દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
૨૭મી જુલાઈથી ૧૨ ઓગસ્ટ, ૨૦૧૨ દરમિયાન યોજાનાર લંડન ઓલિમ્પિક વખતે દુનિયાભરમાંથી લાખો લોકો લંડન ઊતરી આવશે. બ્રિટિશ પોલીસ સામે મુખ્ય બે પડકાર છે. આતંકવાદ અને સેક્સ બિઝનેસ. આખા વિશ્વમાંથી સેક્સ વર્કર્સની મોટી ફોજ બ્રિટનમાં ઊતરી આવે એવી શંકા છે. આંતરરાષ્ટ્રીય રમતોત્સવ વખતે હજારો માસૂમ અને અંડર એજ એટલે કે ૧૮ વર્ષથી નાની છોકરીઓને જબરજસ્તીથી આવા ધંધા કરવા મજબૂર કરવામાં આવે છે. સેક્સ સાથે હવે તો સ્વાસ્થ્યની પણ સમસ્યા છે. સ્પોટ્ર્સ તો હજુ શરૂ થાય ત્યારે પણ સેક્સ બિઝનેસ અત્યારથી ધમધમવા લાગ્યો છે
લંડન ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તારીખ ૨૭મી જુલાઈથી ૧૨ ઓગસ્ટ, ૨૦૧૨ દરમિયાન યોજાનાર ઓલિમ્પિક મહોત્સવને અત્યારે ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. આ ખેલ મહાકુંભ વિના વિઘ્ને પાર ઊતરે એ માટે બ્રિટનનું સમગ્ર તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. રમતમાં ભાગ લેવા આવનાર ખેલાડીઓ અને સ્પોટ્ર્સની મજા માણવા આવનાર દર્શકોને કોઈ મુશ્કેલી ન નડે તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે.
ઓલિમ્પિક વિલેજમાં વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બ્રિટનની આબરૂ દાવ પર લાગી છે અને વી આર ધી બેસ્ટની સાબિતી આપવા બ્રિટન કોઈ કસર છોડવા માંગતું નથી. સ્પોટ્ર્સ ઇવેન્ટ્સ રંગેચંગે પાર પાડવા એ બ્રિટન માટે કોઈ અઘરી વાત નથી. બ્રિટન ગવર્નમેન્ટને જો કોઈ વાતની ચિંતા હોય તો એ બે વસ્તુની છે એક તો આતંકવાદ અને બીજો સેક્સ બિઝનેસ.
અમેરિકા અને બ્રિટન આતંકવાદીઓના હીટ લિસ્ટમાં ટોપ ઉપર છે.
ઓલિમ્પિક દરમિયાન કોઈ જ આતંકવાદી ઘટના ન બને એ માટે બ્રિટિશ ઇન્ટેલિજન્સ અને પોલીસ નાનામાં નાની બાબતોને ચોકસાઈપૂર્વક તપાસે છે. બ્રિટનમાં આવતી તમામે તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ થાય છે. દરેક ભેદી હિલચાલને અત્યંત ગંભીરતાથી લેવાય છે. પરિન્દા ભી પર નહી માર સકતા એવી જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અલબત્ત, આતંકવાદ ઉપરાંત જો કોઈ માથાના દુખાવા જેવું હોય તો એ છે સેક્સ બિઝનેસ.
રમત વખતે થતા શરીરના સોદાઓને કેવી રીતે રોકવા તેની મથામણ લાંબા સમયથી ચાલે છે. આખી દુનિયાની ધંધાદારી યુવતીઓ કોઈ ને કોઈ બહાને લંડન પહોંચી રહી છે. યુરોપની એસ્કોર્ટ એજન્સીઓ સક્રીય થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ પણ ટુર્નામેન્ટ હોય ત્યારે સેક્સ બિઝનેસ સોળે કળાએ ખીલી ઊઠે છે.
ઓલિમ્પિકમાં ભાગ લેવા આવતા ખેલાડીઓને પણ રૂપલલનાઓથી બચાવવાના હોય છે. ખેલાડીઓને માટે તો કડક નિયમો છે પણ દર્શકોને કેવી રીતે રોકવા?
લંડનની એસ્કોર્ટ એજન્સીના એક સંચાલકે કહ્યું કે જે લોકો રમત જોવા આવે છે તેને માત્ર ખેલનો જ રોમાંચ નથી અનુભવવો હોતો. એ સિવાયની મજા પણ કરવી હોય છે. મેચ પતી જાય પછી શું કરવાનું? આ સમય દરમિયાન લીકર અને બીયરની ખપતમાં જબરજસ્ત ઉછાળો આવે છે. તો પછી અમારો ધંધો શા માટે પાછળ રહે? આવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ તો અમારા માટે કમાવાની ઉત્તમ તક જેવી છે.
ઓલિમ્પિક અને ફૂટબોલ વર્લ્ડ કપ બે એવા પ્રસંગો છે જ્યારે રૂપલલનાની મોસમ આવે છે. અલબત્ત, સિક્યોરિટી એજન્સીઝ આખી ઘટનાઓને જુદી રીતે જુએ છે. તેઓ કહે છે કે આવા પ્રસંગોએ દુનિયાભરની માસૂમ યુવતીઓને જબરજસ્તીથી ગંદા ધંધામાં ધકેલવામાં આવે છે. કોઈ ને કોઈ બહાને યુવતીઓને લાવીને શરીરના સોદા કરવા મજબૂર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ ફિફા વર્લ્ડ કપ વખતે ૪૦ હજાર યુવતીઓને જબરજસ્તીથી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવામાં આવી હતી. એક વખત આવા ધંધાની ઝપટમાં આવી ગયા પછી આવી યુવતીઓની જિંદગી દોઝખ બની જાય છે.
માસૂમ યુવતીઓને આવા ધંધામાં ધરાર ન ઢસડવામાં આવે એ માટે સ્કોટલેન્ડ યાર્ડના ટ્રાફિકિંગ યુનિટને સક્રિય કર્યું છે. બ્રિટનનાં બંદરો અને એરપોર્ટ્સ પર સ્પેશિયલ ટીમ ઊભી કરી દરેક છોકરીઓ ઉપર નજર રખાય છે. ૧૮ વર્ષથી નાની વયની યુવતીઓ આવા ધંધાનો ભોગ ન બને તે માટે પૂરતી તકેદારી રખાય છે.
લંડનની દરેક નાઈટ ક્લબ્સ તથા પબ્સ ઉપર પોલીસની નજર છે. બ્રિટિશ પોલીસના એક અધિકારી કહે છે કે છેલ્લા ૧૮ મહિનાથી પોલીસ ક્લીનિંગ અપ કરી રહી છે. જે લોકો પહેલાંથી આ ધંધામાં સક્રિય છે તેને ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા થોડા સમયમાં પોલીસે ૮૦૦ બ્રોથલ્સ (વેશ્યાગૃહો) ઉપર દરોડા પાડયા છે. અનેક લોકોને પકડીને જેલહવાલે કરાયા છે.
એક તરફ હેલ્થ ઓર્ગેનાઈઝશન્સ સેઈફ સેક્સની મૂવમેન્ટ ચલાવે છે તો બીજી તરફ પોલીસ આવા ધંધાને બને ત્યાં સુધી ઓછી સંખ્યામાં રાખવા પ્રયત્નશીલ છે. સત્તાવાળાઓ કહે છે કે આ મુદ્દો માત્ર સેક્સનો નથી. અમારી દાનત લોકોને જાતીય રોગથી બચાવવાની પણ છે. જો ધ્યાન ન રાખીઓ તો એઇડસ જેવી ખતરનાક બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી જવાનો ખતરો છે.
સેક્સ બિઝનેસની સાથે ડ્રગ્સ બિઝનેસ પણ જોડાયેલો છે. તોફાની તત્ત્વો ડ્રગ્સ લઈને માસૂમ યુવતીઓ ઉપર જાતીય હુમલાઓ કરે છે. યુવતીઓને પણ ડ્રગ્સના રવાડે ચડાવી આવા ધંધા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. ગ્લોબલ એન્ટિ ટ્રાફિકિંગ ઓર્ગેનાઈઝેશને નોંધ્યું છે કે બહુ ઓછી છોકરીઓ પોતાની ઇચ્છાથી આ ધંધામાં આવે છે. પણ તેને કોઈ ને કોઈ રીતે મજબૂર કરીને આવા ધંધા કરાવાય છે. ડ્રગ્સની આદત પાડી દીધા પછી ડ્રગ્સની ખરીદી માટે શરીર વેચવા સિવાય છોકરીઓ પાસે કોઈ રસ્તો બચતો નથી.
હવે તો પાછી સ્થિતિ પણ બદલાઈ છે. માત્ર યુવતીઓ પાસે જ આવા ધંધા કરાવાય છે તેવું નથી ગે કમ્યુનિટીની જરૂરિયાતો સંતોષવા યુવાનોને પણ જબરજસ્તીથી આવા ધંધામાં ધકેલવામાં આવે છે. પોલીસ માટે એ નક્કી કરવું અઘરું બની જાય છે કે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં આવતા લોકોમાં કયા ખરેખરા દર્શકો છે અને કયા લોકો આવા ધંધા માટે આવે છે. કેટલીક છોકરીઓ તો માત્ર લંડન જોવા મળે એ માટે આવા ધંધા કરવા તૈયાર થઈ જાય છે.
કુટણખાનાં ચલાવનાર સ્ત્રીને પણ આપણે ત્યાં 'મૌસી' કહે છે. જ્યારે યુરોપમાં તેની ઓળખ 'મેડમ' તરીકે અપાય છે. આવી જ એક મેડમ છે, મેડમ બેકી એડમ્સ. આ મેડમ ૨૦ વર્ષથી એસ્કોર્ટ એજન્સી(છોકરીઓ સપ્લાય કરવાનો ધંધો) ચલાવે છે. તેણે હમણાં પોતાની આત્મકથા પણ પ્રસિદ્ધ કરી છે. બેકી એડમ્સે હમણાં તેના બ્લોગ ઉપર સેક્સ ટ્રાફિકિંગ એન્ડ ધ ઓલિમ્પિક વિષયનો આર્ટિકલ લખ્યો છે. તે લખે છે કે અમારા ધંધાને લોકો ગંદો ગણે છે પણ અમે પૂરી વફાદારીથી આ ધંધો કરીએ છીએ. અમારા ધંધામાં હરીફાઈ ખૂબ જ છે. અમારે પણ ધંધો ટકાવવા ખૂબ મહેનત કરવી પડે છે. સ્પોટ્ર્સ ઇવેન્ટ વખતે ઉહાપા થાય છે પણ આ કંઈ નવી વાત નથી. દાયકાઓથી નહી પણ યુગોથી આવું બધું ચાલ્યું આવે છે. એટલે જ અમારા ધંધાને ઓલ્ડેસ્ટ પ્રોફેશન ઓફ ધ વર્લ્ડ કહેવાય છે.
૨૦૦૮માં ચીનમાં યોજાયેલા બિજિંગ ઓલિમ્પિક વખતે ચીનની સરકારે લીગલ ગાઈડ લાઈન્સ ફોર ફોરેનર્સ એન્ટરિંગ, એક્ઝિટિંગ એન્ડ સ્ટેઈંગ ઇન ચાઈના ડયુરિંગ ધ ઓલિમ્પિક નામથી એક સૂચના જાહેર કરી હતી અને રમત જોવા આવનારે શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન અને વોર્નિગ આપી હતી. લાખ કોશિશ છતાં પણ ચીન શરીરના સોદાઓને અટકાવવામાં બહુ સફળ થયું ન હતું. હવે લંડન ઓલિમ્પિક વખતે બ્રિટિશ તંત્ર લાલ આંખ કરી અને દંડો ઉગામીને બેઠું છે.
હા, એ વાત સાચી છે કે આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે રોકી શકાતી નથી પણ જેટલી ઓછી રહે એ લોકોના જ હિતમાં છે. સામા પક્ષે આવા ધંધામાં રાતદિવસ રચ્યાપચ્યા રહેતાં તત્ત્વો કહે છે કે ઓલિમ્પિક કે બીજી કોઈ પણ મેચ વખતે માત્ર સ્પોટ્ર્સમાં જ નવા નવા રેકોર્ડ નથી રચાતા. અમે પણ અમારા ધંધામાં નવા રેકડ્ર્ઝ કરીએ છીએ.
લંડનની બોબી પોલીસ આખી દુનિયામાં જાણીતી છે. લોકોની મદદ માટે તૈયાર અને તત્પર રહેતી આ લાડકી પોલીસે બધા લોકોને આવી પ્રવૃત્તિથી દૂર રહેવા પ્રેમથી સમજાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. પોલીસ કહે છે પ્રેમથી જ્યાં સુધી કામ ચાલશે ત્યાં સુધી ચલાવીશું બાકી કાયદો તો છે જ. જોવાનું એ જ રહેશે કે હવે આ 'ચોરપોલીસ' ની રમતમાં કોનું પલ્લું ભારે રહે છે. ઓલિમ્પિકને બે મહિનાની વાર છે પણ બ્રિટનમાં અત્યારથી સેક્સ રેકેટ્સ અને સેક્સ બિઝનેસના કિસ્સાઓ ચર્ચાવા અને ધમધમવા લાગ્યા છે.
kkantu@gmail.com