ગાંધીનગર, તા. ૨૦
ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી આજે આવેલા વિવિધ સમાજના આગેવાનો સાથે મુક્ત રીતે વાતચીત કરતાં પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલે એવો વિશ્વાસ આપ્યો હતો કે, રાજ્યના વિવિધ સમાજના આગેવાનોએ મારા પ્રતિ વ્યક્ત કરેલા ભરોસાને તૂટવા દઇશ નહીં.
- રવિવારે પણ કોળી, પાટીદાર, રબારી, ઠાકોર સમાજના અગ્રણીઓના ધાડે ધાડા ઉતરી પડયા
- પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને પણ કોળી સમાજની બેઠક મળી, કોળી સમાજને અન્યાય સાંખી લેવાશે નહીં
કેશુભાઇ પટેલની સક્રિયતા સામે ભાજપમાંથી ગુપ્ત રીતે એવી વાતો વહેતી કરવામાં આવી રહી છે કે તેઓ પર હવે કોઇને ભરોસો નથી તેની સામે પોતાની સ્થિતિને સ્પષ્ટ કરતાં બાપાએ આજે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેઓ આ લડાઇને અંજામ સુધી પહોંચાડશે. શનિવારે ભાજપના નારાજ જૂથના નેતાઓ સાથે સુરતમાં બેઠક યોજ્યા બાદ આજે સવારથી જ ગાંધીનગરમાં કેશુભાઇ પટેલના સત્તાવાર નિવાસસ્થાન કે-૧૬ ખાતે રાજ્યના વિવિધ શહેરો, ગામોમાંથી અગ્રણીઓનો મેળાવડો જામ્યો હતો. સવારે ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર, રબારી સમાજના આગેવાનો આવ્યા હતા. બપોર બાદ પણ પાટીદાર, કોળી સમાજના આગેવાનો ઉમટી પડયા હતા. આજે દિવસ દરમિયાન બાપાના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપનું નામ લીધા વગર રાજ્યમાં છેલ્લા દસ વર્ષના શાસનની દિશા અને દશા કેવી છે તેની નિર્ભિક રીતે ટીકા કર્યા બાદ એકાએક સમગ્ર રાજ્યમાં એક રાજકીય હલચલ મચી ગઇ છે. અનેક સાઇડલાઇન કાર્યકરો, અગ્રણીઓમાં એક નવો સંચાર જોવા મળ્યો છે અને તેના લીધે હવે ધીમે ધીમે આ સમુહ બાપાને મળીને માર્ગદર્શન માટે રૂબરૂ મળવા આવી રહ્યો છે. ઉ.ગુજરાતના રબારી અને ઠાકોર સમાજે પણ પોતાના સમાજના સંમેલનોમાં હાજર રહીને માર્ગદર્શન આપવા માટે આમંત્રણ આપ્યું હતું તેનો કેશુભાઇએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. કેશુભાઇએ સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે, 'તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તમામ સમાજને સાથે રાખીને ચાલતા હતા.
હાલ પણ તમામ સમાજે તેમનામાં જે ભરોસો મૂક્યો છે તેને હવે તેઓ તૂટવા દેશે નહીં.' બાપાના આ વાક્યથી સમાજના અગ્રણીઓમાં એક નવો જુસ્સો જોવા મળ્યો હતો. બપોર પછી કેટલાક પાટીદાર અને કોળી સમાજના આગેવાનો પણ તેમને મળ્યા હતા અને પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સૌને બાપાએ કામે લાગી જવા માટે સૂચના આપી હતી. અન્યાય સામે હવે કોઇપણ રીતે નહીં ઝૂકવાનો ઇશારો તેમણે કર્યો હતો.
રાજ્યના કોળી સમાજના આગેવાન અને વર્તમાન સરકારમાં મત્સ્ત્યોદ્યોગ રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને આજે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. સત્તાવાર રીતે કોળી ભવન માટે ગાંધીનગરમાં જમીન અંગે ચર્ચા કરવા બેઠક યોજાઇ હતી. છેલ્લા કેટલાય સમયથી સોલંકીની ભાજપ અને સરકારમાં થઇ રહેલી અવગણના, કોર્ટ કેસમાં ભેરવી દેવાની પેરવી વગેરે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. અહીં નોંધવુ જરૂરી છે કે, સોલંકીની ઘોઘા બેઠક નવા સીમાંકનમાં સમાપ્ત થઇ ગઇ છે બીજી તરફ નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરની પાલિકાના શંકરભાઇ વેગડને રાજ્યસભામાં મોકલીને કોળી સમાજના નવા નેતા તરીકે પ્રમોટ કરી રહ્યા હોવાથી સોલંકીનો સમર્થક સમાજ નારાજ છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં કોળી સમાજની નવેસરથી એક બેઠક મળનાર છે તેમાં સ્થિતિ સ્પષ્ટ થનાર છે. કોળી સમાજના કેટલાક અગ્રણીઓએ કેશુભાઇની મુલાકાત પણ લીધી હતી.