ભરૂચ :
ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક આજરોજ તા. ૨૩મીના રોજ યોજવામાં આવશે. જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી ટલ્લે ચઢેલ એન.એ.ના પ્રશ્નનો ઉકેલ આ કારોબારીમાં આવે છે કે નહીં તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. જિલ્લા પંચાયત ભરૂચની કારોબારી સમિતિની બેઠક આજરોજ તા. ૨૩મીના રોજ યોજાનાર છે. જિલ્લા પંચાયત છેલ્લા કેટલાય સમયથી કેટલાક પ્રશ્નોને લઇને હંમેશા વિવાદોમાં રહી છે. ક્યારેક જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વચ્ચેનો ગજગ્રાહ હોય કે ક્યારેક એન.એ.ના મુદ્દો. જિલ્લા પંચાયતમાં એન.એ.નો મુદ્દો ટલ્લે ચઢયો છે. અને તે અંગેનો કેસ પણ કોર્ટમાં ચાલી રહયો છે. ત્યારે આ કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દો પુનઃ એકવાર ઉછળે છે કે નહીં તે જોવું રહયુ.
વળી જિલ્લા પંચાયતના પારદર્શી વહિવટ માટે ગત સામાન્ય સભામાં રજીસ્ટર અમલી બનાવવા માટેનો પણ સુઝાવ આપવામાં આવ્યો હતો. તે અમલવારી થઇ છે કે કેમ તે અંગેની જાણ પણ લોકો સમક્ષ કારોબારી બેઠકમાં થઇ જશે.
જિલ્લા પંચાયતોનો વહિવટ પારદર્શી બને તે માટે રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરમાં કારોબારી સમિતિની બેઠક બોલાવવાનુ સુચન કર્યુ છે. ત્યારેથી જાહેરમાં કારોબારી બેઠક મળી રહી છે. આવતી કાલે મળનાર કારોબારી બેઠકમાં ખાસ કરીને જિલ્લા વિકાસના કાર્યોની સાથે સાથે એન.એ.ના મુદ્દાઓ પણ ઉછળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અને આ કારોબારીમાં આ મુદ્દો જ ગરમાગરમ રહે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે. વળી આ કારોબારીમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ મોન્સુન કામગીરી અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળી રહયુ છે.