નવી દિલ્હી, 22 મે
ભોજપુરી ફિલ્મ નિર્માતાઓની ઈચ્છા હવે જલ્દી પૂરી થવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે લગભગ આઠ દસ વર્ષોથી બિહારમાં બનતી ભોજપુરી ફિલ્મોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ઝારખંડના નિર્માતાઓ પટનામાં સેંસર બોર્ડની રિઝનલ ઓફિસ બનાવવાની માંગણી કરી રહ્યાં હતાં.
આ મામલે સેંસર બોર્ડ ઓફ મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગને મોકલવામાં આવેલ પ્રપોઝલમાં ઝડપથી પ્રોસેસ થઈ રહી છે. ગત્ સપ્તાહે આઈબી મિનિસ્ટર અંબિકા સોનીએ આ મામલે ચર્ચા પણ કરી હતી, જેનાં પગલે આ વર્ષનાં અંત સુધીમાં પટનામાં સેંસર બોર્ડ બને તેવી શક્યતાઓ ઉભી થઈ છે.
હકીકત એવી છે કે મનોજ તિવારી સ્ટારર ફિલ્મ 'સસુરા બડા પઈસે વાલા' ને બિહાર, યુપી અને દિલ્હી સિવાયનાં મોટા સેન્ટરો પરથી મળેલી સફળતા બાદ ભોજપુરી ફિલ્મો બનવાનો ક્રેઝ વધી ગયો છે. પહેલાં બિહારમાં વર્ષ દરમિયાન માત્ર 20 થી 25 ફિલ્મો બનતી હતી, જેની સંખ્યા હવે વધીને 60 જેટલી થઈ ગઈ છે.