મુંબઈઃ ૨૬ મે ૨૦૧૨
બોલિવુડમાં પોતાની સ્ટાઇલ, કોન્ફિડન્સથી ટોપની 'હીરોઇન' બનનારી કરીના કપૂરે ટોપ પ્રોડયુસર-ડિરેક્ટર કરણ જોહર અને એકતા કપૂરને 'ના' પાડીને બધાને ચોંકાવી દીધા છે. અરે, કરીનાએ આ બંને ડિરેક્ટરોની ફિલ્મમાં અભિનય કરવાની ના નથી પાડી, પરંતુ તેમની ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે કામ કરવાની ના પાડી છે. આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી નથી, પરંતુ આ પ્રોજેક્ટ કરણ જોહરના બેનર હેઠળ એકતા કપૂરની ભાગીદારીમાં છે.
આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે, અને અભિનેત્રી માટે કરીનાના નામ પર પસંદગી ઉતારાઈ હતી. પરંતુ કરીનાએ 'સિરિયલ કિસર' સાથે ફિલ્મ કરવાની ના પાડી દેતા કરણ અને એકતા ચોંકી ગયા હતા. એવું કહેવાય છે કે, કરણને તો વિશ્વાસ હતો કે, કરીના આ ફિલ્મ સ્વીકારી જ લેશે. પરંતુ કરણને 'ચોખ્ખી ના' સાંભળવા મળતા જ તે ચોંકી ગયો હતો.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું માનીએ તો, કરીના 'નવોદિત' ડિરેક્ટર સાથે ફિલ્મ કરવા નહોતી ઇચ્છતી. તેની ઈચ્છા હતી કે, આ ફિલ્મનું ડિરેક્શન કરણ જોહર પોતે જ સંભાળે! જોકે સાચી વાત શું છે તે હજુ સુધી બહાર નથી આવી. કેટલાક લોકોના મતે, કરીના ખરેખર ઈમરાન સાથે કામ કરવામાં રાહત અનુભવતી નથી. વળી તે માને છે કે તેની ઈમેજ સ્મોલ બજેટ ફિલ્મોના 'બેડ બોય'થી વિશેષ નથી.