વડોદરા,તા. ૨૨
શહેર નજીક રણોલી નેશનલ હાઈવે ૮ પર મંગળવારે સવારે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ૧૪ વ્હિલના ટ્રેલરની ટકકર વાગવાના કારણે બાઈક પરથી ફંગોળાયેલા ગોરવાના ૨૧ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. આ વેળાએ પાછળથી આવતી એસ.ટી. બસના ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બ્રેક મારીને સ્ટિયરીંગ ફરાવતાં બસ બાજુના ખાડામાં ઉતરી પડી હતી. સદનસીબે બસમાં મુસાફરોને ઈજા નહોંતી પહોંચી.
- રણોલી પાસે પાછળ આવતી એસટીના ડ્રાઈવરની સમયસૂચકતાથી ત્રિપલ અકસ્માત થતાં રહી ગયો
રોડ પર સર્જાયેલા દ્રશ્યો જોતા એક તબક્કે એવું લાગતું હતું કે બસની ટકકર વાગવાથી બાઈક સવાર યુવકનું મોત થયું છે. પરંતુ હકિકતમાં ટ્રેલરની ટકકર વાગી હતી. ટ્રેલર અને બસનો ડ્રાઈવર વાહનો છોડીને ફરાર થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઈવર રાતે પોલીસ મથકે હાજર થયો હોવાનું જાણવા મળ્યુ છે. છાણી પોલીસે તપાસ શરુ કરી છે.
અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનો ગોરવા ગામમાં રહેતો ગણેશ ઉર્ફે પપ્પુ મહિજી સોલંકી (ઉ વ ૨૧ ) હતો. તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મંગળવારે સવારે તે બાઈક લઈને એન.એચ. ૮ રણોલી પાસેથી પસાર થતો હતો. ત્યારે આ અકસ્માત થયો હતો.