Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 06:04:24 AM IST
 

૪૦ કદમ સુખી લગ્નજીવન માટે... (દામ્પત્ય)

May 25, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3035
Rate: 0
Rating:
Bookmark The Article

દાંપત્ય - વર્ષા રાજ

સાત જન્મોના સંબંધમાં બંધાઈ જવું, દરેક જનમમાં સાથ નિભાવવાનું વચન આપવું એટલું જ પર્યાપ્ત નથી હોતું. એ વચનને નિભાવવા માટે કેટલીય સમજૂતી, કેટલાય ત્યાગ કરવા પડે છે. દરેક પગલું સમજી-વિચારીને ભરવાનું હોય છે... તો ભરીએ ડગલાં સમજી-વિચારીને...

લગ્નજીવન એટલે સુખ-દુઃખ, તડકી-છાંયડીવાળું જીવન. એ જીવન દરમિયાન અનેક મુશ્કેલીઓ-પરેશાનીઓ આવે. છતાં પણ એને હલ કરીને હસી-ખુશીથી જીવન જીવાય તો જ લગ્નજીવન ખરા અર્થમાં સુખી લગ્નજીવન ગણાય. આવો જાણીએ કેટલીક એવી ટિપ્સ, જે લગ્નજીવનને સુખી જ નહીં, ખૂબ સુખી બનાવે...

(૧) એ તો સ્વાભાવિક છે કે, બે અલગ અલગ પરિવારોમાં ઉછરેલી વ્યક્તિઓના વિચાર અલગ અલગ જ હશે. એકબીજાનાં વિચારોની કદર કરતાં શીખો. આપસમાં વાતચીત કરીને સમાધાનકારી માર્ગ શોધો.

(૨) સ્વભાવ કે આદતોને રાતોરાત બદલી શકાતી નથી. એકબીજાના સ્વભાવને સમજવાની કોશિશ કરો ને તો જ નિકટતા વધશે.

(૩) લગ્ન પૂર્વે યુવક-યુવતી બહુ જ ઓછા સમય માટે મળે છે, એટલા માટે એકબીજાને રિઝવવા માટે માત્ર સારાં પાસાં જ દર્શાવે છે. 'પહેલાં આવું હતું, હવે કેમ આવું નથી'નો ઝઘડો વ્યર્થ છે.

(૪) નાની-નાની વાતમાં ઝઘડો નહીં જ કરે- એ પ્રતિજ્ઞા પ્રથમ રાતથી જ લઈ લો. 'તમારી માએ, તમારા ભાઈએ આવું કેમ કહ્યું કે પછી તમારી માએ આખો દિવસ આમ તેમ કહ્યું...' જેવી ફરિયાદો ઝઘડાનું કારણ બને છે.

(૫) આપની જિંદગીમાં દરેક વ્યક્તિનું પોતાનું મહત્ત્વ છે. લગ્ન થતાં જ બધાં સંબંધો કાપી નાખવાની વાત કરવી કે એવી ઇચ્છા રાખવી એ સંબંધમાં કડવાશ પેદા કરે છે.

(૬) પત્ની વધુ કમાતી હોય તો તેને સ્વસ્થ દૃષ્ટિકોણથી જુઓ. ઈર્ષ્યા કે દ્વેષભાવથી નહીં, એને સન્માનની વાત સમજો.

(૭) એકબીજાને 'કહેવા-સાંભળવા'ની સ્વતંત્રતા આપો. 'હું આ કરું છું, મને આ પસંદ નથી, હું એ જાણું છું' જેવાં હુંપણાને સંબંધમાં સ્થાન ન આપો. એના બદલે 'આપણી પસંદ' શબ્દ વાપરો.

(૮) ટીકા કરો, ફરિયાદ કરો, પણ પ્યારથી. સાંભળવું એ પણ એક કલા છે, જે મોટાભાગના લોકો ભૂલી જાય છે.

(૯) એકબીજાને જાણવા-સમજવાની કોશિશ કરો. એકબીજાનું ધ્યાન ન રાખવાથી સંબંધ બગડે છે. બીમાર પત્નીની ખબર પૂછયા વગર ઓફિસ જતું રહેવું એ ખોટી બાબત છે.

(૧૦) પ્યાર કરવાનો મતલબ એ નથી કે, તે તમારી સંપત્તિ છે. પ્યાર કરવાનો અર્થ છે- એકબીજાંના વ્યક્તિત્વને સ્વીકારવું.

(૧૧) સંબંધને વિકસવા માટે સમય આપો. ઘર છોડીને વારંવાર જતાં રહેવાની ઉતાવળ ન કરો. દૂર જવાથી દૂરપણું વધે છે. લગ્ન એ કાંઈ ઢીંગલા-ઢીંગલીનો ખેલ નથી કે પસંદ ન આવ્યું તો છોડી દીધું.

(૧૨) વાત કહેવા માટે યોગ્ય સમયની રાહ જુઓ. તનાવગ્રસ્ત પતિને તેના કામકાજ અંગે ફરિયાદ કરવી કે દિવસ દરમિયાન મહેમાનો પાછળ લાગેલી પત્નીની પ્રશંસા કરવાને બદલે જૂની વાત કાઢીને ફરિયાદો જ કર્યા કરવી એ બિલકુલ યોગ્ય નથી.

(૧૩) એકબીજાંની ભૂલો ગણાવવા કરતાં ખૂબીઓ ગણો.

(૧૪) એકબીજાંને 'સરપ્રાઈઝ' આપો- ભેટ, ઉપહાર, પ્યારભર્યા શબ્દોની, પણ ક્યારેય 'શોક' ન આપો. મિત્રોની વચ્ચે ચાલતી મજાકમાં કે તેની બહેનપણીઓ સામે કે પછી સગાં-સંબંધીઓ સમક્ષ પત્નીની મજાક ન ઉડાવો. તેવું જ પત્નીએ પણ સમજવું.

(૧૫) તમે ખરેખર એકબીજાંને પ્યાર કરો છો, તો બીજાંને બદલવાની કોશિશ ન કરો. તું મને પ્યાર કરતી હોવ, તો નોકરી છોડી દે, મૂવી જોવાનું બંધ કરી દે... વગેરે વાતોથી ગુસ્સો જ આવે છે. વ્યક્તિને જેવી તે છે, તેવી જ પસંદ કરો.

(૧૬) આપવાનું શીખો અને તેના બદલામાં કંઈક મેળવવાની આશા ન રાખો. એ તો વેપાર બની જશે. સાચો પ્યાર તો માત્ર આપવાનું જ જાણે છે.

(૧૭) કોઈપણ સંબંધમાં, તેને બંધાતા-જળવાતાં- સજતાં ધૈર્યની ખૂબ જરૂર હોય છે.

(૧૮) હું જ સાચો છું, એ વાત હંમેશાં સાચી નથી હોતી. પોતાની ભૂલ પર 'માફી' માગવાથી પતિ-પત્નીમાંથી કોઈપણ નાનું થઈ જતું જ નથી.

(૧૯) પ્યારનો સ્વીકાર કે આપ-લે કરવા માટે બર્થડે, એનિવર્સરી કે વેલેન્ટાઈન ડે જેવાં દિવસોની રાહ ન જુઓ. ક્યારેય પણ ફૂલોનો ગુલદસ્તો કે બે મીઠાં શબ્દો, જે એવું દર્શાવી શકે કે તમારા આવવાથી મારી જિંદગી બાગ-બાગ થઈ ગઈ છે, એ નાની-નાની પ્યારી વાતો ક્યારેય ભૂલી નથી ભૂલાતી. ઉદાસીમાં પણ એ ખુશીનો અહેસાસ કરાવી જાય છે.

(૨૦) એકબીજાં માટે સમય કાઢો અને એ સમય માત્ર એકબીજાંની સાથે જ વિતાવો.

(૨૧) રૂપિયા-પૈસાને લઈને ઝઘડા ન કરો.

(૨૨) લગ્ન પછી બંધાયેલા અન્ય સંબંધોને પણ નિભાવો. પત્નીના ભાઈ સાથે આત્મીયતા અને પતિની બહેન સાથે સ્નેહ તમને બંનેને વધુ નજીક લાવશે. બંને જણ પોતપોતાના સાસરી પક્ષ સાથે સુવ્યવસ્થિત સંબંધ રાખવા માટેનો નિભાવવાનો વાયદો પોતાની જાત સાથે કરી લે તો ઝઘડો જ ન થાય.

(૨૩) 'અલ્ટીમેટમ' ન આપો. હું પિયર જતી રહીશ કે, તમારે હું કે તમારી નોકરીમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. આ પ્રકારની હઠ બિલકુલ યોગ્ય નથી.

(૨૪) એકબીજાંના કામોને કહ્યાં વગર જ કરી નાખવાની આદત કેળવો અને હા, આદતોને બદલવાની ઉતાવળ ન કરો.

(૨૫) આપનું પ્યારું ઘર બનાવવાના સપનાંને હકીકતમાં બદલવા માટે બચત કરો. જે પણ નિર્ણય કરો, ભેગાં મળીને કરો.

(૨૬) મોટાં નિર્ણયો- જેવાં કે મકાન, ગાડી, વેપાર વગેરે બંને સાથે મળીને જ કરો.

(૨૭) સંકટના સમયે એકબીજાની ટીકા કર્યા વગર એકબીજાની હિંમત અને આત્મવિશ્વાસ વધારો. એવે વખતે ટીકા તનાવગ્રસ્ત કરી શકે છે.

(૨૮) પ્યારને પરિભાષિત કરવાની કોશિશ ન કરો. એકબીજાને સમજવા, તેને પોતાની રીતે જ પોતાની પર્સનાલિટી જાળવી રાખવા દેવામાં જ જો આપને યોગ્ય લાગતું હોય તો બંનેએ એકબીજાનો સાથ પ્યારો લાગશે.

(૨૯) પત્ની સમયસર ખાવા બનાવવાનું, ઘર સજાવવાનું, રૂમાલ-મોજાં આપીનેય ચહેરા પર હસી રાખીને દરેક ઠપકો, દરેક વ્યંગ્ય સહેનારું મશીન નથી. એ પણ માનવી છે. એ જ રીતે પતિ પણ પત્નીની સાચી-ખોટી માગણી પૂરું કરનારું મશીન નથી, એટલા માટે એકબીજાં પાસેથી અતિશય અપેક્ષા ન રાખો.

(૩૦) પત્નીમાં પોતાની માતાને શોધવાની કોશિશ ન કરો. એ સ્વાભાવિક છે કે, પતિની જિંદગીમાં સૌથી નજીક જે સ્ત્રીની છબી હોય છે, તે તેની માની જ હોય છે, પણ પત્નીને અલગ વ્યક્તિના રૂપમાં જ સ્વીકારો. એ જ પ્રકારે પતિમાં પિતાની છબી ન શોધશો.

(૩૧) લગ્ન થતાં જ બાકીના સંબંધો ખતમ નથી થઈ જતા. મિત્રો-સખીઓ સાથે હળવું-મળવું પણ છોડી શકાતું નથી અને એકમેકનું બધું છોડીને માત્ર નવા સંબંધમાં જીવવા માટે મજબૂર પણ કરી શકાતું નથી.

(૩૨) ડ્રોઇંગરૂમમાં બેડરૂમની ચર્ચા કરવાને બદલે કોઈ વિશેષજ્ઞા, ડોક્ટર કે મનોવૈજ્ઞાનિકની સલાહ બહેતર હોય છે. નજીકના સંબંધી, મિત્ર-સખી પાછળથી એ વાતને લઈને મેણાં-ટોણાં મારતાં રહેશે, જ્યારે ડોક્ટર સારી-સાચી સલાહ આપ્યા પછી પણ આ વાતની પુનઃ વ્યર્થ ચર્ચા નહીં કરે.

(૩૩) સમસ્યાઓની ચર્ચા બેડરૂમમાં ન કરો.

(૩૪) પ્યાર કરવામાં કોઈ શરત ન રાખો. જો તમે મને ફલાણો ડ્રેસ કે ફલાણી સાડી કે ફલાણી જ્વેલરી લઈ આપશો તો જ... આવી શરતો ઘરમાં સારી ન લાગે.

(૩૫) જો આપની જિંદગીમાં બાળક પણ આવી ચૂક્યું હોય તો કોઈ મોટું પગલું ભરતાં પૂર્વે એટલું ધ્યાન રાખો કે બાળક માત્ર મા કે બાપનું જ નહીં, બલકે બંનેનું સંરક્ષણ ઇચ્છે છે. આગળનું પગલું ભરતાં પૂર્વે તેના વિશે પણ વિચારો.

(૩૬) પતિના મિત્રો અને પત્નીની સખીઓ સાથે એક અંતર જાળવી રાખો. ક્યારે પરસ્પર આકર્ષણ, પ્રેમમાં પરિણમીને આપના બાગને સળગાવીને રાખ કરી મૂકે... કોને ખબર ?

(૩૭) પરસ્પર વિશ્વાસ અને ભરોસો જ વૈવાહિક સંબંધોની આધારશીલા હોય છે, એને શકની ચિનગારીઓથી કમજોર ન બનાવો.

(૩૮) સંબંધમાં સમર્પણનો એ અર્થ કદાપી નથી થતો કે સ્ત્રી પોતાનું સ્વાભિમાન, આત્મવિશ્વાસ ખોઈ નાખે. પોતાના 'સ્વ'ને, પોતાના 'આત્મા'ને બચાવીને સંબંધ નિભાવવાની કોશિશ કર્યા કરવાથી જ સંબંધોમાં મીઠાશ આવે છે. એકતરફી સમર્પણ યોગ્ય ગણાતું નથી.

(૩૯) 'હું સૌભાગ્ય માટે તારો હાથ પકડું છું, તું મારી સાથે જ સુખપૂર્વક વૃદ્ધાવસ્થા સુધી જીવજે." ફેરા ફરતી વખતે લેવાયેલાં આ વચનોને જિંદગીભર નિભાવવાનો પ્રયાસ હંમેશાં કરો.

(૪૦) જેવી રીતે અન્નની સાથે પ્રાણ અને પ્રાણની સાથે અન્ન અને અન્ન તથા પ્રાણની સાથે અંતરીક્ષ જોડાયેલું છે, તેવી જ રીતે હું સત્યની ગાંઠથી તારા હૃદય અને મનને બાંધું છું. જે મારું હૃદય છે, તે તારું હોય અને જે તારું હૃદય છે, એ મારું હોય- આ વચનને માત્ર ફેરા ફરતી વખતે જ બોલવાનું નથી હોતું, પરંતુ જીવનભર અમલી બનાવવાનું હોય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com