સુરત, તા. ૨૦
સુરત-ડુમસ રોડ પર એરપોર્ટથી લંગર સુધીનો માર્ગ સિમેન્ટ કોન્ક્રિટનો બનાવવામાં આવશે. આ સિવાય લંગરથી કાંઠા સુધીનો રસ્તો પણ સીસી રોડ હેઠળ આવરી લેવાશે. પેકેજ આઠ હેઠળ આ બે માર્ગને સીસી રોડમાં ફેરવવાનો રૂ. ૩૧.૭૪ કરોડનો અંદાજ તૈયાર થયો છે. જાહેર બાંધકામ સમિતિ ૨૨મીએ આ અંદાજને મંજૂરી આપશે.
- લંગરથી કાંઠા સુધીનો ૫૦૦ મીટરનો રસ્તો પણ સીસી રોડનો બનશે
- ડુમસના બે રોડને સીસી રોડમાં ફેરવવા પાછળ રૂ. ૩૨ કરોડનો ખર્ચ થશે
શહેરના ૧૫૦ ફૂટ પહોળા તમામ માર્ગોને સિમેન્ટ કોન્ક્રિટમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે. કાંઠા વિસ્તારમાં દર શનિ અને રવિ વાહનોની ભારે અવર-જવર રહે છે. આ સિવાય આ વિસ્તારની વિવિધ ટીપી સ્કીમોને રાજય સરકારે ડ્રાફટ સ્કીમ તરીકે મંજૂરી આપી છે. આ નવો વિસ્તાર હોવાથી રસ્તા નીચે લાઇન શિફ્ટિંગનો પ્રશ્ન સૌથી ઓછો રહે છે. પાલિકાએ પેકેજ પાંચ હેઠળ પીપલોદ હવેલીથી એરપોર્ટ સુધીનો રસ્તો સિમેન્ટ કોન્ક્રિટમાં ફેરવવાની કામગીરી મંજૂર કરી છે જેને પગલે એરપોર્ટથી ડુમસ લંગર સુધી તથા લંગરથી કાંઠા સુધીનો રસ્તો સીસી રોડ હેઠળ આવરી લેવાયો છે. એરપોર્ટ થી લંગર સુધીનો રસ્તો ૬૦ મીટર પહોળો છે. ૪.૫ કિલોમીટર લાંબા આ માર્ગની વચ્ચે બે મીટર પહોળાઇમાં રોડ ડિવાઇડર બનાવવામાં આવશે અને રોડ ડિવાઇડરની બંને તરફ ૧૦.૫-૧૦.૫ મીટર પહોળાઇમાં સીસી રોડ બનાવવામાં આવશે. એ જ પ્રમાણે ડુમસ લંગરથી કાંઠા સુધીનો રસ્તો ૫૦૦ મીટરનો છે. આ રસ્તો ૪૫ મીટર પહોળો છે જેને રોડ ડિવાઇડરની બંને તરફ ૧૦.૫ મીટર પહોળાઇમાં સીસી રોડમાં ફેરવવામાં આવશે. આ માર્ગને સીસી રોડમાં ફેરવતા પહેલા જંગલ ખાતાની મંજૂરી લેવી પડશે.શહેરમાં સીસી રોડના બે ટેન્ડર સ્થાયી સમિતિમાં દફતરે થયા બાદ શહેરમાં સીસી રોડની કામગીરી ધીમી પડી છે. પાંડેસરા જીઆઇડીસીમાં સીસી રોડની કામગીરી માટે રૂ. ૫૬ કરોડનું ટેન્ડર સ્થાયી સમિતિએ દફતરે કર્યું હતું. બીઆરટીએસ કોરિડોરના ઇજારદાર કયુબ કન્સ્ટ્રકશન પાંડેસરા જીઆઇડીસીમાં સીસી રોડની કામગીરી માટે લોએસ્ટ રહેતા ભાજપ શાસકોએ ટેન્ડર દફતરે કર્યું હતું જ્યારે પેકેજ પાંચની કામગીરી અંતર્ગત રોહિત ઇન્ફ્રા નામના ઇજારદારે વર્કઓર્ડર મળ્યાના છ છ મહિના સુધી કામગીરી શરૂ નહી કરતા ગઇ કાલે જ ઇજારદારને પાંચ વર્ષ માટે કાળી યાદીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.