Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:29:47 PM IST
 

લાઇનદોરી મુદ્દે બેગમપુરામાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

May 21, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 484
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા. ૨૦

માર્કેટ વિસ્તારના મળતિયાઓને બખ્ખા કરાવવા બેગમપુરા લાઇનદોરીનો પાલિકાએ ઇરાદો જાહેર કર્યો છે. પાલિકાના આ ઇરાદાથી બેગમપુરા મુંબઇવડથી સહારા દરવાજા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના હોંશકોંશ ઊડી ગયા છે. આ મામલે લડતના મંડાણ થયા છે. અસ્તિત્વની આ લડાઇ મક્કમતાથી આગળ ધપાવવા આજે નવાબવાડી ખાતે શેરીસભાનું આયોજન કરાયું હતું. આ શેરીસભામાં સેંકડો લોકો હાજરીથી લડતમાં જોશ ઉમેરાયો હતો. સભા અંતર્ગત સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનોની હાજરીમાં તબક્કાવાર લડત આક્રમક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

  • વિરોધ કરવા શેરીસભામાં સેંકડો લોકો આગળ આવ્યા
  • પોતિકા ઘર માટે જરૂર પડશે તો અનશન કરવા સુધીની તૈયારી

બેગમપુરા મુંબઇવડથી સહારા દરવાજા સુધીના માર્ગ ઉપર ૬૦ ફૂટની લાઇનદોરી માટે પાલિકાએ વાંધા-સૂચનો મંગાવ્યા છે. પાલિકાની આ હરકતથી સ્થાનિક રહીશો હતપ્રભ થઇ ચૂક્યા છે. દાયકાઓથી જન્મજાત આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ અસ્તિત્વને મુદ્દે કરો યા મરોની લડાઇ છેડી છે. લાઇનદોરીની જાહેર નોટિસ બાદ સમગ્ર વિસ્તારમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ છે. આ મુદ્દે વિરોધનો જ એક સૂર જણાતાં આજે સવારે નવાબવાડી ખાતે શેરીસભાનું આયોજન કરાયું હતું. આ શેરીસભામાં સેંકડોની સંખ્યામાં અસરગ્રસ્ત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તમામે એક જ શબ્દોમાં પાલિકાતંત્રના આ નિર્ણયને વખોડી કાઢયો હતો. તંત્રને આ મેલી હરકત બદલ બરાબર શાબ્દિક ચાબખાં મારવામાં આવ્યા હતા. આ લાઇનદોરીનો કોઇ પણ સંજોગોમાં અમલ નહીં થાય તે માટે ઉગ્ર આંદોલન ઉપાડવાની વાત કરી હતી.આ વિસ્તારના સ્થાનિક નગરસેવકો રાકેશ માળી, જયંતીલાલ તાળિયા, દક્ષા જરીવાલા અને માજી કોર્પોરેટર હીના કાબરાવાલાએ લડતના અંત સુધી સ્થાનિક પ્રજાની સાથે ખભેખભા મિલાવી સાથ આપવાનું વચન આપ્યું હતું. સભા અંતર્ગત વાંધા-અરજી ઉપરાંત શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિ અધ્યક્ષને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. કોઇ પણ સંજોગોમાં આ લાઇનદોરનો અમલ નહીં થાય તે માટે તમામે એક અવાજે ગમે તે ઘડીએ ભેગા થઇ જવાનું નક્કી કર્યું હતું. સભા અંતિમ ચરણમાં સ્થાનિક આગેવાનોએ જરૂર પડયે તબક્કાવાર આંદોલન તેજાબી બનાવવાની જાહેરાત કરી હતી. લડતને મક્કમતાથી ચલાવવા એક કમિટી બનાવાઇ હતી. આ કમિટીમાં વિસ્તાર પ્રમાણે આગેવાનોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. સભા અંતર્ગત કોઇ પણ સંજોગોમાં મિલકતો ઉપર બુલડોઝર નહીં ફરવા દઇએ તે માટે તમામે એક જ રાગ આલાપ્યો હતો.

પ્રેસિડન્સીમાં પણ કરન્સીની જ બોલબાલા

સુરત, તા. ૨૦

શહેરની શાળાઓમાં ફી વધારાનું ભૂત ધૂણી રહ્યું છે. ફી વધારો કરવામાં બેફામ બનેલી શાળાઓએ વિદ્યાર્થી, વાલીઓનું હિત નેવે મૂકીને આગામી સત્રથી ધરખમ ફી વધારો ઝીંકવાનો તખતો ઘડી ગયો છે, જેને કારણે વાલીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જે અંતર્ગત કેટલીક શાળાઓએ તો વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ કે આગોતરી જાણ કર્યા વિના જ ફી વધારો ઝીંકી દીધો છે. શિક્ષણ બોર્ડના નિયમોની ઐસીતૈસી કરનારી શાળાઓમાં થયેલા ફી વધારાના વિરોધમાં યૂથ કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું, તેમ છતાં શિક્ષણાધિકારીની સંપૂર્ણ નિષ્ક્રિયતાને પગલે શાળા સંચાલકો મનસ્વી રીતે ફી વધારો કરવા તત્પર થઇ ગયા છે.

  • પ્રાથમિક શિક્ષણ માટે લેવાતી ફીમાં વિદ્યાર્થીદીઠ રૂ. ૧૦૦૦ વધારી દેવાયા
  • પૂરેપૂરી ફી વસૂલ કરી અડધી રકમની જ રસીદ આપવામાં આવતી હોવાની રાવ

શહેરની કેટલીક શાળાઓએ તો વાલીઓનાં ખિસ્સાં ખંખેરવાની સોપારી લીધી હોય તેમ આગામી સત્રથી આડેધડ ફી વસૂલવાની તૈયારી કરી દીધી છે. આડેધડ વસૂલતી શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં અડાજણ વિસ્તારની પ્રેસિડન્સી અને સંસ્કાર ભારતી સ્કૂલ સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. આ બંને જાણીતી શાળાઓમાં આગામી સત્ર માટે નક્કી કરાયેલી ફીની રકમમાં ૧૫ ટકાનો તોતિંગ વધારો કરી દેવાયો છે. કયાં કારણોસર વાલીઓના ખભે આ વધારાનો આર્થિક બોજ નાંખી દેવામાં આવ્યો તેની વાલીઓને કોઇ જાણ કરવામાં આવી નથી. સંસ્કાર ભારતી શાળામાં જંગી રકમનો વધારો કરાયો છે. તો પ્રેસિડન્સી શાળામાં પણ કરન્સીની જ બોલબાલા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.

સરસ્વતીના નામે લક્ષ્મીનો ખેલ કરતી સંસ્થાઓ સામે શહેરભરમાં કચવાટ ફેલાયો છે. વિવિધ વિસ્તારોમાં આવેલી અને જાણીતી શાળાઓમાં પ્રતિવર્ષ ફીની રકમમાં વધારો કરવાની પ્રથા પડી ચૂકી છે. આ નવા રિવાજના બંધનમાં અડાજણની જાણીતી પ્રેસિડન્સી સ્કૂલ અને સંસ્કારભારતી શાળા પણ બંધાઇ ચૂકી છે. આ બંને શાળાઓમાં પ્રાથમિક શિક્ષણના નામે વાલીઓ પાસેથી તગડી રકમ ખંખેરાઇ રહી છે. પ્રેસિડન્સી સ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રાથમિક શિક્ષણના નામે રૂ. ૮૬૦૦ વિદ્યાર્થી દીઠ વસૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ રકમ રૂ. ૭૬૦૦ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. ક્યા કારણોસર ફીની રકમના વધારો કરી દેવાયો તે અંગે વાલીઓ પણ અસમંજસભરી સ્થિતિમાં આવી ગયા છે.

ઉપરાંત, સંસ્કારભારતી શાળામાં પણ ગયા વર્ષે બન્ને સત્રોમાં લેવાયેલી ફીની સામે આગામી સત્રથી ૧૫ ટકાનો વધારો ઝીંકવાની તૈયારી કરી દેવાઇ છે. આમ, વિવિધ શાળાઓમાં થનાર ફી વધારા સામે જિલ્લા શિક્ષણાધિકારી બેધ્યાનપણે તમાશો જોઇ રહ્યા છે અને તેમની નિષ્ક્રિયતાનો લાભ ઉઠાવીને શાળાઓ વાલીઓને લૂંટી રહી છે.

કમ્પ્યુટર ફી, આઇકાર્ડ અને યુનિફોર્મમાં રીતસરની લૂંટ

શહેરની શાળાઓમાં શૈક્ષણિક ફીમાં થનારા વધારા સિવાય કમ્પ્યુટર ફી, આઇકાર્ડ ફી અને યુનિફોર્મની રકમમાં પણ વાલીઓને લૂંટી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળાઓમાં અઠવાડિયે માંડે બે દિવસ કમ્પ્યુટર લેબમાં લઇ જવામાં આવે છે. તે સામે સમગ્ર સત્રની કમ્પ્યુટર ફી વસૂલાઇ છે. વાસ્તવમાં અન્ય વિષયોની સરખામણીએ કમ્પ્યુટર ફી વધુ હોય છે છતાં કમ્પ્યુટરનું શિક્ષણ ઓછું અપાઇ છે. જ્યારે ૧૦ રૂપિયાના આઇકાર્ડની સામે વાલીઓ પાસે ૨૦ અને ૪૦૦ રૂપિયાના યુનિફોર્મ માટે વાલીઓ પાસેથી ૧૨૦૦થી ૨૦૦૦ રૂપિયા ખંખેરાઇ છે. આમ, શાળાઓ કમ્પ્યુટર ફી, આઇકાર્ડ અને યુનિફોર્મ બાબતે પણ વાલીઓને લૂંટે છે. જોકે, શાળાઓની આવી લાલચભરી નીતિ સામે જિલ્લા શિક્ષણાધિકારી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે એ શરમજનક બાબત છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com