મુંબઈ : ૨૪ મે ૨૦૧૨
હિન્દી સિનેમામાં પિતા-પુત્રના સંબંધો પર જૂજ ફિલ્મો બની છે. વળી, જો આવી ફિલ્મો બનાવાઇ છે તો તેમાં પિતા-પુત્રના સંબંધોનું નકારાત્મક પાસું વધુ આક્રમક રીતે ઉજાગર કરાયું છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછા લોકોએ પિતા-પુત્રના સંબંધો પર ઉત્તમ ફિલ્મ બનાવી છે! વિધુ વિનોદ ચોપરાની 'ફેરારી કી સવારી' પણ પિતા-પુત્રના સંબંધ પર આધારિત ફિલ્મ છે.
આ ફિલ્મ અંગે વિધુ વિનોદ ચોપરા કહે છે કે, "કોઇ પણ પિતાનું સ્વપ્ન હોય છે કે, તેના બાળકના સપનાં પૂરા કરે. તેથી 'ફેરારી કી સવારી' સાથે જોડાયેલા તમામ લોકો માટે આ ખાસ ફિલ્મ છે. કારણકે, આ ફિલ્મના શૂટિંગ વખતે અનેક લોકોને તેમના પિતા સાથે જોડાયેલી યાદો તાજી થઇ ગઇ હતી. વળી, કેટલાય લોકો આ ફિલ્મના કેટલાક દૃશ્યો શૂટ કરતી વખતે અત્યંત ભાવુક થઇ ગયા હતા." 'ફેરારી કી સવારી'માં શર્મન જોશી મુખ્ય ભૂમિકામાં છે. શર્મન પણ તેમના પિતાની અત્યંત નજીક છે, અને પોતે પણ એક સારા પિતા છે. શર્મનના પિતા જાણીતા થિયેટર આર્ટિસ્ટ છે. જ્યારે શર્મને તેમને કહ્યું કે, તે પણ અભિનયમાં કારકિર્દી બનાવવા માંગે છે, ત્યારે તેમણે શર્મનને સમર્થન આપ્યું હતું.
આ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણીને ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના પિતાએ પણ તેમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. એટલું જ નહીં, ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ અપાવવા પણ તનતોડ મહેનત કરી હતી.
જીવનમાં ક્યારેક સંતાનોનું સુખ જ પિતાના જીવનનો ઉદ્દેશ બની જતો હોય છે. આ ફિલ્મ જોઇને અનેક યુવાનો મહેસૂસ કરી શકશે કે તેમના પિતાએ તેમના માટે શું ભોગ આપ્યો છે!