મહેસાણા, તા.૨૪
મહેસાણા તાલુકામાં ઈ-ધરા કેન્દ્રમાં મહેસૂલી રેકર્ડમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓનો ભરાવો થતાં નોંધ નિકાલ ઝુંબેશ હાથ ધરાઈ હતી. કલેકટરે કામગીરીમાં બેદરકારી રાખનાર સર્કલ ઓફિસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ત્રણ સર્કલ ઓફિસરની જવાબદારી સંભાળતાં સર્કલ ઓફિસરને સસ્પેન્ડ કરાતાં મહેસૂલી કર્મચારીગણમાં કચવાટની લાગણી પેદા થવા પામી છે. મહેસાણા તાલુકામાં તત્કાલીન ઈ-ધરા નાયબ મામલતદારોની નિષ્ઠાપૂર્ણ ફરજના અભાવે મહેસૂલી નોંધની અરજીઓનો ભરાવો થવા પામ્યો હતો. જેની રાજય કક્ષાએ મહેસૂલ વિભાગે ગંભીર નોંધ લીધી હતી. ઉપરોકત કામગીરી ખાસ સમય મર્યાદામાં પુરી કરવા કલેકટરને તાકીદ કરાઈ હતી. એક કરતાં બમણી કામગીરી કરનાર કર્મચારીઓ અન્ય ચાર્જના કારણે કાર્યબોજથી અરજદારોને ન્યાય આપી શકતા નથી. મહેસાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં તત્કાલિન કર્મીઓની બંધકચેરીના કારણે કામગીરીનો ભરાવો થયો હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સર્કલ ઓફિસર એફ.વી.શોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરતાં કલેકટરે સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયથી મહેસૂલી કર્મચારીઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે.
ઈ-ધરામાં હંગામી ઓપરેટરની નિમણૂકથી વિવાદ સર્જાયો
રાજયમાં ઈ-ધરા કેન્દ્રોમાં ફરજ બજાવતાં ખાનગી એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરને તાત્કાલિક અસરથી છુટા કરવા મહેસૂલ વિભાગે જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી. ઉપરોકત જગ્યાઓ ભરવા માટે રેવન્યૂ તલાટીઓને કામગીરી સોંપવાની સૂચના અપાઈ હતી. છતાં મહેસૂલ વિભાગના ઉપરવટ જઈ પ્રાન્ત અધિકારી તેમજ મામલતદારે હંગામી કોમ્પ્યુટર ઓપરેટરોને ફરજ સોંપી નવો વિવાદ સર્જયો છે.