કવર સ્ટોરી - મનીષા ભટ્ટ
વ્યક્તિગત સંબંધોથી માંડીને વ્યાવસાયિક કારકિર્દીમાં આકર્ષક અને જુસ્સાદાર વ્યક્તિત્વ વિના આગળ વધી શકાય નહીં. વ્યક્તિત્વના નિખાર માટે માત્ર કોસ્મેટિક્સનો જ ઉપયોગ પૂરતો નથી ત્યારે તમારો શિષ્ટાચાર તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. શિષ્ટાચાર થકી તમે લોકો પર સકારાત્મક પ્રભાવ ઊભો કરી શકશો અને તમારી ઉમદા અને આકર્ષક ઇમેજ ઊભી કરવામાં સફળ થશો. પુરુષો કરતાં પણ સ્ત્રીઓના શિષ્ટાચારને વધારે ઓબ્ઝર્વ કરવામાં આવતો હોય છે. શિષ્ટાચાર તમારા વ્યક્તિત્વને શોભાવે છે તો તમારી કારકિર્દીને સફળતમ ઊંચાઈએ પહોંચાડવામાં પણ મદદરૂપ બને છે
ચકાચક ર્મિસડીઝ કાર એક શોપ પાસે આવીને અચાનક ઊભી રહી તેમાંથી કાચની પૂતળી જેવી સુંદર સ્ત્રી ઊતરી. ગુલાબની પાંખડી જેવા હોઠ, પાતળી કમર અને મૃગનયની આંખો, કમનીય કાયાને જોઈને હાજર તમામ લોકોની નજર તેના પર ગઈ. લોકો તેના બાહ્ય વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થઈ ગયા કે બે મિનિટ માટે પોતાનું કામ છોડીને તેના સૌંદર્યને નિહાળવા લાગ્યા. આ સ્ત્રી પોતાનું કામ પતાવીને તરત કારમાં બેસવા જતી હતી ત્યાં તો એક ભિક્ષુક બાળકે વચ્ચે ઊભા રહીને તેનો રસ્તો રોક્યો અને ભીખ માટે આજીજી કરી. મેલાં ઘેલાં બાળકને રસ્તો રોકતું જોઈને આ મેડમને ગુસ્સો ચડયો અને તેમણે બાળકને એવો હડસેલો માર્યો કે બાળક નીચે પડી ગયું. મેડમ તો કારમાં બેસીને ચાલ્યા ગયા. આ ઘટના સાથે જ પેલી સ્ત્રીને અહોભાવથી જોનારા લોકોના મનના ભાવો તરત જ બદલાઈ ગયા. લોકોને આ સુંદર છતાં ઉદ્ધત સ્ત્રી પર રોષ ચડયો. કેટલાકે તો મનોમન ગાળો પણ ભાંડી.
આ કિસ્સા પરથી તમે સમજી ગયા હશો કે ઉમદા વ્યક્તિત્વ માટે સુંદરતા સાથે શિષ્ટાચાર પણ કેટલો જરૂરી છે. જો તમે ભીખ આપવામાં ન માનતા હો તો તમે બાળકને અવગણીને આગળ નીકળી શક્યા હોત પણ તેને પછાડી દેવાની તમારી વૃત્તિ જ તમારી અંદર રહેલી રહેલી ઉદ્ધતાઈ અને અશિષ્ટાચાર બતાવે છે.
શિષ્ટાચાર એ સ્ત્રી કે પુરુષ બધા જ માટે જરૂરી છે પણ સ્ત્રી માટે તેની વેલ્યૂ એટલા માટે વધી જાય છે કે બાળકના સંસ્કાર સિંચનમાં પિતા કરતાં માતાનો ફાળો વધુ હોય છે. નાનું બાળક સામાન્ય રીતે પિતા કરતાં માતા સાથે વધુ સમય પસાર કરતું હોય છે તેથી માતાના વ્યવહાર-વર્તનનો પ્રભાવ પણ બાળક પર પડયા વગર નથી રહેતો. આવાં અનેક પાસાં છે જેનાથી સ્ત્રીનું શિષ્ટાચારી હોવું આખાય ઘરને સંસ્કારી અને સુસભ્ય બનાવી જાય છે.
શિષ્ટાચાર અને સંબંધો
શિષ્ટાચારનો સંબંધો પર પણ બહુ મોટો પ્રભાવ પડે છે. એક સ્ત્રી જ્યારે પરણીને સાસરે આવે છે ત્યારે પહેલાં તો માત્ર તેની બાહ્ય સુંદરતાનાં જ વખાણ થતાં હોય છે પછી અન્ય પ્રસંશા માટે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે નિવડે વખણાય એટલે કે તેનાં વર્તન-વ્યવહાર જોયા બાદ જ ખ્યાલ આવે કે તે કેવી વ્યક્તિ છે. લગ્ન બાદ સાસરામાં સ્ત્રીની નાની નાની વર્તણૂકની બહુ નોંધ લેવાતી હોય છે ત્યારે સભ્ય વ્યવહારથી સંબંધોમાં પણ માધુર્ય ભરી શકાય છે અને સાસરામાં બધાનાં દિલને સરળતાથી જીતી શકાય છે. બહુ નજીકના અને પ્રેમભર્યા સંબંધોમાં પણ શિષ્ટાચારની જરૂર પડે છે. પતિ-પત્નીના સંબંધોમાં જ શિષ્ટાચાર અનિવાર્ય છે.
વ્યાવસાયિક સંબંધોમાં તો શિષ્ટાચાર એથીય વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે. ધંધા-વ્યવસાયમાં સામેવાળી વ્યક્તિ માંડ આપણી પરિચિત હોય છે ત્યારે આપણા શિષ્ટાચારને કારણે જ આપણે તેમની સાથે સંબંધો કેળવી શકીએ છીએ. મીટિંગ હોય કે વર્કશોપ, તમે શિષ્ટાચાર દાખવીને તમારી એક આદર્શ ઇમેજ ઊભી કરી શકો છો. શિષ્ટાચારથી જ આપણે સામેની વ્યક્તિ પ્રત્યેના સન્માનને દર્શાવી શકીએ છીએ. શિષ્ટાચારથી સંબંધો સુદૃઢ બને છે.
શિષ્ટાચાર અને કરિયર
નૈનાએ પોતાનું એમબીએ ડિસ્ટિંક્શન સાથે કમ્પ્લીટ કર્યું. તેને એટલો આત્મવિશ્વાસ હતો કે એમબીએ પછી તરત જ તેને બહુ સારી કંપનીમાં ઊંચા પગારની જોબ મળી જશે. તેને હતું કે તેના માર્ક્સ સારા છે, તે હોંશિયાર છે ત્યારે તેને નોકરી પર લેવા તો પડાપડી થશે. પરંતુ, તેણે એક પછી એક અનેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પણ ક્યાંયથી રિઝલ્ટ પોઝિટિવ ન આવ્યું. એક દિવસ તે બહુ હતાશ થઈ ગઈ. તેને થયું કે આ ડિગ્રીનું હવે કોઈ મૂલ્ય નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ કરતા તેના એક ફ્રેન્ડે ફોન કરીને કહ્યું, અમારી કંપનીમાં માણસની જરૂર છે. જોબની ઇચ્છા હોય તો ઇન્ટરવ્યૂ ગોઠવી આપું. નૈનાએ ઇન્ટરવ્યૂ આપ્યો પણ તેને નોકરી ન આપવામાં આવી. અહીં મિડિયેટર તેનો મિત્ર હોવાથી તેના રિજેક્શનનું કારણ મળ્યું. નૈનાના મિત્રે તેને વાસ્તવિકતા જણાવી કે ઇન્ટરવ્યૂમાં તારો એટિટયુડ અમારા બોસને ન ગમ્યો. કોઈ પણ પ્રકારના શિષ્ટાચારને દાખવવાનું સૌજન્ય તે નહોતું બતાવ્યું એટલે તેમને લાગ્યું કે તું ઈગોઇસ્ટ અને ઉદ્ધત છોકરી છે. ત્યારે નૈનાને સમજાયું કે પોતે શા માટે બધેથી રિજેક્ટ થતી હતી.નોકરી મેળવવાથી માંડીને ઓફિસ બિહેવિયરમાં શિષ્ટાચારને આગવું સ્થાન છે. જો તમે યોગ્ય સમયે શિષ્ટાચાર ન બતાવો તો તમારી ઇમેજ ડાઉન થઈ શકે છે.
શિષ્ટાચાર અને વર્કિગ વુમન
જિયા માર્કેટિંગ સેકટરમાં ટેલિકોલર તરીકે કામ કરે છે. વાતચીત અને સેલ્સમેનશિપ પરથી જ ડાયમંડનું માર્કેટિંગ થતું હોય છે, પરંતુ હાર્ડ વર્ક કરનારી જિયા તેના ગરમ મિજાજ અને ઉદ્ધતાઈભર્યા વર્તનને લીધે માર ખાઈ ગઈ. જિયાના ઉદ્ધતાઇભર્યા વર્તનને લીધે એજન્ટોની ફરિયાદનો ઢગલો થયો અને અંતે જિયાને જોબ ગુમાવવી પડી.
આ ઘટના એ જ દર્શાવે છે કે કરિયર ગ્રોથ માટે પણ શિષ્ટાચાર બહુ જરૂરી છે. જો ઓફિસમાં તમારો વ્યવહાર સભ્ય હશે તો તમારી પોઝિટિવ છાપ પડશે. કંપનીને ટેલેન્ટેડની સાથે સારી વર્તણૂકવાળા લોકોની કદર કરતી હોય છે. કરિયરના ગ્રોથ માટે પણ શિષ્ટાચાર એક પ્લસ પોઇન્ટ સાબિત થાય છે.
શિષ્ટાચાર અને સંસ્કારવારસો
હીનાબહેનને એવી આદત જ હતી કે ઘરમાં કોઈ મહેમાન આવે એટલે તેમને મીઠો આવકાર આપીને બેસાડવાના અને પછી તરત પાણી આપવાનું. આવનાર વ્યક્તિ પતિની ઓફિસનો પ્યુન હોય કે ખુદ નાનાજી હોય. મહેમાનોને આવકારવાના અને તેમને ઠંડું પાણી પીવડાવવામાં હીના કોઈ ભેદભાવ ન રાખતી. હા, તેમના ઘરે આવેલો મહેમાન ક્યારેય ચા-નાસ્તો કે ઠંડું પીધા વિના ન જતો. એક દિવસ હીનાબહેન શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયા હતા. એ દરમિયાન હીનાબહેનની ખાસ બહેનપણી નિકિતા આવી ચડી. ઘરે મોટું કોઈ હતું નહીં પણ હીનાબહેનની છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરી અમૂલ્યાએ તરત જ તેમને આવકાર્યા અને ઘરમાં સોફા પર બેસાડયાં. પછી તરત ફ્રિજમાંથી ઠંડું પાણી પીવડાવ્યું. ખબરઅંતર પૂછયા ત્યાં સુધીમાં તો હીનાબહેન આવી ગયા. નિકિતાએ બીજી કોઈ વાત કર્યા વિના અમૂલ્યાની ઠાવકાઈ અને શિષ્ટાચારના બહુ જ વખાણ કર્યા અને કહ્યું કે તમે દીકરીને સારું શીખવ્યું છે. હીનાબહેને કહ્યું કે મેં તો કદી આવું કંઈ કરવાનું શીખવ્યું નહોતું, છતાં તે ખુશ થયાં.
બાળકો માતા-પિતાના વર્તન પરથી જ શીખતા હોય છે. શિષ્ટાચાર પણ કંઈ શીખવાડવામાં આવતો નથી તે પણ માતા-પિતાને જોઈને કેળવાતો હોય છે. તમે જો એવું ઇચ્છતા હોય કે તમારા બાળકનું વ્યક્તિત્વ ઉમદા ઘડાય, તેઓ સંસ્કારી-શિષ્ટાચારી બને તો એ માટે તમારે જ શિષ્ટાચાર દાખવતા થવું પડે. સંતાનો માતા સાથે વધારે સમય ગાળે છે ત્યારે માતાનો શિષ્ટાચાર બાળકોમાં આપોઆપ કેળવાતો હોય છે.
શિષ્ટચાર ક્યાં ક્યાં નોટિસ થાય છે?
- ઇન્ટરવ્યૂ, જીવનસાથી માટેનો હોય કે નોકરી માટેનો.
- વ્યક્તિગત કે વ્યાવસાયિક મુલાકાતો-મિટિંગ
- સામાજિક પ્રસંગો
- શોપિંગમાં દુકાનદાર સાથેનું વર્તન
- ટેલિફોનિક વાતચીત
- ઓફિસમાં બોસ અને કલીગ સાથેનું વર્તન
- યજમાન કે મહેમાન બનો ત્યારે
- ઘરે આવતા કામવાળાથી માંડીને સેલ્સમેન સાથેનું વર્તન