આજકાલ - માલિની રાવલ
મગફળીના બીની નિકાસ થતાં તેલના ડબાનો ભાવ રાતોરાત બે હજાર ઉપર પહોંચી ગયો ત્યારે સરકાર સૂતી સૂતી તમાશો જોતી રહી છે અને સામાન્ય માનવી તેલની ઘાણીમાં પીસાઈ રહ્યો છે. લોકો માટે 'ઉપર આભ અને નીચે ધરતી' જેવો ઘાટ ઘડાઈ ગયો, સિંગતેલ ખાવાનું પડતું મૂકી કપાસિયાના તેલ ખાવાનું શરૂ કર્યું. ત્યારે તેના ભાવ પણ આસમાને ચડવા લાગ્યા.
મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે : "શું કરવું સૂઝે નહીં, મન મારું મૂંઝાય, વજ્ર દેહ તે મ્હારો ઢગલો ઢગલો થાય !"
આજે ભારતીય પ્રજાજનોની સ્થિતિ કાંઈક અર્જુન જેવી થઈ ગણાય. ૧૯૯૭માં કહેવાતું હતું કે : તેલની ધાર જોવાનું બંધ કરો, હવે તો તેના ધોધ જુઓ. રૂપિયા ચારસોથી પાંચસોનો ડબો મળતો અને તલનું તેલ તેનાથી એક કે બે રૂપિયા મોંઘું હતું. જો કે તે વખતે પણ સરસવ, કપાસિયા, કરડી, કોપરેલ, સૂરજમુખી, રાઈ વગેરેનું તેલ મળતું હતું, પરંતુ આ બધાં તેલ દવાના વપરાશ માટે જ તે વખતે વપરાતા. તમને ખબર નહીં હોય, પણ એ દિવસોમાં કેરીના ગોટલામાંથી તેલ કાઢવાના પ્રયત્નો થતાં અને તેનું તેલ અમેરિકા જેવા દેશમાં એક્સપોર્ટ પણ થતું. તે દિવસોમાં રાઈસમાંથી અને તમાકુમાંથી પણ તેલ કાઢવામાં આવતું જો કે તે ખાદ્યતેલની જગ્યા કરતાં દવા તરીકે જ કામમાં આવતું.
આજે ગરીબ વર્ગથી અમીરોને ખાદ્યતેલ વગર નથી ચાલતું. રસોઈની શરૂઆત જ તેલથી થતી હોવાથી ખાદ્યતેલ અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. લોકો પોતાનું, એટલે કે પોતાના શરીરનું કોલેસ્ટરોલ ઓછું કરવા સિંગતેલ સિવાયનું કપાસિયા કે સૂરજમુખીના બીયાંનું તેલ ખાવા લાગ્યા છે. જો કે, આ બધાં તેલ ખાવાથી ખાલી ચડતી ઓછી થાય છે અથવા તો હૃદયની નસો બ્લોક થતી અટકે છે તે બધાં દાવા પોકળ સાબિત થયાં છે. હા, સિંગતેલ કે તલના તેલ કે કોપરેલની સરખામણીએ આ તેલ ભાવમાં થોડાં સસ્તાં ખરાં.
૧૯૯૫થી ૨૦૦૦ સુધી દરેક તેલની બ્રાન્ડને મહત્ત્વ વધુ અપાતું, કારણ કે એ વખતે બજારમાં ખાદ્યતેલની પુષ્કળ બ્રાન્ડો જોવા મળતી અને સરવાળે બધાંને પોસાતી બ્રાન્ડ હતી. ત્રીજું કે, દરેક ખાદ્યતેલ ઉત્પાદકોમાં હરીફાઈ રહેતી. આજના દિવસોમાં બ્રાન્ડ કરતાં તેલ સસ્તું મેળવવાનાં ફાંફાં પડી ગયા છે.
ડોક્ટરો લોકોને ઓછું તેલ રસોઈમાં વાપરવાની સલાહ આપે છે, પરંતુ ખુદ ડોક્ટરોના જ ઘરમાં તેઓની મહિલાઓને જ પૂરતા તેલ વગર રસોઈ બનાવવી અઘરી પડી જાય છે. બીજી બાજુ તબિયત અને તેલની મોંઘવારીનો માર પણ સહન કરવો પડે છે.
એક જમાનામાં માત્ર ૧૫ કિલો તેલથી ભરેલો સામાન્ય કે બ્રાન્ડેડ ડબ્બો આજે આ ડબ્બો ૧૫ લિટરનો બની ગયો છે. આશરે દોઢ કિલો તેલ ગ્રાહકને ઓછું મળવા લાગ્યું. આ ઉપરાંત ગ્રાહકોની સુવિધા કાજે તેલિયા રાજાઓએ પાંચ લિટરથી માંડી એક લિટર સુધીના કેરબા કે બોટલના પેકિંગ પણ શરૂ કર્યા.
ટૂંકમાં ગ્રાકોની સુવિધાના નામે તેઓએ મોંઘેરા તેલ દ્વારા વધુ રૂપિયા લઈને વેચવા લાગ્યા.
'ઈન્ડિયન ઓઈલ્સ એન્ડ પ્રોડયુસ એક્સપોર્ટ એસોસિયેશન'ના એક પ્રવકતાના કહેવા પ્રમાણે : દુનિયામાં ઘી-તેલ સહિતના ચરબીયુક્ત પદાર્થોનો માથાદીઠ વપરાશ વરસે પંદર કિલો જેટલો છે. આજે દરેક ગૃહિણીઓને કોઈપણ રસોઈ તેલ વિનાની કલ્પના જ કરવી મુશ્કેલ થઈ પડે તેમ હોય છે.
સંસ્કૃતમાં 'તૈલ' શબ્દ પણ તિલ એટલે કે તલ પરથી જ આવ્યો છે. તલમાંથી નીકળે એ 'તેલ.' કોઈ વસ્તુ કે વ્યક્તિમાં દમ ન હોય ત્યારે આપણે કહીએ છીએ 'તલમાં તેલ નથી.' હવે તો તલનુ તેલ એકદમ મોંઘેરું થઈ ગયું છે. તે તો માત્ર માલિશ માટે કે મનગમતા ઢોકળાં સાથે ખાવાની લહેજત માટે જ વપરાય છે.
આપણા દેશમાં લગભગ ૨૭૦ લાખ હેક્ટર જમીન પર જુદાં જુદાં તેલીબિયાંનું વાવેતર થાય છે. ૧૯૯૬-'૯૭માં તેલીબિયાંનું કુલ ઉત્પાદન ૨૧૬ લાખ ટન હતું. આજે કદાચ આ ઉત્પાદન ચાર ગણાથી પણ વિશેષ છે.
આપણા દેશમાં ગરીબ પ્રજા એટલી બધી છે કે, ખાદ્ય-અખાદ્ય વચ્ચેનો તફાવત બહુ કડક રીતે પળાતો નથી. સામાન્ય રીતે અળસીનું તેલ દવાઓ બનાવવામાં વપરાય છે. જેમ કે બામ, સાંધાના દુખાવા માટેના મલમ, શેમ્પૂ વગેરે બનાવવામાં અળસી (લીનસીડ) ઓઈલ વપરાય છે. એક સમયે મહારાષ્ટ્રની અંદર વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો આ તેલ ખાતા હતા. હવે એવો સમય આવી ગયો છે કે, સસ્તું પડતું કોઈપણ તેલ ખાવા લોકો મજબૂર બનશે.
કહેવાય છે કે, વિશ્વમાં એરંડા ઉપરાંત તલ અને મગફળીના ઉત્પાદનમાં ભારત પહેલે નંબરે આવે છે. આજે આપણું જ ઉત્પાદનને વિદેશમાં નિકાસ કરીએ ત્યારે 'ઘરના છોકરા ઘંટી ચાટે' જેવો ઘાટ ઘડાયો ગણાય. જ્યારે તેલીબિયાંની નિકાસ થાય ત્યારે તેલના ભાવ આસમાને આંબે એ સ્વાભાવિક છે.
કોઈ ગૃહિણીઓ તો રાયડા-સરસવનું તેલ રસોઈમાં વાપરે છે. જો કે ગુજરાતી ગૃહિણીઓ તેની વાસથી દૂર ભાગે છે. રાજસ્થાન, પંજાબ, દરિયાણા અને ઉત્તરપ્રદેશની ગૃહિણીઓ માફક હવે આપણી મહિલાઓને પણ આ તેલમાં રસોઈ બનાવવાના દિવસો નજીક આવી ગયાં છે.
એક સમયે કપસિયાં ઢોરોને ખાણ માટે વપરાતા. ટૂંકમાં લોકો તેને તુચ્છકાર રીતે જોતાં-સંબોધતા. આજે આ કપાસિયાંનું તેલ લોકો હોંશે હોંશે ખાય છે અને કહેવાય છે કે, પોતાની તબિયતની કાળજી લેતા રહે છે. જો કે કપાસિયાનું તેલ ખાવાથી વ્યક્તિને ચરબી ચડતી નથી કે હાર્ટએટેક ઓછા આવે છે : જેવા દાવા અમુક અંશે પોકળ સાબિત થયાં છે. આજે તો સસ્તું પડતું તેલ લોકો માટે ઉત્તમ ગણાય છે. મોટાભાગના શ્રીમંત ઘરોમાં બ્રાન્ડેડ તેલના ડબ્બાની બદલે લુઝ તેલ ભરતા તેલ ઉત્પાદકોના ડબ્બાને પહેલો ન્યાય આપે છે.
આજે તેલમાં ફિલ્ટર-ડબલ ફિલ્ટરના નામે જાતજાતની ભેળસેળ થાય છે. જેમ જેમ તેલની બજારમાં તેજી આવતી જશે તેમ તેમ તેલ મોંઘું થશે અને તેમાં ભેળસેળનો પણ વધારો થશે. આનો લાભ અન્ય તેલ બનાવતી કંપનીઓ પણ પોતાનું તેલ મોંઘું કરીને બજારમાં મૂકશે. આજે જેમ તલ જો કે તેનું તેલ જોવા પણ નથી મળવાનું. સમજી લો કે મગફળીનું તેલ મોંઘું થયું તો તેની સાથે કપાસિયા, રાયડા, સૂરજમુખી વગેરે તમામ તેલ મોંઘા થવા લાગ્યાં. ટૂંકમાં લોકો 'આ નહીં તો પેલું' એવું વિચારી તેલનો પ્રકાર બદલતા હતા એ પસંદગી હવે રહી નહીં.
આજે ભારતમાં ખાદ્યતેલની ર્વાિષક જરૂરિયાત ૧૦૦ ટન ઉપર છે. તેની સામે તેનું ઉત્પાદન ૯૫ લાખ ટન ઉપરનું છે. ગુજરાતની વાત કરીએ તો તેની વસતી પ્રમાણે તેઓને પાંચ લાખ ટન તેલ જોઈએ. જો કે આપણે આથી પણ વધારે ઉત્પાદન કરી શકીએ. પહેલાં તો અમુક સમયે તેલના ભાવ ઘટતા હતા. હવે વધેલા ભાવ વદુ વધે, પરંતુ ઘટવાનું અશક્ય બની ગયું છે.
આશરે સો એક વર્ષ પહેલાં ગુજરાતમાં મગફળીની ખેતી જ નહોતી થતી. કહેવાય છે કે ૧૯૦૪માં સૌરાષ્ટ્રના ધોરાજી પાસે આવેલા એક ગામડાંના ભાઈ આંધ્રપ્રદેશ ગયેલા. ત્યાંથી મગફળીનું બિયારણ લઈ આવેલા અને પછી તો સિંગદાણાને સૌરાષ્ટ્રની ભૂમિ એવી માફક આવી ગઈ કે, તે અહીંની મુખ્ય પેદાશ બની ગયા. અહીં ગુજરાતની એંસી ટકા મગફળી પાકે છે.
દક્ષિણમાં ખાસ કરીને કેરળમાં નાળિયેરમાંથી બનતું કોપરેલ તેલનો વપરાશ થાય છે. જો કે ગુજરાતીઓ તેમાં પણ કોલેસ્ટ્રોલ જુએ છે. આથી તેઓ માટે કપાસિયાનું તેલ ખાવું જ યોગ્ય ગણાય. જો કે તેમાં પૌષ્ટિકતા કમ છે. આજે તો બદામ, અખરોટ અને માછલીના તેલના ટીપાંની કિંમત વધુ છે તો પછી સિંગતેલની ઊંચી કિંમત હોય જ ને ?