મેરિડ ટુ માર્ક ઝુકરબર્ગ'.
ફેસબુક નહોતું ત્યારથી ચાન ઝુકરબર્ગની સાથે હતી
૨૭ વર્ષીય ચાને તાજેતરમાં જ સાનફ્રાન્સિસ્કોમાં યુનિર્વિસટી ઓફ કેલિર્ફોિનયાની મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુશન પૂર્ણ કર્યું છે. વર્ષ ૨૦૦૪માં બંને જણ હાર્વર્ડમાં સાથે ભણતાં હતાં. આ સમય દરમિયાન ઝુકરબર્ગના ફેસબુક કોન્સેપ્ટને સફળતાપૂર્વક પાર પાડવામાં મદદરૂપ થનારાં લોકોમાં ચાનની પણ મુખ્ય ભૂમિકા હતી.
આમ તો આ કપલ મહિનાઓથી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યું હતું, પરંતુ તેઓ ચાનનું ગ્રેજ્યુશન પૂરું થાય તેની રાહ જોઈ રહ્યાં હતાં.
ઝુકરબર્ગે આખરે સૂટ પહેર્યો
કંપનીની કોઈ મીટિંગ હોય કે અન્ય કોઈ ઇવેન્ટ, ઝુકરબર્ગ હંમેશાં હૂડી અને જિન્સમાં જ જોવા મળે છે, એ તો ઠીક એક દિવસ પહેલાં પોતાની કંપનીના સૌથી મોટા આઇપીઓ માર્કેટમાં લાવતી વખતે મોટી હસ્તીઓ વચ્ચે પણ તેણે જિન્સ અને હૂડી પહેર્યાં હતાં, પણ આ વખતે તેણે આ ટ્રેડમાર્કમાંથી બહાર આવીને સૂટ પહેર્યો હતો. તો બ્રાઇડ ચાને પણ સફેદ સ્લિવલેસ વેડિંગ ગાઉન પહેર્યો હતો.